લી કુઆન યુ (જ. 16 સપ્ટેમ્બર 1923, સિંગાપોર) : સિંગાપોરના પ્રથમ વડાપ્રધાન. સિંગાપોરમાં સ્થાયી થયેલા શ્રીમંત ચીની કુટુંબમાં તેમનો જન્મ થયો હતો અને તેમની પ્રથમ ભાષા અંગ્રેજી હતી. શાલેય અભ્યાસને અંતે તેજસ્વી કારકિર્દીને કારણે તેમને શિષ્યવૃત્તિ મળતાં સિંગાપોરની રેફલ્સ કૉલેજમાં દાખલ થયા અને પછી કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડમાં અભ્યાસાર્થે ગયા. ત્યાં કાયદાના અભ્યાસમાં પ્રથમ વર્ગમાં સૌપ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, તે સાથે રાજકીય અર્થશાસ્ત્રના સ્નાતક તરીકે પણ પ્રથમ વર્ગ મેળવી તેજસ્વી કારકિર્દી ઘડી. તુરત 1950માં ઇંગ્લિશ બારના સભ્ય બન્યા અને તે જ વર્ષે સહાધ્યાયી અને મલાયન નાગરિક ક્વા જીઓક ચૂ સાથે લગ્નગ્રંથિથી જોડાયા.

1951માં સિંગાપોર પાછા ફરી પ્રારંભે મજદૂર નેતા અને ધારાશાસ્ત્રી તરીકે સફળ કારકિર્દી ઘડી. 1954માં તેમણે સોશિયલ પીપલ્સ ઍક્શન  પાર્ટીની સ્થાપના કરી. ચીની, મલય અને તમિળ ભાષાઓ શીખી રાજકીય જીવનમાં પ્રવેશવાની પૂર્વતૈયારી આરંભી. 1955માં તેઓ ધારાસભ્ય ચૂંટાયા. બ્રિટિશ કૉમનવેલ્થના ભાગ રૂપે સિંગાપોરને આંતરિક સ્વશાસનની પૂર્વસંધ્યાએ તેમણે બંધારણના ઘડતરમાં મદદ કરી. 1959માં સિંગાપોરને સ્વશાસન પ્રાપ્ત થતાં તેઓ આ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા અને 1990 પર્યંત આ પદ સંભાળી હોદ્દા પરથી રાજીનામું આપ્યું. 1960થી તેમની અને ડાબેરીઓ વચ્ચેનો ખુલ્લો સંઘર્ષ વ્યાપક બનતાં 1962માં દેશમાં લોકમત (referendum) લેવાયો, જેમાં તેઓ વિજયી નીવડ્યા. 1963માં સિંગાપોરને મલેશિયાના સમવાયતંત્ર સાથે જોડવામાં આવતાં ઘરઆંગણે સખ્ત વિરોધ-વંટોળ પેદા થયો. પરિણામે 1965માં સિંગાપોર સમવાયતંત્રમાંથી અલગ થતાં હાલ તે સ્વતંત્ર તથા પ્રજાસત્તાક દેશ તરીકે અસ્તિત્વ ધરાવે છે.

કુઆન યુ લી

વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે 1956માં પંચવર્ષીય યોજના ઘડી સુધારાઓ દાખલ કર્યા. વિશેષે મહિલાવિકાસ અને શિક્ષણસેવાઓનો વિસ્તાર કર્યો. ઉદ્યોગીકરણની નીતિ સ્વીકારી, મજબૂત અર્થતંત્ર રચી તેમણે કાર્યક્ષમ વહીવટ પૂરો પાડ્યો. 1970ના દાયકામાં સિંગાપોર એશિયાનો જાપાન પછી દ્વિતીય સ્થાન ધરાવતો સમૃદ્ધ દેશ બન્યો. તેમના નેતૃત્વ હેઠળ સિંગાપોરે બિનજોડાણની નીતિ સાથે પ્રાદેશિક સહકારનો કાર્યક્રમ સ્વીકારી રાજકીય સ્વાતંત્ર્યને પુરસ્કાર્યું. તેમણે સંસદીય લોકશાહીને સમર્થન પૂરું પાડ્યું. પરંતુ 1980ના દાયકામાં ભાગલાવાદી પરિબળો તથા સામ્યવાદી પ્રવૃત્તિએ જોર પકડતાં, 1982માં પ્રેસ સેન્સરશિપ લાદી. આમ વિચક્ષણ અને દૃઢનિશ્ચયી નેતા અને અંગત જીવનમાં મિતવ્યયી તરીકે તેમણે સિંગાપોરના રાજકીય જીવનમાં નિશ્ચિત સ્થાન હાંસલ કર્યું છે.

રક્ષા મ. વ્યાસ