લીમા : દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે આવેલા પેરુનું પાટનગર, ઔદ્યોગિક મથક અને મોટામાં મોટું શહેર. તે દેશનું મુખ્ય વાણિજ્યમથક તથા સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. ભૌગોલિક સ્થાન : તે 12° 03´ દ. અ. અને 77° 03´ પ. રે.ની આજુબાજુનો પ્રાંતીય વિભાગ રચે છે. તેનો વિસ્તાર 34,802 ચોકિમી. છે. તે ઍન્ડિઝ ગિરિમાળાની પાર્શ્ર્વભૂમિને અડીને આવેલાં રિમૅક નદી પાસેનાં પૅસિફિક કાંઠાના મેદાનમાં આવેલું છે. લીમાનો મહાનગર-વિસ્તાર છેક પૅસિફિક કિનારા સુધી પથરાયેલો છે, અહીંથી 10 કિમી. અંતરે પૅસિફિક કિનારા પર કાયાઓ નામનું પેરૂનું મુખ્ય બંદર આવેલું છે. ઍન્ડિઝમાંથી ઉદભવીને પૅસિફિક કાંઠાનાં મેદાનોમાં થઈને વહેતી કેટલીક નદીઓ પર વિવિધ જળયોજનાઓ ઊભી કરવામાં આવી છે, જેમાંથી આ મહાનગર તેના નાગરિકો તથા ઉદ્યોગો માટે જરૂરી પાણીપુરવઠો તથા જળવિદ્યુત-પુરવઠો પ્રાપ્ત કરે છે.

શહેર : લીમાના મધ્યભાગમાં પ્લાઝા સાન માર્ટિન ચોક આવેલો છે. કૉલ્મેના (કોમેના) માર્ગ આ ચોક પાસે થઈને પૂર્વ-પશ્ચિમ ચાલ્યો જાય છે અને તેની આજુબાજુ હોટલો, કચેરીઓની ઇમારતો, થિયેટરો અને ખાનગી ક્લબો પથરાયેલાં છે. વધુ દક્ષિણ તરફ લીમાનો મૂળ ચોક પ્લાઝા દ આર્માસ આવેલો છે. આ ચોકની સામે ઘણી ઐતિહાસિક ઇમારતો પણ છે. તેમાં કેથીડ્રલ, સિટી હૉલ અને સરકારી મહેલ ઉલ્લેખનીય છે. 1935માં નિર્માણ પામેલાં નગરનાં સુંદર દેવળો તથા મહાલયો તેના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે. સાન માર્ટિન ચોક નજીકના માર્ગ પર ધંધાદારી મથકો અને અદ્યતન ઇમારતો પણ છે. આ ઉપરાંત 1530–40થી 19મી સદીની શરૂઆત સુધી લીમા જ્યારે સ્પેનની વસાહત રૂપે હતું ત્યારની ઘણી હવેલીઓ પણ જોવા મળે છે. આ પૈકીની ઘણી હવેલીઓ આજે સરકારી કચેરીઓ, સંગ્રહાલય કે રેસ્ટોરાં બની રહેલી છે. આજે આધુનિક શૈલીની સિમેન્ટ-કૉંક્રીટની ગગનચુંબી ઇમારતો પણ નજરે પડે છે. લીમા એ પેરૂનું શૈક્ષણિક અને સામાજિક જીવનનું કેન્દ્ર બની રહેલું છે. કાયાઓ બંદરનું બારું સુરક્ષિત હોવાથી આધુનિક બંદરની સુવિધાઓ ધરાવે છે. દેશનો મોટાભાગનો આયાત-નિકાસ વેપાર આ બંદર મારફતે ચાલે છે. બૃહદ્ લીમા હવાઈ મથક ધરાવે છે. વળી તે પાન અમેરિકન ધોરી માર્ગ દ્વારા પડોશી દેશો તથા દેશના આંતરિક ભાગો સાથે જોડાયેલું છે.

