લી, ટ્રિગ્વે હલ્વદાન (જ. 16 જુલાઈ 1896, ક્રિસ્ટાનિયા, ઑસ્લો, નૉર્વે; અ. 30 ડિસેમ્બર 1968, જિલ્લો, નૉર્વે) : નૉર્વેના રાજકારણી, મુત્સદ્દી અને યુનોના સૌપ્રથમ મહામંત્રી. પ્રારંભે યુવાવયે તેઓ નૉર્વેની લેબર પાર્ટીમાં જોડાયા અને 1912માં આ પક્ષના હોદ્દા પર ચૂંટાયા, ક્રમશ: આગળ વધતાં 1926માં પક્ષના ઉચ્ચ હોદ્દા પર ચૂંટાયા. દરમિયાન 1919માં ઑસ્લો યુનિવર્સિટીની લૉ સ્કૂલમાંથી કાયદાના સ્નાતક બની તે ક્ષેત્રે કારકિર્દીનો આરંભ કર્યો. 1922–35 દરમિયાન તેઓ નૉર્વે ટ્રેડ યુનિયન કૉંગ્રેસના કાનૂની સલાહકાર પણ રહ્યા. 1935માં નૉર્વેમાં લેબર પાર્ટીને સત્તા મળી ત્યારે તેઓ તેમાં ન્યાયમંત્રી બન્યા. ત્યારબાદ વાણિજ્ય, ઉદ્યોગ, મત્સ્યોદ્યોગ, વહાણવટું – એમ વિવિધ વિભાગોના તેઓ મંત્રી બનેલા. બીજા વિશ્વયુદ્ધ (1939–45) વેળા તેઓ નૉર્વે સરકારના વિદેશમંત્રીના હોદ્દા પર હતા.
1945માં સાનફ્રાંસિસ્કો ખાતે યુનોની રચના બાબતે એક પરિષદ યોજાઈ હતી તેમાં તેઓ નૉર્વેજિયન પ્રતિનિધિમંડળના વડા તરીકે હાજર હતા. આ સંદર્ભે યુનોની રચના અંગેના કમિશન–3ના તેઓ અધ્યક્ષ બન્યા. કમિશન–3ના અધ્યક્ષ તરીકે સલામતી સમિતિના ખતપત્રનો મુસદ્દો તેમણે તૈયાર કર્યો હતો. આ અંગેના તેમના સંનિષ્ઠ પ્રયાસોને કારણે તેઓ 1 ફેબ્રુઆરી, 1946ના રોજ પાંચ વર્ષ માટે યુનોના મહામંત્રી તરીકે ચૂંટાયા. યુનોના મહામંત્રી તરીકે અમેરિકા અને સોવિયેત યુનિયન જેવી મહાસત્તાઓ વચ્ચે આરંભાયેલા ઠંડા યુદ્ધને અમાન્ય કરવાના પ્રયાસો તેમણે ચાલુ રાખ્યા. બીજી તરફ યુનોના સભ્યપદને તેના આરંભકાળમાં જ વિશ્વવ્યાપી બનાવવા પ્રયાસ કરતા હતા. 1950માં સામ્યવાદી ચીનને યુનોમાં દાખલ કરવાની તેમની ખાસ ભલામણ હતી. 1950માં ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર કરેલા આક્રમણને તેમણે વખોડ્યું હતું. અલબત્ત, સલામતી સમિતિએ કોરિયાના યુદ્ધમાં દરમિયાનગીરી કરવાની ભલામણ કરી હતી. જોકે સોવિયેત યુનિયનને આ દરમિયાનગીરી માન્ય નહોતી તેથી તેની દૃષ્ટિએ આવી ભલામણ વાજબી નહોતી. ચીનનું સભ્યપદ, ઉત્તર-દક્ષિણ કોરિયા વચ્ચેના યુદ્ધમાં સલામતી સમિતિનું વલણ વગેરે કારણોસર સોવિયેત યુનિયન અને મહામંત્રી લી વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા. આથી મહામંત્રી તરીકે તેમની પાંચ વર્ષની મુદ્દત પૂરી થતાં તેમની આ હોદ્દા પરની પુન:-ચૂંટણીનો પ્રશ્ન ઊભો થયો ત્યારે સોવિયેત યુનિયન તેમની પુનર્નિમણૂક વિરુદ્ધ નિષેધાધિકાર(veto)નો ઉપયોગ કરવાનું હતું. પરિણામે મહામંત્રીની ઔપચારિક પુન:-ચૂંટણીની પ્રક્રિયા હાંસિયામાં ધકેલી દેવાઈ અને લીને આ હોદ્દા પર ત્રણ વર્ષ વધુ કામ કરવા માટે જણાવવામાં આવ્યું. આથી આ વધારાનાં ત્રણ વર્ષ માટે સોવિયેત યુનિયને તેમને મહામંત્રી તરીકે અમાન્ય કર્યા હતા.
બીજી તરફ અમેરિકાના વિરોધનો પણ તેમને સામનો કરવો પડ્યો હતો. અમેરિકામાંના શંકાસ્પદ સામ્યવાદીઓને તથા બિનવફાદાર અમેરિકન નાગરિકોને યુનો સચિવાલયમાં નોકરી આપવાના આરોપસર તેમની વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સેનેટર જૉસેફ મેકાર્થીના ભારે વિરોધનો તેમને સામનો કરવો પડ્યો હતો. આ સ્થિતિમાં યુનો વતી મધ્યસ્થી કરવાનું કે વહીવટી કામગીરીનું સંચાલન કરવાનું લગભગ અશક્ય બન્યું હોવાથી 10 નવેમ્બર 1952ના રોજ તેમણે આ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. યુનોની કામગીરીમાં નિષ્પક્ષ રહેવાની કિંમત તેમને આ રીતે ચૂકવવી પડી હતી. તેમના અનુગામી તરીકે દાગ હેમરશિલ્ડ યુનોના મહામંત્રી બનેલા.
તે પછી તેઓ નૉર્વેના રાજકારણમાં સક્રિય હતા. ‘ઇન ધ કોઝ ઑવ્ પીસ’ (1954) તેમના વિવિધ અનુભવોમાંથી પ્રકાશન પામેલો ગ્રંથ છે.
રક્ષા મ. વ્યાસ