લુંડક્વિસ્ત આર્તુર

January, 2004

લુંડક્વિસ્ત આર્તુર (જ. 3 માર્ચ 1906, ઑદર્લુંગા, સ્વીડન; અ. 1991) :  સ્વીડિશ કવિ, નવલકથાકાર અને વિવેચક. વીસમી સદીના ત્રીજા દશકના ફેમ ઊંગા – પાંચ યુવાનોની ટોળીમાંના એક એવા આર્તુરે પ્રાણવાદી (vitalist) ચળવળની અગ્રિમ હરોળના નેતા તરીકે મહત્વનો ભાગ ભજવ્યો હતો. માણસની ભાવાવેશતા તથા સાહજિકતા જેવી જન્મજાત વૃત્તિઓને આદર્શ તરીકે સ્થાપીને તેનાં તીવ્ર સંવેદનોને તેમણે ડી. એચ. લૉરેન્સની જેમ કામુકતાના ગૂઢાર્થમાં સમજવાનો પ્રયત્ન કરી મનુષ્યના વાસ્તવિક જીવનનો સ્વીકાર કરેલો. ‘ગ્લોઇંગ એમ્બર્સ’ (1928), ‘બ્લૅક સિટી’ (1930) અને ‘ધ રિવર્સ રન ટૉવર્ડ્ઝ ધ સી’ (1934) – એ તેમના શરૂઆતના કાવ્યસંગ્રહો છે. વિશ્વયુદ્ધના ઓછાયામાંથી પ્રગટેલી તેમની કવિતામાં જે નૈરાશ્ય દેખા દે છે, તેમાંથી ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના તેમની કવિતાનો પાયો બને છે. ‘ક્રૉસ રોડ્ઝ’ (1942), ‘ધ ટૉકિંગ ટ્રી’ (1960), ‘એસ્કેપ ઍન્ડ સર્વાઇવલ’ (1977) તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. તેમણે અપદ્યાગદ્યના પ્રયોગો પણ કર્યા છે. ‘પોપિઝ ફ્રૉમ તાશ્કંદ’ (1952), ‘ધિસ ઇઝ ધ વે ક્યૂબા લિવ્ઝ’ (1965) – એ પ્રવાસગ્રંથો છે.

નિબંધ, વિવેચન અને અનુવાદ દ્વારા અન્ય ભાષાઓમાંથી તેમણે સ્વીડિશમાં મબલખ લખાણ કર્યું છે. 1934–35માં ‘કૅરેવાન’ નામના સાહિત્યિક સામયિકના તેઓ સ્થાપક તંત્રી હતા. ટી. એસ. એલિયટ, ડી. એચ. લૉરેન્સ અને વિલિયમ ફૉકનરના સાહિત્યના અનુવાદ તેમણે  સ્વીડિશમાં કરી આપ્યા. સ્વીડિશ અકાદમીમાં 1968માં તેઓ ચૂંટાયા હતા. અનેક સાહિત્યિક પદકો ઉપરાંત 1958નું સાહિત્ય માટેનું ‘લેનિન પ્રાઇઝ’ અને 1961નું ‘સ્મૉલ નોબેલ પ્રાઇઝ’ તેમણે પ્રાપ્ત કરેલાં. 1963નું ‘પ્રાઇઝ ઑવ્ ધ નાઇન’ પણ તેમને એનાયત થયેલું. 1983માં સ્વીડિશ અકાદમીના વગદાર પ્રતિનિધિ અને જ્યુરીના સભ્ય તરીકે ‘લૉર્ડ ઑવ્ ધ ફ્લાઇઝ’ના લેખક વિલિયમ ગોલ્ડિંગને બદલે ક્લૉડ સિમનને નોબેલ ઇનામ મળવું જોઈએ તેવો તેમનો મત જગજાહેર હતો.

વિ. પ્ર. ત્રિવેદી