લીલૉન્ગ્વે : આફ્રિકાના અગ્નિ ભાગમાં આવેલા માલાવીનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 13° 59´ દ. અ. અને 33° 44´ પૂ. રે. પર માલાવીના કૃષિવિસ્તારની મધ્યમાં લીલૉન્ગ્વે નદીને કાંઠે વસેલું છે. અહીં કૃષિપાકો, તમાકુ તથા કાપડનું ઉત્પાદન થતું હોવાથી તે પેદાશો માટેનું વેચાણમથક બની રહેલું છે.
1902માં અહીં વસાહતની શરૂઆત થયેલી. વસ્તીવૃદ્ધિ થતાં 1966માં તે શહેર બન્યું. અગાઉ માલાવીનું પાટનગર જે ઝોમ્બા ખાતે હતું તે 1966માં ત્યાંથી ખસેડીને લીલૉન્ગ્વે ખાતે સ્થાપવામાં આવ્યું. એ વખતે તેની વસ્તી માત્ર 20,000થી પણ ઓછી હતી. અહીં જરૂરિયાત મુજબ સરકારી ઇમારતોનું બાંધકામ થતું ગયું; કારખાનાં સ્થપાતાં ગયાં, પરિણામે તેની વસ્તી થોડાં જ વર્ષોમાં વધી ગઈ. 1975માં તેને સત્તાવાર પાટનગર તરીકે પણ જાહેર કરવામાં આવ્યું. સરકારી ઇમારતો અને કાર્યાલયો ધરાવતું તેનું પાટનગર જૂના શહેરથી માત્ર 5 કિમી.ના અંતરે ‘કૅપિટલ હિલ’ ખાતે આવેલું છે. 1998માં તેની વસ્તી આશરે 10,00,000 જેટલી હતી.
ગિરીશભાઈ પંડ્યા