લીબિગ કન્ડેન્સર : રાસાયણિક પ્રયોગશાળામાં બાષ્પને ઠારી પ્રવાહી રૂપે મેળવવા માટે વપરાતું એક ઉપકરણ. સામાન્ય રીતે કન્ડેન્સર પાણી ભરેલા જૅકેટ દ્વારા ઠંડી કરવામાં આવતી નળી અથવા નળીઓનો બનેલો હોય છે. સાદા કન્ડેન્સરમાં કાચના સમાક્ષ (coaxial) જૅકેટ વડે આવૃત એવી કાચની નળી હોય છે. ગરમ બાષ્પ અંદરની નળીમાંથી પસાર થાય છે, જ્યારે બહારના જૅકેટમાંથી પાણી અથવા શીતક (cooling) પ્રવાહી પસાર કરવામાં આવે છે. ગરમ બાષ્પ પોતાની ઉષ્મા બહારની ઠંડી નળી અથવા તેમાં પસાર થતાં શીતક-પ્રવાહીને આપે છે અને તેમ થતાં તે (બાષ્પ) પોતે ઠરીને પ્રવાહીમાં ફેરવાય છે, જેને કન્ડેન્સરના નીચેના છેડે રાખેલા પાત્રમાં એકઠું કરી શકાય છે. નિસ્યંદન દ્વારા મિશ્રણમાંથી પ્રવાહી ઘટક/ઘટકોને મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. જર્મન રસાયણવિદ યસ્ટસ ફૉન લીબિગ(Justus Von Liebig)ના નામ પરથી કન્ડેન્સરને આ નામ આપવામાં આવ્યું છે. કન્ડેન્સરની ક્ષમતા વધારવા અંદરની નળીને ગૂંચળારૂપે રાખવામાં આવે છે, જેથી તેની વધુ સપાટી ઠંડા પ્રવાહીના સંપર્કમાં આવે. લીબિગ કન્ડેન્સરને ઊભો (vertically) ગોઠવવાથી તેનો ઉપયોગ પશ્ચવાહી સંઘનિત્ર (reflux condenser) તરીકે કરી શકાય છે. (જુઓ આકૃતિ)
જ. દા. તલાટી