લીગ ઑવ્ નૅશન્સ (રાષ્ટ્રસંઘ)

January, 2004

લીગ ઑવ્ નૅશન્સ (રાષ્ટ્રસંઘ) : આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સામૂહિક સલામતીની વ્યવસ્થાને સાકાર કરવાનો પ્રયાસ કરનારી સંસ્થા. આજના સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુનો)ની પુરોગામી સંસ્થા રાષ્ટ્રસંઘ કે લીગ ઑવ્ નૅશન્સ. પ્રથમ વિશ્વયુદ્ધ(1914થી 1918)ને અંતે તેની રચનાનો નિર્ણય લેવાયો. તેના બંધારણને ખતપત્ર કે ‘કવેનન્ટ’ (covenant) તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્થા વર્સાઈની સંધિના ભાગ રૂપે અસ્તિત્વમાં આવી (1919), પરંતુ તેની પહેલી બેઠક જિનીવા ખાતે 1920માં મળી; જેમાં 42 રાજ્યો પ્રતિનિધિત્વ ધરાવતા હતા. આ સંસ્થાની છેલ્લી બેઠક 1946માં મળી, જેને અંતે લીગ ઑવ્ નૅશન્સનું સ્થાન યુનાઇટેડ નૅશન્સે લીધું. લીગ ઑવ્ નૅશન્સનું વડું મથક જિનીવા ખાતે હતું; પરંતુ યુનાઇટેડ નૅશન્સના વડા મથકને ન્યૂયૉર્ક ખાતે ખસેડવામાં આવ્યું. આ ઘટના બે રીતે નોંધપાત્ર હતી : (1) લીગ ઑવ્ નૅશન્સની કામગીરી અંગેનો અસંતોષ તેમાં વ્યક્ત થતો હતો અને (2) નવી સ્થપાનાર સંસ્થામાં અમેરિકા (યુનાઇટેડ સ્ટેટ્સ–US) મહત્વની ભૂમિકા ભજવવાનું હતું.

લીગ ઑવ્ નૅશન્સના મુખ્ય પ્રણેતા વુડ્રો વિલ્સન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા; પરંતુ તેમના જ દેશની સેનેટે લીગમાં અમેરિકાના સભ્યપદને મંજૂરી આપી ન હતી. આથી અમેરિકા (યુ.એસ.) લીગનું સભ્ય બની શક્યું ન હતું. બીજી મહાસત્તાઓમાં બ્રિટન અને ફ્રાન્સ તેના સભ્યો બન્યા હતા. જર્મની, સોવિયેત સંઘ, જાપાન, ઇટાલી લીગ ઑવ્ નૅશન્સમાં પાછળથી સભ્યો બન્યા હતા કે પાછળથી તેમણે રાજીનામું આપ્યું હતું કે મોડા જોડાઈને પણ રાજીનામું આપ્યું હતું.

લીગનું મુખ્ય કાર્ય યુદ્ધ અટકાવવાનું હતું. આ માટે સામૂહિક સલામતીની વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વ્યવસ્થાનો મુખ્ય સૈદ્ધાંતિક પાયો એ હતો કે વિશ્વશાંતિ અવિભાજ્ય છે આથી વિશ્વના ગમે તે ભાગમાં કે ગમે તે આક્રમક દ્વારા આક્રમણ થાય ત્યારે તેનો સામૂહિક રીતે સામનો કરવામાં આવે અને આવી વ્યવસ્થા કાયમી ધોરણે રચાય તો આક્રમણો થતાં રોકવામાં (deterrent તરીકે) તે કામ કરી શકે. મિત્રો અને શત્રુઓ વચ્ચે વહેંચાયેલી આ દુનિયામાં અને આક્રમણથી ફાયદો ઉઠાવનાર રાજ્યોને કારણે આવી વ્યવસ્થા શક્ય છે કે કેમ એ બાબત શંકાસ્પદ હતી, પરંતુ વ્યવસ્થાને સફળ બનાવવા માટેની એક ન્યૂનતમ આવશ્યકતા એ હતી કે વિશ્વની મહાસત્તાઓ આક્રમક સામે પગલાં ભરવા તૈયારી બતાવે અને સંપથી વર્તે. અનુભવે આ આશાને ઠગારી ઠેરવી.

