લૂઈ, ઑટો (Loewi, Otto) (જ. 3 જૂન 1873, ફ્રૅન્કફર્ટ-ઑન ધ- મેઇન, જર્મની; અ. 25 ડિસેમ્બર 1961) : સન 1936ના સર હેન્રી હૉલેટ ડેલ સાથેના નોબેલ પારિતોષિકવિજેતા. તેમને ચેતાઆવેગોના રાસાયણિક પારવહન (chemical transmission) અંગેના સંશોધન માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમના પિતા એક વેપારી હતા.
સ્થાનિક પ્રાથમિક ગ્રામર સ્કૂલમાં ભણીને તેઓ 1891માં તે સમયે જર્મનીમાં આવેલી મ્યૂનિક યુનિવર્સિટીમાં તબીબી વિદ્યાર્થી તરીકે પ્રવેશ્યા. શરૂઆતમાં તેમણે તબીબી અભ્યાસને બદલે તત્વજ્ઞાન તરફ વધુ ધ્યાન આપ્યું, પરંતુ 1893માં તેઓએ ગંભીર રીતે તબીબી અભ્યાસ શરૂ કર્યો અને માંડ તે અંગેની પરીક્ષા પાસ કરી. સન 1894થી તેઓ તબીબી અભ્યાસમાં વધુ સક્રિય બન્યા અને સન 1896માં સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાંથી તબીબી ઉપાધિ મેળવી. તેમના તે સમયના માર્ગદર્શક હતા પ્રાધ્યાપક ઑસ્વાલ્ડ શ્મીડબર્ગ, જેમને ઔષધવિદ્યા(pharmacology)ના પિતા ગણવામાં આવે છે. ત્યારબાદ તેમણે વિશ્લેષણશીલ અકાર્બનિક રસાયણવિદ્યા (analytical inorganic chemistry)નો અભ્યાસ કર્યો અને થોડા મહિનામાં ફ્રેન્ઝ હોફમિસ્ટરની સ્ટ્રાસબર્ગની જૈવરસાયણવિદ્યાની ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. સન 1897–98માં ફ્રૅન્કફર્ટની શહેરી હૉસ્પિટલમાં જોડાયા, પણ ક્ષયરોગ અને ન્યુમોનિયાથી થતા મૃત્યુનો દર જોઈને ચિકિત્સાલક્ષી ક્ષેત્ર છોડ્યું અને ઔષધવિદ્યાના મૂળભૂત સંશોધન તરફ વળ્યા. 1898માં તેઓ પ્રાધ્યાપક મેયેરના મદદનીશ બન્યા. સન 1905માં તેઓ મેયેરની પ્રયોગશાળામાં સહપ્રાધ્યાપક બન્યા અને સન 1909માં તેઓ ગ્રાઝ ખાતે ‘ચૅર ઑવ્ ફાર્મેકૉલૉજી’માં નિયુક્ત થયા. તે પણ ક્લોરિઝીન નામના રસાયણ પર તથા પ્રાણીઓની પોતાની પ્રોટીનસંશ્લેષણ કરવાની ક્ષમતા પર શોધનિબંધો લખ્યા. આ શોધનું પોષણવિદ્યામાં ઘણું મહત્વ છે. તે સાલથી તેમણે મૂત્રપિંડની દેહધાર્મિક ક્રિયાઓ વિશે શોધલેખો લખવા માંડ્યા. સન 1902માં તેઓએ લંડનમાંની સ્ટાર્લિંગ પ્રયોગશાળામાં કાર્ય કર્યું અને ત્યાં તેઓ હેન્રી ડેલને મળ્યા. સન 1905થી વિયેનામાં તેમણે કાર્બોદિત પદાર્થો અંગેનાં સંશોધનો કર્યાં અને ગ્લાયકોજનના સંશ્લેષણ અને ગ્લુકોઝ-ફ્રુક્ટોઝના ચયાપચય અંગે પણ ઘણા પ્રયોગો કર્યા. સન 1921માં તેમણે ચેતાઆવેગોના રાસાયણિક પારવહન અંગે સંશોધન કર્યું અને દર્શાવ્યું કે પરાસંવેદી ચેતાતંત્રમાં એસિટાઇલ કોલિન તથા સંવેદી ચેતાતંત્રમાં એડ્રિનાલિનના જેવું કોઈ અન્ય દ્રવ્ય રાસાયણિક પારવહન કરે છે. આ શોધે તેમને નોબેલ પારિતોષિક અપાવ્યું. સન 1936માં જર્મનીએ ઑસ્ટ્રિયા પર આક્રમણ કર્યું અને તેથી તેમણે માતૃભૂમિ ત્યજી અને તેઓ બ્રસેલ્સ ગયા. થોડાક જ સમયમાં તેઓ તેમને મળેલા નિમંત્રણને માન આપીને ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં સંશોધન-પ્રાધ્યાપક તરીકે ઔષધવિદ્યા શાળામાં જોડાયા. તેઓ અમેરિકામાં 1940માં આવ્યા. તેમને વિશ્વની અનેક યુનિવર્સિટીઓ તરફથી માનાર્હ ઉપાધિઓ પ્રાપ્ત થઈ હતી તથા વિવિધ વૈજ્ઞાનિક સંઘો અને મંડળો તરફથી માનાર્હ સભ્યપદ પણ પ્રાપ્ત થયું હતું. તેમને સંગીત, વાસ્તુવિદ્યા અને ચિત્રો દોરવામાં રસ રહ્યો હતો અને હંમેશ પ્રદર્શનો અને કળાસંગ્રહસ્થાનો(museum)ની મુલાકાત લેતા. સન 1908માં તેઓ ગિડા ગોલ્ડસ્મિથ સાથે પરણ્યા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી હતાં. તેઓ સન 1946માં અમેરિકાના નાગરિક બન્યા હતા.
શિલીન નં. શુક્લ