લીગ સ્પર્ધા : રાઉન્ડ રૉબિન ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી સ્પર્ધા. ગુજરાતીમાં ચક્ર ટુર્નામેન્ટ તરીકે તે જાણીતી છે. રમતોમાં જેમ વિવિધતા છે તેમ તેની ટુર્નામેન્ટના આયોજનમાં પણ વિવિધ પદ્ધતિઓ છે. સ્પર્ધા દરમિયાન એક ટીમ હારી જાય તો તે સ્પર્ધામાં આગળ ભાગ લઈ શકતી નથી. આવા પ્રકારની સ્પર્ધાને બાતલ પદ્ધતિ ટુર્નામેન્ટ કહેવામાં આવે છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમો એકબીજી સામે રમે છે એટલે કે એક ટીમ મૅચ હારી જાય તોપણ તેને બધી જ ટીમો સામે રમવાની તક મળે છે. આવા પ્રકારની ટુર્નામેન્ટને લીગ ટુર્નામેન્ટ કહેવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન ચાલતી ટુર્નામેન્ટ પડકાર ટુર્નામેન્ટ અથવા નિસરણી ટુર્નામેન્ટ કહેવામાં આવે છે. આવી સ્પર્ધાઓનું આયોજન દર અઠવાડિયે અથવા પખવાડિયે કરવામાં આવે છે. દરેકને સિદ્ધિ મુજબ ક્રમ આપવામાં આવે છે. નીચેના ક્રમનો ખેલાડી તેનાથી ઉપરના ખેલાડીને પડકાર આપીને મૅચ રમે છે. મૅચ જીતે તો તે ઉપરના ક્રમે જાય છે. આમ વર્ષના અંતે જે સૌથી ઉપરના ક્રમે આવે તે વિજેતા ગણાય છે.
લીગ ટુર્નામેન્ટમાં દરેક ટીમ ભાગ લેનાર ટીમ સામે રમે છે. તેમાં જે ટીમ વિજેતા બને છે તેને બે ગુણ, હારનાર ટીમને શૂન્ય ગુણ અને હારજીત વગરની મૅચ માટે બંને ટીમને એક એક ગુણ આપવામાં આવે છે. બધી જ રમતો રમાઈ જાય ત્યારપછી ટીમોએ પ્રાપ્ત કરેલ ગુણનો સરવાળો કરીને મેળવેલ ગુણને આધારે વિજય-ક્રમાંક નક્કી કરવામાં આવે છે. જ્યારે બે ટીમના ગુણનો સરવાળો એકસરખો થાય એટલે કે ગાંઠ પડે ત્યારે અગાઉ જાહેર કર્યા મુજબ અમેરિકન, બ્રિટિશ અથવા કૅનેડિયન પદ્ધતિમાંથી કોઈ પણ એક પદ્ધતિથી તેનો ઉકેલ લાવવામાં આવે છે.
લીગ ટુર્નામેન્ટનું આયોજન ચક્ર પદ્ધતિ, સ્ટેરકેસ પદ્ધતિ અથવા ટૅબ્યુલર પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. જેમાં કઈ ટીમને કઈ ટીમ સામે, કઈ તારીખે, કયા સમયે અને કયા મેદાન પર રમવાનું થશે તેનો કાર્યક્રમ નક્કી કરી અગાઉથી જાહેર કરી દેવામાં આવે છે.
લીગ ટુર્નામેન્ટના આયોજન માટે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી હોય છે. ટુર્નામેન્ટ માટે કેટલા દિવસો ફાળવવામાં આવેલા છે. તેના આધારે મેદાનોની સંખ્યા નક્કી કરવામાં આવે છે. મેદાનોની સંખ્યા પરથી રોજની મૅચો રમાડવાનું આયોજન કરવામાં આવે છે. દરેક ટીમને રોજની એક મૅચ રમવાની આવે તેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે. મેદાનની સંખ્યા મુજબ પંચોની સંખ્યા નક્કી કરીને તેમને બોલાવવામાં આવે છે. મેદાનની સંખ્યા મુજબ સાધનો, ટેબલ, ખુરશી, પાટલીઓ, પરિણામ-પત્રકો, પાણી અને લાઇટની વ્યવસ્થા કરવામાં આવે છે. જો વધારે દિવસો માટે ટુર્નામેન્ટ ચાલવાની હોય તો ખેલાડીઓ, રાહબરો તથા પંચ-અધિકારીઓ માટે રહેવાની, જમવાની તથા પાણીની સગવડ કરવામાં આવે છે.
લીગ ટુર્નામેન્ટમાં સારી, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ટીમ વિજેતા બને તેવી સંભાવના રહે છે. બધી જ ટીમોને રમવાની એકસરખી તકો રહે છે. વધારે મૅચો રમવાની હોવાથી ખેલાડીઓ પોતાની રમતનું ધોરણ પ્રેક્ષકોને બતાવી શકે છે. એક મૅચમાં રમવાનું ધોરણ ન બતાવાય તો અન્ય મૅચોમાં બતાવી શકાય છે. પ્રેક્ષકોને પણ વધારે મૅચો જોવાનો અવસર પ્રાપ્ત થાય છે. લીગ ટુર્નામેન્ટમાં વધારે દિવસો ને સમય નક્કી થાય તો આર્થિક ખર્ચ વધી જાય છે. વળી હારતી ટીમો નિરાશ થતી જાય છે. પરિણામે છેલ્લી મૅચ પૂરી ન થાય ત્યાં સુધી પરિણામ જાણવા મળતું નથી.
હર્ષદભાઈ પટેલ