લીના (નદી) :  રશિયાના પૂર્વ સાઇબીરિયાની મુખ્ય નદી તથા તેના વિશાળ ક્ષેત્ર માટે ઉપયોગમાં લેવાતો જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : 72° 25´ ઉ. અ. અને 126° 40´ પૂ. રે.. તે બૈકલ પર્વતોના ઢોળાવમાંથી નીકળે છે. શરૂઆતમાં તે ઈશાન તરફ અને યાકુટસ્ક શહેર પછી વાયવ્યમાં વહે છે. આશરે 4,400 કિમી. વહીને લૅપ્ટેવ સમુદ્ર મારફતે આર્ક્ટિક મહાસાગરમાં ઠલવાય છે. તેનો ત્રિકોણપ્રદેશ આશરે 402 કિમી. જેટલો પહોળો છે. જળમાર્ગ તરીકે તે ઉપયોગમાં લેવાતી હોઈ તેના 3,200 કિમી. જેટલા ઉપરવાસના અંતર સુધી તેમાં વહાણો-હોડીઓ લઈ જઈ શકાય છે. નદીનો કુલ સ્રાવ વિસ્તાર આશરે 26 લાખ ચોકિમી. (કૅનેડાના 2 ભાગ) જેટલા ભાગમાં ફેલાયેલો છે. તેની સહાયક નદીઓમાં વિતિમ ઓલેક્મા, આલ્ડન અને વિલ્યૂઇ(Vilyuy)નો સમાવેશ થાય છે. વિતિમ અને આલ્ડન નદીઓના વિસ્તારમાં સોનાની ખનિજનું ખનનકાર્ય ચાલે છે.

નદીના મધ્ય ખીણ ભાગમાં યાકુત લોકો વસે છે. તેઓ માછીમારી, ખેતી અને પશુપાલન કરી જીવનનિર્વાહ ચલાવે છે. આ નદી પર આવેલું મોટામાં મોટું શહેર યાકુટસ્ક છે.

ગિરીશભાઈ પંડ્યા