લીમા

અહીંના જુદા જુદા વર્ગના લોકો તેમના દરજ્જા મુજબ એશઆરામી આવાસોથી માંડીને હવેલીઓ, ફ્લૅટ, નાનાં મકાનો કે ઝૂંપડપટ્ટી જેવા જુદી જુદી કક્ષાના આવાસોમાં રહે છે. ત્રીજા ભાગની વસ્તી શહેરની બહારના ભાગમાં વસે છે. 1998માં લીમા પ્રાંતીય વિભાગની વસ્તી 71,94,816 જેટલી અને લીમા શહેરની 64,64,693 જેટલી હતી. વસ્તીમાં ઇન્ડિયન, સ્પૅનિશ અને ઇન્ડિયન-સ્પૅનિશ મિશ્ર પ્રજાના લોકોનો સમાવેશ થાય છે. તેઓ સ્પૅનિશ કે કેચવા (Quechua) ઇન્કા-ઇન્ડિયનોની ભાષા બોલે છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં રાષ્ટ્રીય કલા સંગ્રહાલય અને પેરુ સંસ્કૃતિ સંગ્રહાલય છે. પ્રાચીન ઇન્ડિયન શહેર પૅચાડેમાકના ભગ્નાવશેષો નજીકમાં જોવા મળે છે. લીમામાં નૅશનલ લાઇબ્રેરી ઑવ્ પેરુ તથા દક્ષિણ અમેરિકાની જૂનામાં જૂની ગણાતી યુનિવર્સિટી ઑવ્ સાન માર્કોસ (1551) પણ આવેલી છે. આ શહેરમાં સિમ્ફની ઑરકેસ્ટ્રા અને નૅશનલ થિયેટર જૂથ આવેલાં છે. 1746માં થયેલા ભૂકંપથી તારાજ થઈ ગયેલો શહેરનો ભાગ પુનર્નિર્માણ પામેલો છે, તેમાંથી બચી ગયેલાં કેટલાંક સ્પૅનિશ બાંધકામોમાં સાન માર્કોસ યુનિવર્સિટી, કેથીડ્રલ, વાઇસરૉયના મહેલમાંથી ફરીથી બાંધવામાં આવેલો સરકારી મહેલ તથા સેનેટ-હાઉસનો સમાવેશ થાય છે. સિનેમા અને સૉકર તથા કેટલીક રમતો અહીંના નિવાસીઓની પ્રિય રમતો ગણાય છે.

પ્લાઝા દ આર્માસ

અર્થતંત્ર : લીમાનું અર્થતંત્ર સરકારી પ્રવૃત્તિઓ પર આધારિત છે. મોટાભાગના નિવાસીઓ સરકારી નોકરીઓ કરે છે. બૃહદ લીમામાં અનેક ઉદ્યોગોનો વિકાસ થયો છે. લીમા પેરુનું મુખ્ય ઉત્પાદક કેન્દ્ર પણ છે. અહીંનાં મુખ્ય ઉત્પાદનોમાં ખાદ્યપ્રક્રમણ, બિયર, માછલીઓ, સુતરાઉ અને ઊની કાપડ અને તૈયાર કપડાં મુખ્ય છે. આ ઉપરાંત સિમેન્ટ, રાચરચીલું, પગરખાં, પ્લાસ્ટિક, ધાતુગાળણ, રસાયણ, ખનિજતેલ-શોધન, ઇજનેરી, મોટર-વાહન, માછલીની ભૂકી (fish meal), જહાજ બાંધકામને લગતા ઉદ્યોગો પણ આવેલા છે. સાંસ્કૃતિક સ્થળો અને સંગ્રહાલયોને કારણે પ્રવાસીઓ અહીં આવવા પ્રેરાય છે. 13 કિમી.ને અંતરે આવેલું બંદરી નગર કેલાઓ હવાઈ મથક પણ છે.

ઇતિહાસ : સ્પૅનિશ સાહસિક ફ્રાન્સિસ્કો પિઝારોએ 1532 અને 1533માં મોટાભાગનું પેરૂ જીતી લઈ 1535માં લીમાની સ્થાપના કરેલી. સત્તરમી અને અઢારમી સદી દરમિયાન દક્ષિણ અમેરિકામાં સ્પૅનિશ સત્તાવિસ્તરણ માટે લીમા મુખ્ય મથક બની રહેલું. લીમાનો મોટાભાગનો ઔદ્યોગિક વિકાસ વીસમી સદીમાં થયેલો છે. વીસમી સદીના ઉત્તરાર્ધ કાળમાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી ઘણા લોકોએ વસવાટના હેતુથી લીમા ખાતે સ્થળાંતર કરેલું છે. હાલમાં લીમા અને કાયાઓ વિકસિત થઈને એકમેકમાં ભળી ગયાં છે, તેથી આ સમગ્ર વિસ્તાર બૃહદ્લીમા નામથી ઓળખાય છે. અહીંની 40 % વસ્તી ગંદા ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં વસે છે. આ કારણે અહીં પ્રદૂષણ તેમજ રહેઠાણની તંગીની સમસ્યા ઊભી થઈ છે.

બીજલ પરમાર

ગિરીશભાઈ પંડ્યા