લીવરેજ (વાણિજ્ય)

January, 2004

લીવરેજ (વાણિજ્ય) : કંપનીના વકરામાં વધઘટ થતાં તેના નફામાં થતી સાપેક્ષ વધઘટ. ભૌતિકશાસ્ત્રમાં ઉચ્ચાલક(lever)નો ઉપયોગ કરવાથી જે યાંત્રિક શક્તિલાભ અથવા શક્તિહાનિ થાય છે તેને ‘લીવરેજ’ કહેવાય છે. તેવી રીતે ધંધામાં કંપની પ્રચુર અથવા સીમિત મૂડીની મદદથી ઉત્પાદિત કરેલા માલનું વેચાણ કરે તો વકરામાં વધઘટ થવાથી જે નાણાલાભ અથવા નાણાહાનિ થાય છે, તેને પણ ‘લીવરેજ’ કહેવાય છે. લીવરેજના બે પ્રકાર છે : (1) ક્રિયાત્મક (operating) લીવરેજ અને (2) વિત્તીય (financial) લીવરેજ.

ક્રિયાત્મક લીવરેજ : ઉત્પાદનની કુલ પડતરમાં સમાવિષ્ટ અચલ (fixed) પડતર ઉપર ક્રિયાત્મક લીવરેજનો આધાર હોય છે. જો કંપનીના ઉત્પાદનમાં ફક્ત અચલ પડતર હોય [અને ચલ (variable) પડતર જરાપણ ન હોય] તો કંપનીને કોઈ ક્રિયાત્મક લીવરેજ હોતું નથી. જો કંપનીના ઉત્પાદનમાં અચલ અને ચલ બંને પ્રકારની પડતરોનો સમાવેશ થતો હોય તો જ તે લીવરેજવાળી કંપની કહેવાય છે. તેની કુલ પડતરમાં ચલ પડતર ઓછી અને અચલ પડતર વધારે હોય તો તે ઉચ્ચ ક્રિયાત્મક લીવરેજવાળી કંપની કહેવાય; પરંતુ તેથી ઊલટું, કંપનીના ઉત્પાદનમાં ચલ પડતર વધારે અને અચલ પડતર ઓછી હોય તો તે નિમ્ન ક્રિયાત્મક લીવરેજવાળી કંપની કહેવાય છે. ઉચ્ચ ક્રિયાત્મક લીવરેજવાળી કંપનીના વકરામાં અલ્પ ફેરફાર થાય તો પણ નફામાં મોટો ફેરફાર થાય છે; પરંતુ નિમ્ન ક્રિયાત્મક લીવરેજવાળી કંપનીના વકરામાં મોટો ફેરફાર થાય છતાં નફામાં વ્યાપક (wide) ફેરફાર થતો નથી; તેથી નિમ્ન અથવા શૂન્ય ક્રિયાત્મક લીવરેજવાળી કંપનીની સરખામણીમાં ઉચ્ચ લીવરેજવાળી કંપનીમાં વકરાની વધઘટના પરિણામે મોટા નફા અને ભારે નુકસાન થતાં હોય છે. આમ ક્રિયાત્મક લીવરેજ બેધારી તલવાર જેવું છે.

વિત્તીય લીવરેજ : કંપની ધંધા માટેનાં નાણાં સામાન્ય શૅરમૂડી (equity) અને / અથવા પસંદગીની શૅરમૂડી (preference share capital) તથા ઉછીની મૂડી (loan) દ્વારા ઊભાં કરે છે. જો કંપનીએ ઉછીની મૂડીથી નાણાં ઊભાં કર્યાં હોય તો ધંધામાંથી નફો થાય કે નુકસાન થાય છતાં તેણે વ્યાજ ચૂકવવું પડે છે અને પસંદગીની શૅરમૂડીથી નાણાં ઊભાં કર્યાં હોય તો ધંધાનો નફો પુન: ઉપયોગમાં લઈને ધંધાનું વિસ્તરણ કરતા પહેલાં તેણે પસંદગીની મૂડીના શૅરધારકોને ડિવિડન્ડ ચૂકવવું પડે છે. પરંતુ સામાન્ય શૅરમૂડીથી નાણાં ઊભાં કર્યાં હોય તો ઉછીની મૂડીનું વ્યાજ, સરકારી કરવેરા અને પસંદગીની મૂડીના શૅરધારકોને ડિવિડન્ડ ચૂકવ્યા પછી બચેલી આવકમાંથી તે પોતાની નીતિ અનુસાર સામાન્ય મૂડીના ધારકોને ડિવિડન્ડ વહેંચે અથવા ન પણ વહેંચે. ઉછીની મૂડી, પસંદગીની શૅરમૂડી અને સામાન્ય શૅરમૂડીને સમૂહમાં વિત્તીય લીવરેજ કહેવાય છે. ઉછીની મૂડી ઊભી કરવા માટે સામાન્ય શેરમૂડીનું કદ મહત્ત્વનું પરિબળ છે; તેથી વિત્તીય લીવરેજ કેટલીક વાર ‘સામાન્ય મૂડી આધારિત વણજવેપાર’ (trading on equity) કહેવાય છે. જો કંપનીની કુલ મૂડીમાં સામાન્ય શૅરમૂડી કરતાં પસંદગીની શૅરમૂડી અને ઉછીની મૂડી વધારે હોય તો તે ઉચ્ચ વિત્તીય લીવરેજવાળી અને તેથી ઊલટું હોય તો તે નિમ્નવિત્તીય લીવરેજવાળી કંપની કહેવાય છે.

ઉછીની મૂડીની પડતર કરતાં તેના વળતરમાં લાભ થતો હોય અને પરિણામે સાધારણ શૅરમૂડી ઉપર મળતર વધતું હોય તો તે લાભ મેળવવા માટે કંપની વિત્તીય લીવરેજનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, રૂ. 100ની લોન 8 %ના દરે લઈને તેના ઉપયોગથી 12 % વળતર કમાય તો શૅરહોલ્ડરને 4 % મળતર મળે છે અને શૅરદીઠ કમાણી (earning per share) વધે છે. ઉછીની મૂડી ઉપરના વ્યાજનો દર ઉચ્ચાલકના આધારબિંદુ(fulcrum)નો એક બાજુનો દાંડો છે અને કંપનીનો નફો બીજી તરફનો દાંડો છે. વ્યાજનો દર જેટલો નીચે તેટલો નફો ઊંચો અને નુકસાનની સંભાવના ઓછી; પરંતુ દર જેટલો ઊંચો તેટલો નફામાં ઘટાડો અને નુકસાનનો ભય મોટો. આમ વિત્તીય લીવરેજ સામાન્ય મૂડીના શૅરધારકોને કમાણી વધારવાની તક આપે છે અને નુકસાનમાં ઊતરી જવાનો ભય વધારે છે. તેથી વિત્તીય લીવરેજ પણ બેધારી તલવાર જેવું છે. ઉદ્યોગમાં પ્રવર્તમાન ઉછીની મૂડી અને શૅરમૂડી વચ્ચેના ગુણોત્તર કરતાં કંપનીનો તેવો ગુણોત્તર અધિક હોય તો તે જોખમકારક છે. તેથી ભારતમાં બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ ધિરાણ આપતા અગાઉ આ ગુણોત્તર અવશ્ય ધ્યાનમાં રાખે છે.

જયન્તિલાલ પો. જાની