લીઝ અને લીઝિંગ : ઉત્પાદક અથવા વિક્રેતાની માલિકીની મિલકત કોઈ વ્યક્તિને પસંદ પડે તો તેના વપરાશ અને કબજાના હકો મેળવવા માટે કરેલો કરાર. આવો કરાર ભાડાપટો લેનાર (lessee) અને ભાડાપટો આપનાર (lessor) વચ્ચે થતો હોય છે. લીઝના નાણાકીય લીઝ (financial lease) અને પરિચાલન લીઝ (operating lease) એવા બે પ્રકારો છે. નાણાકીય લીઝ હેઠળ ભાડાપટો આપનાર ભાડાપટો લેનારને મિલકતની ખરીદી માટે નાણાં પૂરાં પાડે છે; ભાડાપટો લેનાર મિલકતનો વર્ષોવર્ષ ઉપયોગ કરવાનું ભાડું ભાડાપટો આપનારને સરળ હપતામાં ચૂકવે છે અને ભાડાની રકમ એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જ્યારે હપતા ભરવાની અવધિ પૂરી થાય ત્યારે ભાડાપટો આપનારને પોતે પૂરી પાડેલી મૂડી થોડા નફા સાથે પાછી મળે છે.

નાણાકીય લીઝનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો હોય છે : (1) કોઈ વ્યક્તિને વેચાણપાત્ર મિલકત પસંદ પડે તો તે તેના માલિક સાથે મિલકતની વેચાણકિંમત, સોંપણીની વિધિ, જાળવણી, કારખાનામાં ગોઠવણી અને ખાતરી-પત્ર (warranty) અંગે વાટાઘાટો કરે છે. (2) વાટાઘાટો સફળ થાય તો મિલકતના વપરાશ અને કબજાના હકો ભાડાપટેથી મેળવવા માટે તે ભાડાપટો લેનારની હેસિયતમાં ભાડાપટો આપનારનો સંપર્ક કરે છે. (3) ભાડાપટો આપનાર મિલકતના મૂળ માલિક પાસેથી મિલકત ખરીદીને તેના વપરાશ અને કબજાના હકો ભાડાપટો લેનારને આપે છે (a straight forward lease) અથવા તેથી ઊલટું, મિલકત ખરીદવા માટે ઇચ્છુક વ્યક્તિ શરૂઆતમાં મિલકતના માલિક પાસેથી મિલકત ખરીદીને નાણાકીય સવલત મેળવવા માટે તે ભાડાપટો આપનાર સાથે લીઝિંગનો કરાર કરે છે (a sale and lease back). (4) આ વિધિ પૂરી થાય એટલે ભાડાપટો આપનાર પાસે મિલકતના માલિકીહક અને ભાડાપટો લેનાર પાસે ફક્ત વપરાશ અને કબજાના હકો રહે છે. ભારતીય કાનૂની વ્યવસ્થા પ્રમાણે લીઝિંગ કરાર હેઠળ ભાડાપટો લેનારને મિલકતના માલિકીહકો ભવિષ્યમાં આપોઆપ ખરીદવાનો અધિકાર મળતો નથી. (5) લીઝની અવધિ દરમિયાન મિલકતનાં સમારકામ, જાળવણી અને વીમાનો ખર્ચ ભાડાપટો લેનાર ભોગવે છે. (6) જેટલી અવધિ માટે લીઝ રદ કરી શકાય નહિ તેટલી અવધિને પ્રારંભિક લીઝ-અવધિ (primary lease period) કહેવાય છે. આ અવધિ પૂરી થયા પછી જો લીઝની અવધિ તાજી કરવામાં આવે તો તેને અનુપૂરક (secondary) લીઝ-અવધિ કહેવાય છે.

