લુંબિની : ભગવાન બુદ્ધનું જન્મસ્થળ. નેપાળમાં આવેલું આ સ્થળ હાલ રુમ્મનદેઈ તરીકે ઓળખાય છે. તે રુપાદેઈ તરીકે પણ જાણીતું છે. નેપાળની સરહદે કપિલવસ્તુથી પૂર્વમાં 10 માઈલ દૂર આ સ્થળ આવેલું છે. બુદ્ધની માતા માયાદેવી ગર્ભવતી હતાં ત્યારે પોતાને પિયર જવા નીકળ્યાં. કપિલવસ્તુથી દેવદહનગર એ બે નગરોની વચ્ચે લુંબિની નામનું ગામ અને એ નામનો ઉદ્યાન હતો. આ ઉદ્યાનમાં થોડો વખત તેમણે શાલવૃક્ષ નીચે વિસામો લીધો. ત્યાં તેમને પ્રસૂતિની પીડા ઊપડી અને એ પછી ગૌતમ બુદ્ધનો જન્મ થયો. ભગવાન બુદ્ધના જન્મના સ્થળ તરીકે બૌદ્ધ ધર્મમાં આ સ્થળનું ઘણું માહાત્મ્ય છે.
મૌર્યસમ્રાટ અશોકે તેના રાજ્યકાલના 20મા વર્ષે આ સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યાં એક શિલાસ્તંભ ઊભો કરાવ્યો હતો. સ્તંભને ફરતી શિલા-પ્રાકાર એટલે કે વેદિકા કે વંડી કરાવી હતી. આ એકાશ્મક (monolithic) સ્તંભની શિરાવટીની ઉપર અશ્વનું શિલ્પ હતું, જે હવે નષ્ટ થયું છે. સ્તંભ પર કોતરેલા લેખમાં જણાવ્યું છે કે, ‘અહીં ભગવાન શાક્યમુનિનો જન્મ થયો હતો. (हिदे बुधे जाते शाक्यमुनि)’. થોડાંક વર્ષો પહેલાં પુરાતત્વ ખાતાએ નેપાળ સરકારની પરવાનગીથી ત્યાં ખોદકામ કરાવ્યું હતું અને દટાઈ ગયેલા કેટલાક અવશેષો પ્રાપ્ત થયા હતા. હાલ ત્યાં અશોકના સ્તંભ ઉપરાંત એક પ્રાચીન મંદિર જળવાઈ રહ્યું છે. તેમાં ભગવાન બુદ્ધના જન્મની પ્રતિમા છે. બૌદ્ધ ગ્રંથોના વર્ણનાનુસારની આ પ્રતિમા છે.
ચીમનલાલ વલ્લભરામ રાવળ
થોમસ પરમાર