લીજેન્ડર, એડ્રીન મારી (જ. 18 સપ્ટેમ્બર 1752, પૅરિસ; અ. 18 જાન્યુઆરી 1833, પૅરિસ) : ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી. સંશોધન-કારકિર્દીનાં ઘણાં વર્ષો ઉપવલીય સંકલ(elliptic integral)ના અભ્યાસમાં ગાળ્યાં. 1775થી 1780ના ગાળા દરમિયાન લીજેન્ડર ઇકોલ મિલિટેરમાં ગણિતના પ્રાધ્યાપક હતા. 1795માં ઇકોલ નૉર્મેલમાં ગણિતના પ્રાધ્યાપક થયા. તેમના સહકાર્યકર પીરી સી માઁ લાપ્લાસના તેમના તરફના પૂર્વગ્રહને કારણે ત્યાં તેમની અસાધારણ પ્રતિભાને અનુકૂળ આવે એવું કોઈ ખાસ કામ તેમને મળ્યું નહિ. ઉપગોલક(spheroid)ના આકર્ષણ અંગે ચાર સંશોધનપત્ર તેમણે પ્રસિદ્ધ કર્યાં, જેમાંનું એક લીજેન્ડર વિધેય (1783) અંગેનું છે. કલનશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર અને ભૂ-માપનશાસ્ત્રમાં તેમનું પ્રદાન મહત્વનું છે. 1794માં તેમણે ભૂમિતિ પર લોકભોગ્ય અને પ્રભાવક પુસ્તક લખ્યું, જે ‘એલિમેન્ટ્સ દ´ જ્યોમેત્રી’ (1794) તરીકે બહુ જાણીતું થયું. ભૂમિતિના આ પુસ્તકે યુરોપના કેટલાક દેશોમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન મેળવ્યું હતું.

ઓયલર, લેન્ડન અને લાગ્રાન્જે ઉપવલીય સંકલ પર કરેલા સંશોધનકાર્યથી આગળનું સંશોધનકાર્ય તેમણે કર્યું. આમ, ગાણિતિક વિશ્લેષણની નવી શાખામાં કામ કરનાર તેઓ અગ્રણી ગણિતશાસ્ત્રી હતા. ઉપવલીય વિધેય પરના પ્રબંધ (Treatise on Elliptic Function) નામના ગ્રંથમાં તેમણે ઉપવલીય સંકલને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કર્યા છે. તેમના પછી થોડા સમય બાદ નીલ હેન્રિક આબેલ અને કાર્લ જેકોબીએ ઉપવલીય સંકલના વિષયમાં આમૂલ પરિવર્તન કર્યું. સંખ્યાશાસ્ત્રના સિદ્ધાંતો ‘થિયરી દ નંબર્સ’ના બે ગ્રંથો(1830)માં સંખ્યાશાસ્ત્રના તેમના પોતાના સંશોધન ઉપરાંત તેમના સમકાલીનો અને તેમના અનુગામીઓના સંશોધનને રજૂ કર્યું. આ કૃતિમાં દ્વિઘાતીય વ્યુત્ક્રમણીયતા(quadraticreciprocity)ના સિદ્ધાંતને સમાવેલો, જેને તેમના જમાનાના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી કાર્લ ગાઉસે ‘ગણિતના રત્ન’ તરીકે ઓળખાવ્યો હતો. પીરી ફર્માના સંખ્યાસિદ્ધાંત પછી આ ખૂબ અગત્યનું પરિણામ ગણાય છે.

શિવપ્રસાદ મ. જાની