પરિચાલન લીઝનાં પણ કેટલાંક વિશિષ્ટ લક્ષણો હોય છે : (1) પરિચાલન લીઝની અવધિ મિલકતના આર્થિક આયુષ્ય કરતાં ઘણા ઓછા સમયની એટલે કે સાધારણ રીતે 6 માસથી 24 માસ સુધીની હોય છે. (2) લીઝની અવધિ પૂરી થાય ત્યારે ભાડાપટો આપનાર તે મિલકત પાછી મેળવીને અન્ય ભાડાપટો લેનારને લીઝ ઉપર આપી શકે છે. (3) લીઝની અવધિ પૂરી થતાં અગાઉ પણ બંને પક્ષકારો પોતપોતાની ઇચ્છા અને જરૂરિયાત અનુસાર લીઝનો કરાર રદ કરી શકે છે. (4) લીઝની અવધિ પૂરી થાય ત્યારે મિલકતની શેષ કિંમત (residual value) કેટલી રહેશે તે લક્ષમાં રાખીને ભાડાપટો આપનાર લીઝના હપતાની રકમ નક્કી કરે છે. (5) જે મિલકતનો વપરાશ બહોળો હોય અથવા જે મિલકત લીઝની અવધિ દરમિયાન વાપર્યા પછી પણ બજારમાં વેચી શકાય એવી હોય – ઉદાહરણ તરીકે વહાણ, વિમાન, શારડી-કાર્યનાં ઉપકરણો વગેરે – તે મિલકત પરિચાલન લીઝથી આપવામાં આવે છે. (6) જો મિલકતનો વપરાશ થોડા સમય માટે જરૂરી હોય તો તેવી મિલકત ખરીદવાનું કોઈ પણ વ્યક્તિને સ્વાભાવિક રીતે જ પોષાય નહિ; તેથી ભાડાપટો આપનાર પોતાની એકની એક મિલકત ટૂંકા સમયની જરૂરિયાતવાળા ભાડાપટો લેનારાઓને પરસ્પર અનુકૂળ અવધિ માટે પરિચાલન લીઝથી આપવાની વ્યવસ્થા કરી શકે છે.

નાણાકીય લીઝ અને પરિચાલન લીઝ એમ લીઝનાં બે મૂળ સ્વરૂપો છે, પરંતુ તેમનાં વિવિધ લક્ષણો ઉપર આધારિત ભિન્ન ભિન્ન પ્રકારની લીઝો અસ્તિત્વમાં આવી છે; જેવી કે (1) ઉત્પાદક પોતે જ ભાડાપટો આપનાર હોય તેવી મૅન્યુફૅક્ચરર લેસર લીઝ (manufacturer lessor lease); (2) ઉત્પાદક, ભાડાપટો આપનાર અને ભાડાપટો લેનાર – એમ ત્રણ જણ નાણાકીય સવલત ઊભી કરવા માટે સંકળાયેલા હોય તેવી ત્રિમૂર્તિ પ્રકારની ટ્રાઇપાર્ટાઇટ ફાઇનાન્સ લીઝ (tripartite finance lease); (3) મૂળ માલિક પાસેથી મિલકત ખરીદ્યા પછી ખરીદનાર વ્યક્તિ નાણાકીય સવલત મેળવવા માટે ભાડાપટો આપનાર સાથે કરાર કરે તેવી લીઝ (sale and lease back); (4) ભાડાપટો આપનારે પોતે રોકાણ કરેલાં નાણાંનું પૂરેપૂરું અથવા આંશિક વળતર મેળવવા ફક્ત એક જ કરાર કર્યો હોય તેવી ફુલ ઍન્ડ પાર્શિયલ પે આઉટ લીઝ (full and partial pay out lease); (5) અનેક ભાડાપટાઓ આપનારાઓને બદલે ફક્ત એક જ ભાડાપટો આપનાર ભાડાપટો લેનારને પૂરેપૂરી નાણાકીય સવલત કરી આપે તેવી સિંગલ ઇન્વેસ્ટર લીઝ (single investor lease); (6) વહાણ, વિમાન, શારડીકામનાં ઉપકરણો અને ઉચ્ચ પ્રૌદ્યોગિકીય સાધનો જેવી કીમતી મિલકતો ખરીદવાને બદલે ભાડાપટેથી મેળવી શકાય તેવી ‘બિગ ટિકિટ લીઝ’ (big ticket lease); (7) ઉત્પાદિત માલનું વેચાણ વધારવા માટે ઉત્પાદક તરફથી વેચાણની સાથોસાથ નાણાકીય સવલતનો પ્રસ્તાવ કરવામાં આવે છે તેવી સેલ્સ એઇડ લીઝ (sales aid lease) અને (8) ભાડાપટો આપનાર અને ભાડાપટો લેનાર બંને એક જ દેશના નાગરિકો હોય તેવી ડૉમેસ્ટિક લીઝ (domestic lease) અથવા જુદા જુદા દેશોના નાગરિકો હોય તેવી ‘ઇન્ટરનૅશનલ લીઝ’ (international lease) / ‘ક્રૉસ બૉર્ડર લીઝ’ (cross border lease).

