લીલાવાદ : સૃષ્ટિને લગતી પ્રવૃત્તિઓ દ્વારા અહેતુક આનંદ મેળવવાની પરમાત્માની લીલા. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે પરમાત્માને આ જગતને લગતી પ્રવૃત્તિઓ કરીને કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનો નથી. આમ છતાં પરમાત્મા આ પ્રવૃત્તિઓ કરે છે અને એ દ્વારા પોતાના સ્વાભાવિક આનંદને મેળવે છે. કોઈ પણ ઊણપ પૂરી કરવાનું કે સ્વાર્થ સાધવાનું જેનું પ્રયોજન ન હોય એવી આનંદદાયક પ્રવૃત્તિનું માનવજીવનમાંથી સરસ ઉદાહરણ મળી શકે છે. એ પ્રશ્નનો વિચાર કરતાં હિંદુ તત્વવિચારકોને એમ લાગ્યું છે કે રમત એ આ પ્રકારની પ્રવૃત્તિનું સુંદર ઉદાહરણ છે. આથી તેમણે લીલા(રમત) વાદ રજૂ કર્યો. લીલાવાદીની દૃષ્ટિએ આ જગત એ પરમાત્માની લીલા કે આનંદાભિવ્યક્તિ છે. લીલાવાદી-વિચારણાનાં બીજ ઉપનિષદોમાં મળે છે. રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્ય જેવા વેદાંતના આચાર્યોને અને શ્રી અરવિંદ જેવા આધુનિક વિચારકોએ લીલાવાદનું વધારે સ્પષ્ટ રીતે પ્રતિપાદન કર્યું છે. જગતના જીવોની દૃષ્ટિએ વિચારીએ તો પરમાત્માની લીલારૂપ આ જગત તેમના ભોગ અને મોક્ષ માટેની પ્રવૃત્તિઓનો તખ્તો પૂરો પાડે છે.
પ્રવીણચંદ્ર પરીખ