લીબિગ, યસ્ટસ, બૅરન ઑવ્ (જ. 12 મે 1803, ડર્મસ્ટેટ, જર્મની; અ. 18 એપ્રિલ 1873, મ્યૂનિક) : જર્મન કાર્બનિક-રસાયણવિદ અને રસાયણશાસ્ત્રના સમર્થ શિક્ષણકાર. દવાવાળાના પુત્ર હોવાને નાતે તેમને રસાયણશાસ્ત્રમાં પહેલેથી જ રસ હતો. થોડો સમય ઔષધશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ તેમણે યુનિવર્સિટી ઑવ્ બૉનમાં તે સમયના ખ્યાતનામ રસાયણવિદ કાર્લ વિલ્હેલ્મ ગોટ્ટલોબ કાસ્ટનરના હાથ નીચે અભ્યાસ કર્યો (1920). 1921માં કાસ્ટનર યુનિવર્સિટી ઑવ્ એર્લાન્જિનમાં જતાં પોતે પણ ત્યાં ગયા અને 1822માં ડૉક્ટરેટની પદવી મેળવી. ત્યારબાદ સરકારી અનુદાન મળતાં તેઓ રસાયણવિજ્ઞાન માટેનું કેન્દ્ર ગણાતા પૅરિસ ખાતે જૉસેફ-લૂઈ ગે-લ્યુસાકની ખાનગી પ્રયોગશાળામાં મદદનીશ તરીકે જોડાયા.
1824માં તેઓ ફ્રૅન્કફર્ટ પાસે આવેલ ગીસેનની નાની યુનિવર્સિટીની ફૅકલ્ટીમાં જોડાયા અને 1826માં પ્રાધ્યાપક બન્યા. અહીં તેમણે યુવાન રસાયણજ્ઞોને રાસાયણિક સંશોધનની રીતો અંગે પદ્ધતિસરનું જ્ઞાન આપવામાં આવતું હોય તેવી પ્રયોગશાળાની સૌપ્રથમ સ્થાપના કરી. થોડા સમયમાં આ પ્રયોગશાળાની ખ્યાતિ વધી ગઈ અને સમગ્ર યુરોપમાંથી વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ માટે આવતા થયા. આમાં પાછળની પેઢીના નોંધપાત્ર રસાયણવિદો એવા ઑગસ્ટ વિલ્હેલ્મ ફૉન હૉફમૅન, સર એડ્વર્ડ ફ્રૅંકલૅન્ડ, એફ.એ. કેકુલે ફૉન સ્ટ્રેડોનિત્ઝ અને ચાર્લ્સ-ઍડૉલ્ફ વુટર્ઝનો સમાવેશ થતો હતો. હરમાન કોલ્બે અને ઇરા રૅમ્સેન પણ તેમનાં વિદ્યાર્થી હતાં. 19મા સૈકામાં જર્મનીમાં રસાયણશાસ્ત્રનો જે વિકાસ થયો તેમાં આ પ્રયોગશાળાનો ફાળો મહત્વનો હતો. આ યુનિવર્સિટી પછીથી યસ્ટસ ફૉન લીબિગ યુનિવર્સિટી તરીકે જાણીતી બની છે. 1845માં લીબિગને ઉમરાવ બનાવવામાં આવ્યા. 1852માં તેઓ યુનિવર્સિટી ઑવ્ મ્યૂનિકમાં પ્રાધ્યાપક બન્યા અને જીવનના અંત સુધી ત્યાં જ રહ્યા.
