લીલો ચંપો : દ્વિદળી વર્ગમાં આવેલા એનોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Artabotrys hexapetalus (Linn. f.) Bhandari syn. A. odoratissimus R. Br. (બં. કટચંપા; ગુ. લીલો ચંપો; હિં. હરા ચંપા; મ. હિરવા ચંપા; સં. હરિર ચંપક; ક. મનોરંજિની) છે. તે એક મોટી આરોહી ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને દક્ષિણ ભારતની સ્થાનિક છે. તેને સમગ્ર દેશમાં ઉદ્યાનોમાં તેનાં અત્યંત સુવાસિત પુષ્પો માટે વિપુલ પ્રમાણમાં ઉછેરવામાં આવે છે. પર્ણો 5 સેમી.થી 20 સેમી. લાંબાં, લંબચોરસ-ભાલાકાર, ટૂંકી અણીવાળાં, અરોમિલ અને ચળકતાં હોય છે. પુષ્પો એકાકી કે યુગ્મમાં, લીલાશ પડતાં પીળાં અને મીઠી સુવાસવાળાં હોય છે. પુષ્પદંડ અંકુશ ધરાવે છે. તેના વડે તે આરોહણ કરે છે. ફળ અનષ્ઠિલ સમૂહફળ પ્રકારનું, પરિપક્વ સ્ત્રીકેસરો 610, પ્રતિઅંડાકાર અને પીળા રંગનાં હોય છે. બીજ મોટાં અને લંબચોરસ હોય છે તથા રેસાભેદિત (ruminate) ભ્રૂણપોષ ધરાવે છે.

લીલો ચંપો : (અ) પુષ્પીય શાખા, (આ) ફળ, (ઇ) અને (ઈ) બીજ

લીલા ચંપાનું પ્રસર્જન ચોમાસા દરમિયાન બીજ, કટકારોપણ કે દાબ (layering) દ્વારા થાય છે. તે બધા જ પ્રકારની મૃદામાં થાય છે. વિશાળ ઉદ્યાનોમાં તે આવરણ-રોપણ (screen planting) માટે અત્યંત ઉપયોગી છે. તેને કેળવી શકાય છે.

પર્ણો વંધ્યત્વ માટેનો ઘટક ધરાવે છે. પર્ણોનો કાઢો કૉલેરામાં આપવામાં આવે છે. પુષ્પોમાંથી ચા જેવું પીણું બનાવવામાં આવે છે. પુષ્પો બાષ્પશીલ તેલ ઉત્પન્ન કરે છે; જેનો અત્તર-ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. ફલાવરણના આલ્કોહૉલીય નિષ્કર્ષમાંથી પણ બાષ્પશીલ તેલ, ગ્લાયકોસાઇડો અને કૅલ્શિયમ મળે છે. નિષ્કર્ષ બધા જ પ્રકારના પ્રાયોગિક પ્રાણીઓ માટે ધનાત્મક આયનાનુવર્તી (ionotropic) અને કાલાનુવર્તી (chronotropic) અસર દર્શાવે છે. ગ્લાયકોસાઇડો હૃદ્-ઉત્તેજક અને ગર્ભાશય-ઉત્તેજક સક્રિયતા દાખવે છે; જ્યારે સરળ સ્નાયુઓ ઉપર તેઓ વિશ્રાંતક (relaxant) અસર અને અલ્પરક્તદાબી અસર દર્શાવે છે; જે સંભવત: બાષ્પશીલ તેલને લીધે, અંશત: કોલીનધર્મોત્તેજક (cholinergic) અને અંશત: વાહિકા-વિસ્ફારક (vasodilatory) સક્રિયતાને પરિણામે ઉત્પન્ન થાય છે.

આર્ટેબોટ્રીસ કાષ્ઠમય, અર્ધ-આરોહી ક્ષુપ કે આરોહી પ્રજાતિ છે. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં થયેલું છે. બહુ થોડીક જ આફ્રિકન જાતિઓનાં ફળ ખાદ્ય હોય છે. ભારતમાં આ પ્રજાતિની સાત જાતિઓ થાય છે.

  1. suaveolens Blume (મલ. કોલુવરવલ્લી) મોટી કાષ્ઠમય, આરોહી જાતિ છે. તેનાં પુષ્પો ક્રીમી સફેદ હોય છે અને આસામ, પશ્ચિમ બંગાળ તથા કેરળમાં મળી આવે છે. છાલનો કાઢો આર્તવજનક (emmenagogue) તરીકે પ્રસૂતિ પછી પણ આપવામાં આવે છે. પર્ણોનો સુવાસિત આસવ કૉલેરામાં અને દીર્ઘકાલીન તાવમાં આપવામાં આવે છે. બીજમાંથી બાષ્પશીલ તેલ પ્રાપ્ત થાય છે.

આ જાતિમાં આર્ટેબોટ્રીનિન (C18H17O3N–હાઇડ્રોક્લોરાઇડ, ગ. બિં. 273°–274° સે.), આર્ટેબોટ્રિન અને સ્વેવિયોલિન નામનાં આલ્કેલૉઇડ મળી આવે છે.

બળદેવભાઈ પટેલ