દક્ષિણ ભારતમાં એવી માન્યતા પ્રવર્તે છે કે ભગવાન વરાહે આ પૃથ્વી સમુદ્રમાં ડૂબી ગઈ હતી ત્યારે તેને જળમાંથી બહાર કાઢી હતી, તેથી તેઓ તેના માલિક છે. તેમણે ભગવાન વેંકટેશ્વરને તિરુપતિ ટેકરીઓ ભાડાપટેથી આપેલી છે અને ભગવાન વેંકટેશ્વર ભક્તો પાસેથી મળેલી દાનની રકમોમાંથી ભગવાન વરાહને તેનું ભાડું ચૂકવે છે. આ માન્યતાથી એમ ફલિત થાય છે કે પ્રાચીન ભારતમાં ભાડાપટો આપનાર અને ભાડાપટો લેનારના લીઝિંગ વ્યવહારો અસ્તિત્વમાં હતા. 5,000 વર્ષ અગાઉ સુમેરિયન સંસ્કૃતિમાં નગરરાજ્યો સ્થપાયેલાં હતાં. તેમાં પ્રત્યેક નગરરાજ્યની જમીન તે નગરના દેવની માલિકીની ગણાતી હતી. આ જમીન રાજ્ય તરફથી ખેડૂતોને ભાડાપટેથી ખેડવા માટે આપવામાં આવતી હતી અને કૃષિ-ઉત્પાદનનો સાતમો કે આઠમો ભાગ જમીન-ભાડા તરીકે વસૂલ કરવામાં આવતો હતો. બૅબિલોનમાં ઈ. પૂ. 1800માં જમીન ભાડાપટે આપવાના કાયદા હતા. વળી ગ્રીસમાં ખાણો અને ઈરાનમાં વહાણો ભાડાપટે આપવાના કાયદાઓ પ્રાચીન સમયમાં હતા. આમ છતાં આધુનિક લીઝિંગની શરૂઆત ઓગણીસમી સદીમાં થયેલી. ઇંગ્લૅન્ડમાં રેલવે-વ્યવહાર શરૂ થયો ત્યારે કેટલીક કંપનીઓએ જમીન પ્રાપ્ત (acquire) કરીને તેના ઉપર પાટા નાખવાનો ધંધો, બીજી કેટલીક કંપનીઓએ રેલવેનાં વૅગન અને પૅસેન્જર કોચ – રોલિંગ સ્ટૉક – ઉત્પન્ન કરવાનો ધંધો અને ત્રીજા પ્રકારની કંપનીઓએ રેલવેના પાટા અને રોલિંગ સ્ટૉકની માલિક કંપનીઓ પાસેથી આ મિલકતો ભાડાપટે લઈને માલગાડીઓ અને પૅસેન્જર ગાડીઓ દોડાવવાનો ધંધો શરૂ કર્યો. આમ ભાડાપટો આપનાર બે પ્રકારની કંપનીઓ અને ભાડાપટો લેનાર ત્રીજા પ્રકારની કંપની  એમ ત્રણ પ્રકારની કંપનીઓ એકસાથે રેલવે-વ્યવહારમાં કાર્યરત થઈ. વીસમી સદીમાં ધીમે ધીમે વણાટનાં યંત્રો, ટેલિફોન, વિદ્યુતયંત્રો, ગૅસનાં મીટર, શારડીકામનાં યંત્રો અને વાહનો ભાડાપટેથી આપવાનો ધંધો ખીલવા માંડ્યો.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી ઉત્પાદનની નવી પ્રવિધિઓ વડે ઉત્પાદનમાં વધારો થયો. વિકસિત દેશોનું જીવનધોરણ ઊંચું ગયું, ઉપભોક્તાવાદ પ્રબળ બન્યો અને ઓછા વ્યાજના દરે નાણાકીય શાખ પૂરી પાડવાની પ્રવૃત્તિને ઉત્તેજન મળ્યું. બૅન્કો અને વીમા કંપનીઓએ વપરાશની વસ્તુઓ ખરીદવા માટે નાણાકીય સવલતો પૂરી નહિ પાડવાની તેમની પ્રણાલિકા બદલીને, લીઝિંગ દ્વારા ઉપભોગની વસ્તુઓ માટે નાણાકીય સવલતો આપવાનું શરૂ કર્યું. 1980 સુધી, લીઝિંગ કંપનીઓ ફક્ત ઉત્પાદિત વસ્તુઓ અને સાધનો ખરીદવા માટે નાણાકીય સવલતો પૂરી પાડતી હતી, તેમાં પરિવર્તન આવ્યું અને કાગળ, બાંધકામ, વિદ્યુત, રસાયણ અને દૂરસંચાર (telecommunication) જેવા ઉદ્યોગોએ ઉત્પાદનમાં વધારો કરવા માટે શરૂ કરેલી પરિયોજનાઓ(projects)ને પણ લીઝિંગ કંપનીઓએ નાણાકીય સવલતો આપવાનું શરૂ કર્યું. પશ્ચિમમાં નવસંસ્કાર પામેલા લીઝિંગે ધીમે ધીમે એશિયા, દક્ષિણ અમેરિકા અને આફ્રિકામાં પ્રવેશ કર્યો.

