લીકૉક, સ્ટીફન (બટલર)

January, 2004

લીકૉક, સ્ટીફન (બટલર) (જ. 30 ડિસેમ્બર 1869, સ્વાન્મૉર, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 28 માર્ચ 1944, ટોરૉન્ટો) : કૅનેડિયન હાસ્યલેખક અને હળવી શૈલીનાં રેખાંકનો અને નિબંધોનાં 30થી વધુ પુસ્તકોના લેખક. છ વર્ષની ઉંમરે માતાપિતા સાથે કૅનેડામાં સ્થાયી થયા. અપર કૅનેડા કૉલેજમાં 1882થી 1887 સુધી શિક્ષણ લીધું. યુનિવર્સિટી ઑવ્ ટોરૉન્ટોમાંથી બી.એ.(1891)ની ઉપાધિ મેળવી. તે જ કૉલેજમાં આઠ વર્ષ સુધી અધ્યાપન કર્યું. પાછળથી યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાંથી પીએચ.ડી.ની ઉપાધિ 1903માં મેળવી. તે જ વર્ષે તેમની નિમણૂક મૉન્ટ્રિયલની મૅકગિલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે થઈ. અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રના વિભાગીય અધ્યક્ષ તરીકે છેક 1936માં નિવૃત્ત થયા ત્યાં સુધી સેવા આપી. સવિશેષ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના વિષયમાં તેમણે 20 જેટલા ગ્રંથોની રચના કરી છે. જોકે સાહિત્ય તરફના પક્ષપાતને લીધે હાસ્યલેખક તરીકે જ તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ.

સ્ટીફન (બટલર) લીકૉક

‘લિટરરી લૅપ્સિઝ’ (1910), ‘નૉનસેન્સ નૉવેલ્સ’ (1911) તેમના હાસ્યપ્રધાન ચિંતનના ગ્રંથો છે. ‘સનશાઇન સ્કેચિઝ ઑવ્ અ લિટલ ટાઉન’ (1912), ‘આર્કેડિયન એડવેન્ચર્સ વિથ ધી આઇડલ રિચ’ (1914) અને ‘ફ્રેન્ઝીડ ફિક્શન’ (1918) તેમના અન્ય ગ્રંથો છે. તેમનું લેખન ‘લીકૉકિયન હાસ્ય’ તરીકે પ્રખ્યાત છે. સમાજની નબળાઈઓને જોવાની તેમની દૃષ્ટિ તેમના અવલોકનને દર્શનનું પરિમાણ આપે છે. વાસ્તવિકતા અને આભાસ માનવવર્તણૂકમાં કેટલાં બધાં અને જુદાં જુદાં હોય છે તેની મૂર્ખામીભરેલી અસંગતતામાંથી તેમણે હાસ્યને  પ્રગટાવ્યું છે. જુવેનલ, જૉનાથન સ્વિફ્ટ કે આલ્ડસ હક્સલીના કટાક્ષનો તેમનાં લખાણોમાં છાંટોય નથી. અહીં તો એક યુવકના ઊંડા ઉત્સાહની, નારંગી કે લીંબુની છાલને નિચોવતાં મળતી લિજ્જત છે. માનવજીવનમાં રોજબરોજની સામાન્ય ઘટનાઓમાંથી નિષ્પન્ન થતી જીવંત હાસ્યસભર પરિસ્થિતિઓને તેમણે મન ભરીને માણી છે. જે.બી. પ્રિસ્ટલી જેવા સમર્થ લેખકે લીકૉકને વિશિષ્ટ હાસ્યલેખક તરીકે નવાજ્યા છે.

‘હ્યૂમર : ઇટ્સ થિયરી ઍન્ડ ટૅકનિક’ (1935) હાસ્ય ઉપરનો તેમનો મહત્વનો ગ્રંથ છે. ‘ધ બૉય આઇ લેફ્ટ બિહાઇન્ડ મી’ (1946) તેમની અધૂરી રહી ગયેલી આત્મકથા છે.

વિ. પ્ર. ત્રિવેદી