લીટલ બેલે ટ્રૂપ (સ્થાપના 1952)

January, 2004

લીટલ બેલે ટ્રૂપ (સ્થાપના 1952) : ભારતીય નૃત્યનાટિકાઓ ભજવતી ભારતની અગ્રણી કલાસંસ્થા.

જાણીતા નૃત્યકાર અને કોરિયૉગ્રાફર શ્રી ઉદય શંકર પાસે અલ્મોડાના કલ્ચર સેન્ટરમાં તાલીમ લઈને શ્રી શાંતિ બર્ધને લીટલ બેલે ટ્રૂપની સ્થાપના કરી. શ્રી શાંતિ બર્ધને મણિપુરી અને ટીપેરાની નૃત્યશૈલીનો અભ્યાસ કર્યો હતો. 1944થી શરૂ કરી ઉદય શંકર દિગ્દર્શિત ‘ભુખા હૈ બંગાળ’, ‘ધ સ્પિરિટ ઑવ્ ઇન્ડિયા’, ‘ઇમોર્ટલ ઇન્ડિયા’ અને ‘ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ની કુલ અડધો ડઝન બૅલે(Ballet)માં ભાગ લીધો અને પ્રયોગશીલ નૃત્યશૈલીનો અભ્યાસ કર્યો. શ્રી ઉદય શંકર પ્રગતિશીલ નાટ્યપ્રવૃત્તિ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (ઇપ્ટા) સાથે સંકળાયેલા હતા. 1952થી લીટલ બેલે ટ્રૂપ દ્વારા શાંતિ બર્ધને ‘રામાયણ’ અને ‘પંચતંત્ર’ની બૅલે તૈયાર કરી; જેમાં નૃત્ય, નાટક, પપેટ વગેરે શૈલીઓ પ્રયોજી ભારતીય બૅલેનું એક નવું સ્વરૂપ પ્રેક્ષકો સામે રજૂ કર્યું.

લીટલ બેલે ટ્રુપની એક નૃત્યનાટિકાનું દૃશ્ય

લીટલ બૅલે ટ્રુપના બૅલે પ્રયોગનું એક દૃશ્ય

1964થી આ લીટલ બેલે ટ્રૂપ મુંબઈથી ગ્વાલિયર આવ્યું અને ત્યાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ થિયેટર આર્ટ્સનો આરંભ કર્યો. એને રંગશ્રી એવું નામ આપ્યું. આ રંગશ્રી દ્વારા ભારતભરમાં અનેક બૅલેની પ્રસ્તુતિ કરવામાં આવી; જેમાં ‘પંચતંત્ર’, ‘મેઘદૂત’, ‘ક્ષુધિતપાષાણ’, ‘ભૈરવી’, ‘મુક્તધારા’, ‘કન્યાકુમારી’, ‘મધુશાલા’, ‘પશુતંત્ર’ વગેરેનો સમાવેશ થાય છે. આ રંગશ્રી દ્વારા અનેક નાટકો પણ તૈયાર કરવામાં આવ્યાં : ‘નદી પ્યાસી થી’, ‘રામલીલા’, ‘અંધાયુગ’, ‘બકરી’, ‘અબુ હસન’, ‘એવમ્ ઇન્દ્રજિત’ વગેરે. રંગશ્રીએ ચીન, નેપાળ, રશિયા, ફ્રાન્સ, જાપાન, હૉંગકૉંગ વગેરે સ્થળે અનેક વાર ભારતીય બૅલેની રજૂઆત કરી હતી. વીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાનની દેશની કલાપ્રવૃત્તિ અને નૃત્યનાટ્યશૈલીઓ ઉપર લીટલ બેલે ટ્રૂપ અને રંગશ્રીએ ભારે પ્રભાવ પાડ્યો છે. આ ક્ષેત્રનાં અનેક નિષ્ણાતોની પ્રારંભની કારકિર્દી રંગશ્રીમાં જ ઘડાઈ છે. ગુલબદન, સૂર્યમુખી, પંચાનન પાઠક, પ્રભાત ગાંગુલી, રાનુ બર્ધન, રાધા સુખમણી વગેરે લીટલ બેલે ટ્રૂપના કલાકારોમાં અગ્રણીઓ ગણાય છે.

હસમુખ બારાડી