લીકી પરિવાર (Leaky family) : પૂર્વ આફ્રિકામાં માનવ-ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના અભ્યાસને લગતા જીવાવશેષોની ખોજ અને તે પર સંશોધન કરનાર એક જ પરિવારનાં ત્રણ નામાંકિત નૃવંશશાસ્ત્રીઓ (anthropologists) પતિ, પત્ની અને પુત્ર લુઈ લીકી, મ@રી લીકી અને રિચાર્ડ લીકી.
(1) લુઈ સેમોર બૅઝેટ લીકી (જ. 1903; અ. 1972) : માનવ-ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિની વિકાસગાથા માટેના પુરાવારૂપ જીવાવશેષોનો અભ્યાસ અને સંશોધન કરવા માટે દુનિયાભરમાં વધુમાં વધુ મહત્વનો વિસ્તાર હોય તો તે આફ્રિકા છે, એવું નૃવંશશાસ્ત્રીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓના માનસ પર ઠસાવનાર લુઈ લીકી હતો. એશિયાના ચીન અને જાવા(ઇન્ડોનેશિયા)માંથી આ પ્રકારના પુરાવા આ અગાઉ મળેલા હોવાથી મોટાભાગના નૃવંશશાસ્ત્રીઓની વધુ પુરાવા મેળવવા એશિયામાં ખોજ ચાલતી હતી, તેના સંદર્ભમાં લુઈએ આવી સ્પષ્ટતા કરેલી.
લુઈએ માનવ જીવાવશેષોની ખોજ માટે પૂર્વ આફ્રિકામાં અભિયાનોની શરૂઆત 1920ના દાયકાથી કરેલી. 1936માં મેરી નિકોલ સાથે તેનાં લગ્ન થયાં. તે પછીથી પતિ-પત્ની બંનેએ ભેગાં મળીને મહત્વના ઘણા જીવાવશેષો શોધ્યા. 1962માં તેમની બંનેની દોરવણી હેઠળ એક અભિયાન થયેલું, જેમાં કેન્યામાંથી આશરે 1.4 કરોડ વર્ષ જૂના કપિનું જડબું અને દાંત મળી આવ્યાં. લુઈ લીકીએ તેને (કપિને) ‘કેન્યાપિથેક્સ’ નામ આપ્યું. 1960ના દાયકાની શરૂઆતમાં જ લુઈ લીકીને ટાન્ઝાનિયામાંના ઓલ્ડુવાઈ કોતર ખાતેથી બીજા જીવાવશેષો મળ્યા, તે તેણે માનવના હોવાનું જણાવ્યું. લુઈએ અને બીજા નિષ્ણાતોએ આ જાતિ(species)ને હોમો હેબિલિસ નામ આપ્યું, એટલું જ નહિ તે માનવોની જાતિ(genus)નો આદિ પ્રકાર હોવાનું જણાવ્યું.
લુઈ લીકીનો જન્મ કેન્યામાં નૈરોબી નજીક કાબેટેમાં થયેલો. તેનાં માતાપિતા બ્રિટિશ ધર્મોપદેશકો હતાં. લુઈ લીકીએ ‘White African’ (1937) અને ‘By the Evidence’ (1974) નામનાં બે આત્મકથાત્મક પુસ્તકો લખ્યાં છે.
(2) મૅરી ડગ્લાસ લીકી (જ. 1913; અ. 1996) : મૅરી લીકીએ પણ મુખ્યત્વે કેન્યા અને ટાન્ઝાનિયામાં જ ખોજ-સંશોધનનું કામ કર્યું છે. 1948માં મૅરીને કેન્યામાંથી આશરે 2 કરોડ વર્ષ અગાઉની ખોપરીનો એક અવશેષ મળેલો. મૅરીએ તેને ‘પ્રોકોન્સલ આફ્રિકનસ’ નામ આપ્યું. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આ પ્રાણી માનવ અને કપિ બંનેનું સમાન (common) પૂર્વજ હતું. તે પછીથી 1959માં ઓલ્ડુવાઈ કોતરમાંથી મેરીને માનવ-સમકક્ષ પ્રાણીની ખોપરી મળેલી. મૅરીએ તેને ‘ઝિંજૅનથ્રોપસ’ નામ આપ્યું અને તે અવશેષ 17.50 લાખ વર્ષ જૂનો હોવાનું અંદાજ્યું. આ ખોજ માનવ-સમકક્ષ પ્રાણીઓ પૂર્વ આફ્રિકામાં વસતાં હતાં તેનું સૂચન કરી જાય છે.