લીગનાં મુખ્ય અંગોમાં સભા (Assembly), સમિતિ (council) અને સચિવાલય(secretariat)નો સમાવેશ થતો હતો. સભાની બેઠક વર્ષમાં એકવાર મળતી હતી. લીગના બધા જ સભ્યો આપોઆપ સભાના સભ્ય બનતા હતા. સમિતિ કાયમી અને બિનકાયમી – એમ બે પ્રકારના સભ્યોની બનેલી હતી. કાયમી સભ્યોમાં ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, જાપાન અને પાછળથી જર્મની અને સોવિયેત સંઘનો સમાવેશ થયો હતો. બિનકાયમી સભ્યોની ચૂંટણી સભા (Assembly) દ્વારા થતી હતી. સભા કરતાં સમિતિની બેઠકો વધુ વાર મળતી હતી. આક્રમણના પ્રશ્નો અને નિ:શસ્ત્રીકરણના પ્રશ્નો અંગે તે નિર્ણયો લઈ શકતી હતી. સમિતિની એક મોટી મુશ્કેલી એ હતી કે તેના નિર્ણયો સર્વસંમતિથી જ થઈ શકતા. આથી નિર્ણય લેવાની પ્રક્રિયા સાવ ધીમી હતી. સચિવાલયમાં એક સેક્રેટરી જનરલ (મહાસચિવ) અને બીજા 500 કર્મચારીઓનો સમાવેશ થતો હતો. આ સિવાય વિશ્વ અદાલત (world court) અને આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠન (International Labour Organisation) જેવી સંસ્થાઓ પણ લીગની સાથે સંકળાયેલી હતી. લીગ ઑવ્ નૅશન્સની સ્થાપના એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉદારમતવાદી અને સંસદીય કાર્યપ્રણાલીના વિસ્તારને સૂચવે છે. લીગની એક વિશિષ્ટતા એ હતી કે તેની રચનામાં પ્રથમ વિશ્વયુદ્ધ(1914–1918)ના પદાર્થપાઠને લક્ષમાં લેવામાં આવ્યા હતા. આવાં ત્રણ ઉદાહરણો આપી શકાય : (1) 1914માં જર્મનીએ બેલ્જિયમ અને ફ્રાન્સ પર કરેલા આક્રમણ સાથે યુદ્ધની શરૂઆત થઈ હતી. આથી એવો વિશ્વાસ ઊભો થયો હતો કે ભવિષ્યનાં યુદ્ધોમાં આક્રમક કોણ છે તે નક્કી કરવાનું શક્ય બનશે. (2) કાનૂનનું શાસન વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને સ્થાપી શકાય છે અને બળના ઉપયોગને કાનૂનને વશ કરી શકાશે. (3) કટોકટીમાં સમિતિ દ્વારા જ્યારે યુદ્ધ કરવાનો નિર્ણય લેવાય ત્યારે અમુક સમયમર્યાદા પછી ઝઘડો લીગમાં આવ્યાના ત્રણ મહિના પછી જ યુદ્ધ કાનૂની બનતું હતું. આથી ઝડપથી યુદ્ધ કરવું અશક્ય બનતું હતું.

લીગની મૂળભૂત મર્યાદા એ હતી કે આંતરરાષ્ટ્રીય સમાજનું સાચું પ્રતિનિધિત્વ તે ધરાવતી ન હતી. મર્યાદિત સભ્યપદ ધરાવતી આ સંસ્થા એ મુખ્યત્વે યુરોપિયન સંસ્થા બની હતી. યુરોપમાં મુખ્યત્વે બ્રિટન અને ફ્રાન્સ જ આ સંસ્થામાં રસ ધરાવતા હતા. આ બે દેશો જો આક્રમક સામે પગલાં લેવા ન માંગે તો આક્રમકને કોઈ ચિંતા રહેતી ન હતી. આ બેમાંથી પણ ફ્રાન્સને લીગનો ઉપયોગ પોતાના રક્ષણ માટે જૂના દુશ્મન જર્મની સામે કરવામાં જ રસ હતો. બે વિશ્વયુદ્ધ વચ્ચેની મહાસત્તાઓ આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવાના લાંબા ગાળાના ધ્યેય માટે પોતાના ટૂંકા ગાળાના સ્વાર્થનો ભોગ આપવા તૈયાર ન હતી. આ ઉપરાંત પ્રથમ વિશ્વયુદ્ધ(1914–1918)ની સંપૂર્ણ જવાબદારી જર્મની પર ઢોળીને તેના પર વર્સાઈની જે અન્યાયી સંધિ લાદવામાં આવી તેનાથી જર્મની લીગનું એક સભ્ય બનવાને બદલે આક્રમક બનવા પ્રેરાયું. આવા સંજોગોમાં સામૂહિક સલામતીની વ્યવસ્થા અમલમાં આવવી જોઈતી હતી. તેને ગતિમાન કરવાને બદલે મહાસત્તાઓ આક્રમક સામેનાં પગલાંનાં લેખાંજોખાં ગણવામાં પડી. લીગની નિષ્ફળતા આવા સંજોગોમાં નિશ્ચિત હતી. રાજ્યોએ હિટલરના આક્રમણ સામે લીગને  ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હતું. જાપાનના ચીન પરના અને ઇટાલીના ઇથિયોપિયા (એબિસિનિયા) પરના આક્રમણ સામે પગલાં લેવાની લીગની નિષ્ફળતા ભાગ્યે જ તેનામાં વિશ્વાસ સર્જી શકે એમ હતી. જર્મનીમાં નાઝીવાદનો, ઇટાલીમાં ફાસીવાદનો વિકાસ તથા જાપાનમાં લશ્કરી જૂથોની શાસનપ્રાપ્તિ લીગની સફળતા માટે ભાગ્યે જ યોગ્ય વાતાવરણ સર્જી શકે એમ હતાં.

