લીલુડી ધરતી : ઑરવોકલરમાં તૈયાર થયેલું પ્રથમ ગુજરાતી ચલચિત્ર. પ્રસિદ્ધ વાર્તાકાર ચુનીલાલ મડિયાની જાણીતી નવલકથા ‘લીલુડી ધરતી’ પરથી 1968માં કે. વી. ફિલ્મ્સનું ચલચિત્ર રજૂ થયું હતું. ‘લીલુડી ધરતી’ ગ્રામજીવનની પ્રણયકથા છે. સંતુ અને ગોબરની પ્રણયકથા સાથે ગામડાનાં મલિન પાત્રો, મલિન વૃત્તિઓ વચ્ચેનો સંઘર્ષ આ ચલચિત્રના કેન્દ્રમાં છે. શાર્દૂળભા અને માંડણ જેવાં ખલપાત્રો સંતુ અને ગોબરના પ્રણયભર્યા જીવનમાં શંકાનો કીડો મૂકે છે અને એમાંથી શંકા-કુશંકાના ઘેરાતાં વાદળો વચ્ચે કથાપ્રવાહ રસમય બને છે. ગોબરનું આકસ્મિક મૃત્યુ અને સંતુની પાગલ અવસ્થા કથાને જકડી રાખતી ઘટનાઓ છે. ચલચિત્રનો અંત વેદનાપૂર્ણ છતાં વિશિષ્ટ છે. સંતુના પિતા હાદા ઠૂમર વિપરીત સંજોગોને કારણે ધનવાનમાંથી નિર્ધન થઈ જાય છે. ધરતી ખેડવા બળદ પણ રહેતા નથી, ત્યારે વિધવા પુત્રી સંતુ અને પુત્રવધૂ ઊજમ બંને હળે જોતરાવા તૈયાર થાય છે. એ જ સમયે હાદા ઠૂમરનો ઘર છોડીને સાધુ થઈ ગયેલો પુત્ર દેવશી પાછો ફરે છે અને પોતાની ધરતીને લીલુડી કરવા હળે જોતરાઈ જાય છે.

આ ચલચિત્રની પટકથા મનુ દેસાઈ અને સંવાદો જિતુભાઈ મહેતાના હતાં. ગીતો અવિનાશ વ્યાસનાં તથા સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસનું સહિયારું હતું. નિર્માતા સુરેશ અમીન હતા. દિગ્દર્શન વલ્લભ ચોકસીનું હતું. ચલચિત્રમાં સાત ગીતો હતાં. પાર્શ્વગાયકોમાં મુકેશ, મન્ના ડે, આશા ભોંસલે, કમલ બારોટ જેવાં હિંદી ચલચિત્રોનાં ગાયકો હતાં. આ ઉપરાંત ગુજરાતી પાર્શ્વગાયકોમાં સુગમ સંગીતનાં પ્રસિદ્ધ ગાયકો રાસબિહારી દેસાઈ  વિભા દેસાઈ, સુલોચના વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય હતાં. ચલચિત્રના કલાકારો ડેઇઝી ઈરાની, મહેશ દેસાઈ, કલા શાહ, ચાંપશીભાઈ નાગડા, ઉપેન્દ્રકુમાર, કિશોર ભટ્ટ, નરહરિ જાની, વીણા પ્રભુ, વનલતા મહેતા વગેરે હતાં.

હરીશ રઘુવંશી