1978માં મૅરીને ટાન્ઝાનિયાના લીટોલી ખાતે જ્વાળામુખી ભસ્મસ્તરમાંથી પગલાંની જળવાઈ રહેલી છાપ મળી આવી. મોટાભાગના વૈજ્ઞાનિકો માને છે કે આ છાપવાળું પ્રાણી માનવ જેવું હતું. આ પરથી માનવો 37 લાખ વર્ષ અગાઉ આ વિસ્તારમાં વસતા હતા તે નક્કી થાય છે. આ પુરાવો માનવોના પૂર્વજોના જૂનામાં જૂના જીવાવશેષો પૈકીનો એક ગણાય છે.
મેરી ડગ્લાસ લીકી(નિકોલ)નો જન્મ લંડનમાં થયેલો. તેણે લખેલાં પુસ્તકોમાં ‘આફ્રિકાઝ વૅનિશિંગ આર્ટ્સ’ તથા ‘ધ રૉક પેઇન્ટિંગ્ઝ ઑવ્ ટાન્ઝાનિયા’(1983)નો અને ‘ડિસ્ક્લોઝિંગ ધ પાસ્ટ’ નામના એક આત્મકથાત્મક પુસ્તકનો સમાવેશ થાય છે.
(3) રિચાર્ડ એર્સ્કિન ફ્રિયર લીકી (Richard Erskine Frere Leaky) (જ. 1944) : કેન્યાના તુર્કાના સરોવર ખાતે રિચાર્ડે ઘણા અગત્યના જીવાવશેષો શોધી કાઢેલા છે. 1972માં આ વિસ્તારમાંથી રિચાર્ડને 19 લાખ વર્ષ અગાઉ વસતા પ્રાગ્-ઐતિહાસિક માનવની ખોપરીનો ભાગ મળી આવેલો. મોટાભાગના વૈજ્ઞાનિકોએ આ ખોપરી હોમો હેબિલિસની હોવાનો અભિપ્રાય આપેલો છે, જે સંભવત: હોમો હેબિલિસ માનવપ્રકારના આજ સુધીના જીવાવશેષો પૈકી જૂનામાં જૂનો છે.
1975માં રિચાર્ડને તુર્કાના સરોવર ખાતેથી વધુ ઉત્ક્રાંત પ્રકારના પ્રાગ્-ઐતિહાસિક માનવની ખોપરી મળી આવેલી, તે ટટ્ટાર અંગસ્થિતિ ધરાવતા ‘હોમો ઇરેક્ટ્સ’ માનવની હતી. તેનું વય 16 લાખ વર્ષ જૂનું મુકાયું છે. 1984માં રિચાર્ડ લીકી અને બ્રિટિશ પ્રાચીન જીવાવશેષશાસ્ત્રી (palaeontologist) ઍલન વૉકરે તુર્કાના સરોવર ખાતેથી સંપૂર્ણ હોમો ઇરેક્ટ્સ માનવનું લગભગ આખું હાડપિંજર મેળવ્યું છે.
રિચાર્ડ લીકીનો જન્મ કેન્યાના નૈરોબી ખાતે થયેલો. રિચાર્ડે 1968થી 1989 સુધી કેન્યાના નૅશનલ મ્યુઝિયમના ડિરેક્ટર તરીકે સેવાઓ આપેલી. 1989માં તેઓ કેન્યાની વન્યજીવન આરક્ષણ સેવા wildlife conservation servicesના વડા તરીકે રહ્યા હતા. 1990માં આ સંસ્થા ‘કેન્યાની વન્યજીવન સેવા’ સરકારના સહકાર સાથે કામ કરતી એક સ્વતંત્ર સંસ્થા બની. રિચાર્ડે લખેલાં પુસ્તકોમાં ‘ધ મેઇકિંગ ઑવ્ મૅનકાઇન્ડ’ (1981) અને ‘વન લાઇફ’ (‘One Life’) (1983) નામની આત્મકથાનો સમાવેશ થાય છે.
ગિરીશભાઈ પંડ્યા