1826માં લીબિગે શોધી કાઢ્યું કે ફલ્મિનેટ સંયોજનો તથા તેમનાથી તદ્દન જુદાં પડતાં એવાં સાયનેટ સંયોજનોનું આણ્વીય સૂત્ર એકસરખું જ છે. આ ઘટના (હવે જે સમઘટકતા તરીકે ઓળખાય છે તે) તે સમયે સમજાવી શકાઈ ન હતી; પરંતુ તેનાથી એટલું તો નક્કી થયું કે સંયોજનનો અણુ માત્ર પરમાણુઓનો સમૂહ જ નથી, પણ તેમાં તેમની ગોઠવણી વિશિષ્ટ રીતે થયેલી હોય છે. પ્રત્યેક ગોઠવણી એક સંયોજનને અનુરૂપ હોય છે અને તે ચોક્કસ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. આ સંશોધનને લીધે તેમને પ્રખ્યાત રસાયણવિદ વોહલર સાથે મિત્રતા થઈ અને બેન્ઝોઇલ મૂલક (radical) ઉપર તેમનું સંશોધન ચાલુ થયું. લીબિગના ઉદ્ધત અને તોછડા વર્તનથી રાસાયણિક વર્તુળમાંના તેમના બધા મિત્રો સાથે સંબંધ તૂટી જવા છતાં વોહલર સાથે તેમની મિત્રતા કાયમ રહી હતી.
1830માં લીબિગે કાર્બનિક સંયોજનોના પૃથક્કરણ માટે એક સરળ પણ ઝડપી રીત શોધી જે ઘણી ચોક્કસ હતી. તેમાં કાર્બનિક સંયોજનને હવાના પ્રવાહમાં બાળી, ઉત્પન્ન થતી નીપજોનું CO2 અને H2Oમાં સંપૂર્ણપણે ઉપચયન કરવામાં આવતું. આ બંનેને એકત્ર કરી તેમના વજન ઉપરથી કાર્બનિક સંયોજનમાં રહેલ કાર્બન તથા હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધી શકાતું હતું. સેંકડો સંયોજનોનું તેમણે આ રીત વડે વિશ્લેષણ કર્યું હતું. 1850 બાદ કાર્બનિક રસાયણમાં જે પ્રગતિ થઈ, ખાસ કરીને કેકુલે દ્વારા, તેમાં આ પરિણામો પાયારૂપ હતાં.
1840 પછી લીબિગે જૈવરસાયણમાં સંશોધન શરૂ કરેલું. તેમની માન્યતા (જે સાચી હતી) મુજબ કાર્બોહાઇડ્રેટ તથા ચરબી પ્રાણીના શરીર માટેનું ઈંધણ છે. જોકે તેમણે એક ભૂલભરેલી રજૂઆત પણ કરેલી કે આથવણ માટે જીવંત કોષોની જરૂર નથી. કૃષિમાં પોટૅશિયમ અને ફૉસ્ફરસયુક્ત ખાતરો જમીનની ફળદ્રૂપતા માટે આવશ્યક હોવાનું પણ તેમણે જણાવેલું. ક્લોરોફૉર્મ અને ક્લૉરલની શોધ કરવા ઉપરાંત પોટૅશિયમ સાયનાઇડ બનાવવાની રીત પણ તેમણે શોધી હતી. કાર્બનિક સંયોજનોમાંના હેલોજનોના વિશ્લેષણ માટેની રીત વિકસાવવા ઉપરાંત તેમણે ડુમા સાથે પૉલિબેઝિક કાર્બનિક ઍસિડો ઉપર પણ મહત્વનું સંશોધન કર્યું હતું.
તેમનાં અગત્યનાં પુસ્તકોમાં ‘કેમિસ્ટ્રી ઍન્ડ ઇટ્સ ઍપ્લિકેશન ટુ ફિઝિયૉલૉજી ઍન્ડ પેથૉલૉજી’ (1840), ‘હૅન્ડબૂક ઑવ્ ઑર્ગૅનિક એનાલિસિસ’ (1853), અને ‘ધ નૅચરલ લૉઝ ઑવ્ હસ્બન્ડ્રી’(1862)નો સમાવેશ થાય છે. તેમણે ‘એનાલેન દ ફાર્મસી’ (1832) જે પાછળથી ‘એનાલેન દ કેમિસ્ટ્રી’ તરીકે ઓળખાય છે તે સામયિકની પણ સ્થાપના કરેલી.
તેમની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓને કારણે તે ખૂબ કમાયેલા. તેને લીધે તેમની ટીકાઓ પણ થતી હતી.
જ. પો. ત્રિવેદી
મ. શિ. દૂબળે