લૂર્યા, સાલ્વેડોર (જ. 13 ઑગસ્ટ 1912, ટોરિનો, ઇટાલી; અ. 1991) : સન 1969ના મૅક્સ ડેલ્બ્રુક અને ઇફેડ હર્શે સાથેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેમને વિષાણુઓના પુનરુત્તારણ(replication)ની ક્રિયાપ્રવિધિ તથા જનીની બંધારણ અંગેની શોધ અંગે આ સન્માન પ્રાપ્ત થયું છે.
સન 1929માં તેમણે તબીબી શિક્ષણ મેળવવાની ક્રિયા ટોરિનો યુનિવર્સિટીમાં શરૂ કરી અને સન 1935માં એમ.ડી.ની ઉપાધિ મેળવી. સન 1938થી 1940 સુધી તેઓ પૅરિસની રેડિયમ ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન ફેલો તરીકે રહ્યા અને સન 1940થી 1942 સુધી તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં શસ્ત્રક્રિયાલક્ષી જીવાણુવિદ્યામાં સંશોધન-સહાયક તરીકે રહ્યા. સન 1943થી 1950માં ઇન્ડિયાના યુનિવર્સિટી, યુ.એસ.માં તેમણે ક્રમશ: સૂચનાદર્શક (instructor), મદદનીશ પ્રાધ્યાપક અને સહપ્રાધ્યાપકના પદે કાર્ય કર્યું. સન 1947ના જાન્યુઆરીમાં તેમણે અમેરિકન નાગરિકત્વ મેળવ્યું. સન 1950માં તેઓ ઇલિનૉઇસ યુનિવર્સિટીમાં સૂક્ષ્મજીવવિદ્યાના પ્રાધ્યાપક બન્યા. સન 1959થી 1964 સુધી તેઓ મૅસેચૂસેટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(MIT)માં પ્રાધ્યાપકપદે રહ્યા. સન 1964માં MITમાં પ્રોફેસરપદે અને સન 1965માં જૈવવિદ્યાના અભ્યાસ માટેની સાક ઇન્સ્ટિટ્યૂટમાં બિનનિવાસી ફેલો તરીકે નિમાયા. સન 1970માં MITમાં જીવવિદ્યાના પ્રોફેસર બન્યા. તેમને વિવિધ માન-સન્માન અને ઍવૉર્ડો મળેલાં હતાં. તેઓ અનેક દેશવિદેશના જર્નલોના એડિટર-વૉર્ડમાં પણ નિમાયેલા હતા. તેઓ ઝેલા હર્ઝવિટ સાથે 1945માં પરણ્યા હતા અને તેનાથી તેમને એક પુત્ર પ્રાપ્ત થયો હતો.
શિલીન નં. શુક્લ