લીબલ, વિલ્હેલ્મ (જ. 23 ઑક્ટોબર 1844, કોલોન, જર્મની; અ. 4 ડિસેમ્બર 1900, વુર્ઝબર્ગ, જર્મની) : વ્યક્તિચિત્રો અને પ્રસંગચિત્રો આલેખવા માટે જાણીતો જર્મન ચિત્રકાર. તે મુદ્રણક્ષમ કલાનો કલાકાર પણ હતો. જર્મન વાસ્તવવાદી કલાના મોખરાના કલાકારોમાં આજે તેની ગણતરી થાય છે.

લીબલનો પિતા ક્લોન કથીડ્રલના કૉયર અને ઑર્કેસ્ટ્રાનો ડિરેક્ટર હતો. 1864માં વીસ વરસની ઉંમરે લીબલ કોલોન એકૅડેમીમાં ચિત્રકલાના અભ્યાસાર્થે વિદ્યાર્થી તરીકે દાખલ થયો. 1866માં અભ્યાસ અધૂરો મૂકીને એણે ચિત્રકાર એવોન રેમ્બર્ગ સાથે કામ કરવું શરૂ કર્યું. 1869માં એણે ચિત્રકાર કાર્લ ફૉન પિલોટી સાથે કામ કરવું શરૂ કર્યું. 1869માં  એણે ચીતરેલું ‘ફ્રોઉ ગેડોન’નું વ્યક્તિચિત્ર કોલોનના એલ્ટે પિનાકોથેક મ્યુઝિયમમાં પ્રદર્શિત થયું. ત્યાં ફ્રેન્ચ ચિત્રકાર ગુસ્તાફ કોર્બે એ ચિત્ર જોઈને ખૂબ પ્રસન્ન થયો. બંને ચિત્રકારોનું મિલન થયું, જે તુરંત મિત્રતામાં પરિણમ્યું. 1870માં કોર્બે એને પૅરિસ લઈ ગયો અને બંને સાથે ચિત્રકામ કરવા માંડ્યા, પણ નવ મહિના પછી ફ્રૅંકો-જર્મન યુદ્ધ ફાટી નીકળતાં લીબલ મ્યૂનિક પાછો ફર્યો. ત્રણ મહિના મ્યૂનિક રહ્યા પછી લીબલ બેવેરિયાનાં જંગલોમાં 1878થી 1881 સુધી ર્બ્લીન્ગમાં, 1881થી 1892 સુધી અઇબ્લીન્ગમાં તથા 1892થી 1900 સુધી કુટેર્લિન્ગમાં સ્થાયી થયો. આ બધાં વર્ષોમાં એણે નજરે પડતું ખેડુજીવન અને ગોપજીવન ચીતર્યું.

લીબલની કલા સમકાલીન જર્મન રોમૅન્ટિક રંગદર્શી ચિત્રકલાથી જુદી પડી જાય છે. એની કલામાં રંગદર્શી આદર્શો આલેખવાની નેમ નથી. કોર્બેની કલામાં જોવા મળતો ફ્રેન્ચ વાસ્તવવાદ એની કલામાં પણ જોવા મળે છે. આમ, કોર્બેથી ભૌતિક રીતે જુદા પડ્યા પછી તેનો પ્રભાવ તો ચાલુ જ રહેલો. એની શ્રેષ્ઠ ચિત્રકૃતિઓમાં ‘થ્રી વિમેન ઇન ચર્ચ’ અને ‘ઇન ધ કિચન’ છે. એનાં મોટાભાગનાં ચિત્રો સ્ટુટગાર્ટ ખાતેની સ્ટાટ્સ ગૅલરી અને હૅમ્બર્ગ ખાતેના કુન્સ્થાલે(મ્યુઝિયમ)માં સચવાયાં છે.

અમિતાભ મડિયા