ભારતમાં લીઝિંગની શરૂઆત 1970ના દશકામાં ખાનગી ક્ષેત્રમાં થઈ. લીઝિંગ કંપનીઓને ભાડામાંથી મળતી આવક અને તેમાંથી શૅરહોલ્ડરોને વહેંચવામાં આવતા ડિવિડન્ડના દર એટલા બધા આકર્ષક હતા કે તેમને નાણાબજારમાંથી અધિકાધિક ભંડોળો મળવા માંડ્યાં. તેથી 1980નો દશકો શરૂ થતા સુધીમાં 350 લીઝિંગ કંપનીઓ ભારતમાં કાર્યરત થઈ હતી. લીઝિંગના પ્રણાલીગત કરારો હેઠળ ભાડાપટેથી મિલકત લેનારને તેનો માલિકીહક મળતો ન હતો, છતાં ભાડાપટો લેનારાઓને આકર્ષવા માટે લીઝિંગ કરારનો સમય પૂરો થાય ત્યારે માલિકીહક આપોઆપ મળે તેવા પ્રસ્તાવ કેટલીક કંપનીઓએ મૂકવા માંડ્યા; પરંતુ આવકવેરાની જોગવાઈઓનો અભ્યાસ કરતાં તેમને જણાયું કે આ પ્રસ્તાવ તેમના માટે હિતાવહ નથી તેથી તેવા પ્રસ્તાવ મૂકવાની કાર્યપ્રણાલી ધીમે ધીમે બંધ થઈ ગઈ. તેમ છતાં લીઝિંગ-ક્ષેત્રનો વિસ્તાર વધતો ગયો, કારણ કે જે ઔદ્યોગિક ગૃહો પોતાનું ઉત્પાદન ભાડા-ખરીદ(hire-purchase)થી વેચતાં હતાં તેમણે આ આવક ઉપર આવકવેરાનો બોજો ઘટાડવા માટે લીઝિંગ કંપનીઓ શરૂ કરવા માંડી. વળી જાહેર ક્ષેત્રની આઈ.સી.આઈ.સી.આઈ.(ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા)એ પોતાની આવકમાં વિવિધતા લાવવા માટે 1983માં લીઝિંગનો ધંધો શરૂ કર્યો. તેના પગલે પગલે ઇન્ડસ્ટ્રિયલ ફાઇનાન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા, ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બૅન્ક ઑવ્ ઇન્ડિયા, યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા, સ્ટેટ બૅન્ક ઑવ્ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, બૅન્ક ઑવ્ બરોડા, પંજાબ નૅશનલ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક ઑવ્ ઇન્ડિયા જેવાં જાહેર ક્ષેત્રનાં નિગમો/બૅન્કો અને સ્ટૅન્ડર્ડ ચાર્ટર્ડ બૅન્ક, અમેરિકન એક્સપ્રેસ બૅન્ક જેવી વિદેશી બૅન્કોએ પોતપોતાની નિયંત્રિત કંપનીઓ (subsidiary companies) ઊભી કરીને લીઝિંગનો ધંધો શરૂ કર્યો. આમ લીઝિંગનો પ્રભાવ ભારતીય ઉદ્યોગો ઉપર વધતો ગયો. પરિણામે લીઝિંગ હેઠળ ખરીદેલાં પ્રૌદ્યોગિક સાધનોની કિંમત 1983માં રૂ. 50 કરોડ હતી તે વધીને 1987માં રૂ. 672 કરોડ થઈ.

જયન્તિલાલ પો. જાની