લીજંડ : કોઈ વ્યક્તિ, ઘટના કે સ્થળ અંગે પુરાણા કાળથી પ્રચલિત થયેલી વાત. તેમાં રહેલા તથ્ય અંગે કોઈ તર્ક કરતું નથી. વાતને યથાવત્ સ્વીકારીને તેનો પ્રતીકાત્મક અર્થ પ્રચલિત બને છે અને પેઢીઓ સુધી તે એમનો એમ જળવાઈ રહે છે. પુરાણોમાં આવતી વાતો, દંતકથાઓમાં આવતાં પાત્રો લીજંડ બનીને દેશની પ્રજાના સંસ્કારવારસામાં જળવાઈ રહે છે.
વિષયવસ્તુના સંદર્ભમાં લીજંડ દંતકથાઓને મળતી આવતી વાતો છે. તેમાં આધિભૌતિક પાત્રો, પ્રાચીન દંતકથાઓનાં તત્વો અથવા પ્રાકૃતિક ઘટનાઓની સમજૂતી જેવી બાબતોનો સમાવેશ થયેલો માલૂમ પડે છે. લીજંડમાં કોઈ વિશિષ્ટ સ્થળ, વ્યક્તિ કે ઘટના સાથે જોડાયેલ વાત જાણે ઇતિહાસમાં ક્યારેક બનેલી ઘટના હોય તેમ તેનું વર્ણન કરવામાં આવેલું હોય છે. પ્રાચીન ગ્રીસ કે ભારતનાં પુરાણોમાં લીજંડનાં ભરપૂર ઉદાહરણો મળે છે.
કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ કે વિશિષ્ટ સ્થળોની સાથે જોડાયેલ લીજંડ તો તે વ્યક્તિઓ કે સ્થળોનું શાશ્વત સંભારણું બની રહે છે. જ્યૉર્જ વૉશિંગ્ટને ચેરીનું ઝાડ કાપી નાખેલું તે કિસ્સો તેમના જીવનમાં એક લીજંડ બનીને પ્રચલિત થયો છે.
ઘણી બધી લીજંડમાં તો વ્યક્તિ કે સ્થળ સાથે સંકળાયેલ દંતકથાઓનું તત્વ જ સવિશેષ છે. એક જાણીતી દંતકથામાં એક તીરંદાજને પોતાના પુત્રના શિર ઉપર ફળ મૂકીને તે વીંધવાની ફરજ પાડવામાં આવેલી અને તેણે સફળતાપૂર્વક ફળને વીંધી નાખેલું એવી વાત પ્રચલિત છે. આ વાત વિલિયમ ટેલ નામના તીરંદાજ સાથે જોડી દેવામાં આવી છે. બીજી એક વાતમાં એક કુટુંબમાં સૌથી નાના દીકરાને વારસામાં માત્ર એક બિલાડી મળેલી, પણ ઉંદરોનો ત્રાસ ભોગવતા કોઈ પ્રદેશમાં તેને વેચીને એ કેવો ધનાઢ્ય બની ગયેલો તેની વાત છે. આ વાતને પંદરમી સદીમાં લંડનમાં ત્રણ વાર મેયર બની ચૂકેલા રિચર્ડ વ્હિટિંગ્ટન સાથે જોડી દેવામાં આવી છે. એક પ્રદેશમાં એક પિપૂડીવાળો પોતાની પિપૂડીના સૂરથી આકર્ષીને બાળકોને ગામથી દૂર દૂર લઈ જાય છે, તેની વાત ખૂબ પ્રચલિત બનેલી. પણ મૂળ એક પ્રદેશની આ લીજંડ યુરોપનાં ઘણાં ગામોમાં જુદી જુદી રીતે જુદા જુદા સાહિત્યકારો દ્વારા રજૂ થઈ અને ખૂબ જાણીતી બની. આમ સ્થાનિક લીજંડ પણ અન્ય પ્રદેશોમાં પહોંચીને જાણે તે પ્રદેશની બની જાય છે. શેક્સપિયરના જાણીતા નાટક ‘કિંગ લિયર’માં આવતી કથા મૂળ તો એક દંતકથા ઉપર આધારિત છે.
દેશની કે વિદેશની અનેક દંતકથાઓ લીજંડ બનીને સાહિત્યકારોને આકર્ષિત કરી રહી છે અને તેમાં રહેલા પ્રતીકાત્મક ધ્વનિનો ઉપયોગ કરીને સાહિત્યકારો ક્યારેક મૌલિક કૃતિઓનું સર્જન કરે છે. સાહિત્યમાં લીજંડનું સ્થાન વિશિષ્ટ રહ્યું છે.
પંકજ જ. સોની