શક્તિશાળી આક્રમક રાજ્યો સામે પગલાં લેવામાં નિષ્ફળ એવી લીગ નાનાં રાજ્યો વચ્ચેના ઝઘડાઓમાં અમુક પ્રમાણમાં સફળતા પ્રાપ્ત કરી શકી હતી. આનાં ઉદાહરણોમાં ગ્રીસ અને બલ્ગેરિયા (1925) વચ્ચેના ઝઘડા અને પોલૅન્ડ અને રુમાનિયા (1927) વચ્ચેના ઝઘડાનો ઉલ્લેખ કરી શકાય.

નાનાં રાજ્યો વચ્ચેના 60 જેટલા ઝઘડામાંથી 30 જેટલા ઝઘડા લીગ પતાવી શકી હતી. આ ઝઘડાઓ મુખ્યત્વે કાનૂની પ્રકારના હતા. આ ઉપરાંત લીગ સંસ્થાનવાદના અંતનાં પ્રથમ પગરણોની સાક્ષી બની. આવાં ઉદાહરણોમાં પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) પહેલાંના જર્મની અને તુર્કીનાં કેટલાંક સંસ્થાનોનો ઉલ્લેખ કરી શકાય. બીજાં કેટલાંક રાજ્યોના આવા વિસ્તારોને લીગના ‘મેંન્ડેટ’ હેઠળના વિસ્તારો તરીકે ઓળખાવવામાં આવ્યા અને તેમને તેમના ભૌગોલિક સ્થાન અને આર્થિક વિકાસની કક્ષાને લક્ષમાં રાખીને અલગ અલગ પ્રમાણમાં રાજકીય સ્વતંત્રતા આપવામાં આવી. જોકે લીગનું આ પગલું પણ પ્રથમ વિશ્ર્વયુદ્ધનાં હારેલાં રાષ્ટ્રો સામેનું હોવાથી લીગની છાપ વિજેતા રાષ્ટ્રો માટે કામ કરતા સાધન તરીકેની પડી. લીગના બંધારણમાં સ્થાપિત વ્યવસ્થાના શાંતિમય પરિવર્તન માટેની જોગવાઈ હતી; પરંતુ તેનો ઉપયોગ થયો નહિ. આથી સ્થાપિત વ્યવસ્થામાં પરિવર્તન લાવવા ઇચ્છનાર રાજ્યોને બળનો ઉપયોગ કરીને પરિવર્તન લાવવા માટેનું આકર્ષણ ઊભું થયું. આમ પણ વિશાળ જૂથને માટે નૈતિક કાયદાનું પાલન મુશ્કેલ હોય છે.

આ ઉપરાંત કામદારોના કલ્યાણ અને આરોગ્યના ક્ષેત્રમાં પણ લીગે સારું કામ કર્યું.

1920માં સ્થપાયેલી આ સંસ્થાનું આખરે એપ્રિલ 1946માં વિસર્જન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રથામાં ‘કેન્દ્રીય કક્ષાએ અરાજ્ય વ્યવસ્થા’(anarchical system)ની પરિસ્થિતિને દર્શાવે છે. લીગની સ્થાપના અમુક માત્રામાં સ્વતંત્ર, સ્વનિર્ભર રાજ્યોથી ઉપરની કોઈ વ્યવસ્થા રચવાનો પ્રયાસ હતો, જે નિષ્ફળ ગયો; પરંતુ આ જાતના પ્રયત્નની જરૂરિયાત અંગે કોઈ વિવાદ ન હતો. આથી જ બીજા વિશ્વયુદ્ધ (1939–1945) પછી પણ માનવજાતનો આ દિશામાં પ્રયત્ન ચાલુ રહ્યો અને સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુનો)ની સ્થાપના થઈ. ત્યાં લીગની ક્ષતિઓને લક્ષમાં રાખી વધુ સારું સંગઠન રચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જોકે યુનો સફળ થાય કે નહિ એનો આધાર પણ રાજ્યોના અભિગમ પર રહે છે. આ સંદર્ભમાં મુખ્ય પ્રશ્નો આ છે : (1) શું રાજ્યો આંતરરાષ્ટ્રીય અંકુશને નિષ્ઠાથી સ્વીકારે છે ? (2) શું રાજ્યો બળના ઉપયોગને ત્યજીને કાનૂનનું શાસન સ્વીકારે છે ? (3) શું રાજ્યો પોતાના ટૂંકા ગાળાના સ્વાર્થને લાંબા ગાળાની આંતરરાષ્ટ્રીય શાંતિ જેવા ધ્યેયને છોડવા માટે તૈયાર છે ? આંતરરાષ્ટ્રીય સંસ્થાનું વધુ સારું બંધારણ અને વધુ સારું સંગઠન આંતરરાષ્ટ્રીય શાંતિ અને કાનૂનના શાસન માટે ઉપયોગી છે; પરંતુ પર્યાપ્ત નથી.

મહેન્દ્રભાઈ ઠા. દેસાઈ