લીંડીપીપર (પીપર) : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper longum Linn. (સં., તે. પિપ્પલી; હિં. પીપર; બં. પિપુલ; ગુ. લીંડીપીપર, પીપર; મ. પિંપળી; ક. હિપ્પલી; ત., મલ. તિપ્પિલી; અં. ઇંડિયન લોંગ પેંપર) છે. તે એક નાજુક, સુગંધિત વેલ છે અને કાષ્ઠમય મૂળ ધરાવે છે. ભારતના ઉષ્ણ પ્રદેશોમાં, મધ્ય હિમાલયથી આસામ, ખાસી અને મિકિરની ટેકરીઓ, પશ્ચિમ બંગાળની તળેટીની ટેકરીઓ, પશ્ચિમઘાટનાં સદાહરિત જંગલોમાં કોંકણથી ત્રાવણકોર અને નિકોબારના ટાપુઓમાં તે થાય છે. પ્રકાંડ ભૂસર્પી (creeping) અને સંધિમય હોય છે. પર્ણો સાદા, એકાંતરિક, 5 સેમી.થી 9 સેમી. લાંબાં અને 3 સેમી.થી 5 સેમી. પહોળાં, અંડાકાર કે હૃદયાકાર, અખંડિત તથા અરોમિલ હોય છે અને પહોળા ગોળાકાર ખંડ ધરાવે છે. તેનો પુષ્પવિન્યાસ સદંડી (pedunculate) નળાકાર શૂકી (spike) પ્રકારનો હોય છે. નર પુષ્પવિન્યાસ પાતળો અને વધારે લાંબો હોય છે. માદા પુષ્પવિન્યાસ 1.3 સેમી.થી 2.5 સેમી. લાંબો અને 4 મિમી.થી 5 મિમી. પહોળો હોય છે. ફળ અંડાકાર, પીળાશ પડતાં નારંગી અને શૂકીમાં ખૂંપેલાં હોય છે.
ભારતમાં વેચાતી લીંડીપીપર બે કે ત્રણ જાતિઓમાંથી મેળવવામાં આવે છે. તે પૈકી એક ઇંડોનેશિયાની જાતિ છે. ભારતીય લીંડીપીપર P. longum અથવા P. peepuloidesની નીપજ છે. જ્યારે ઇંડોનેશિયાઈ કે જાવાની લીંડીપીપરની મલેશિયામાંથી આયાત થાય છે, જે P. retrofractumની નીપજ છે. સમાન હેતુઓ માટે ઉપયોગમાં લેવાતી આ ત્રણેય જાતિઓની નીપજો તેમની અસરની દૃષ્ટિએ વિવિધતા દર્શાવે છે. ભારતીય લીંડીપીપર મોટે ભાગે વન્ય વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે અને આસામ, પશ્ચિમ બંગાળ, નેપાળ અને ઉત્તરપ્રદેશ તેનો મુખ્ય સ્રોત છે. કેરળનાં સદાહરિત જંગલો અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાંથી પણ તેનો થોડો જથ્થો મેળવવામાં આવે છે. ચેન્નાઈની અનાઇમલાઇની ટેકરીઓ અને આસામમાં ચેરાપુંજીના વિસ્તારમાં તેનું વાવેતર થાય છે.
ચેરાપુંજીના પ્રદેશના 450 મી.થી 600 મી. નીચેના વિસ્તારોમાં ચૂનાશ્મ (limestone) મૃદામાં મોટા પાયા પર તેનું વાવેતર થાય છે; જ્યાં માર્ચના અંતથી સપ્ટેમ્બરના મધ્ય સુધી ભારે વરસાદ પડે છે અને સાપેક્ષ ભેજ ઊંચો હોય છે. તેનું પ્રસર્જન ચોમાસાની શરૂઆતમાં પરિપક્વ શાખાઓના દાબ દ્વારા કે અંત:ભૂસ્તારી (sucker) દ્વારા થાય છે. તેને છાણિયું ખાતર આપવામાં આવે છે અને વાવણી પછી ત્રણથી ચાર વર્ષમાં ઉત્પાદન શરૂ કરે છે. શૂકી, કાચી અને લીલી હોય ત્યારે તેની જાન્યુઆરીમાં લણણી કરવામાં આવે છે. આ તબક્કે તેઓ સૌથી વધુ તીખાશ ધરાવે છે. તેઓ ભૂખરી બને ત્યારે તેમને સૂર્યના તાપમાં તપાવવામાં આવે છે. પહેલા વર્ષે તેનું ઉત્પાદન 560 કિગ્રા./હેક્ટર જેટલું અને ત્રીજા વર્ષે વધીને 1680 કિગ્રા./હેક્ટર જેટલું થાય છે. ત્રીજા વર્ષ પછી તેનું ઉત્પાદન ઘટી જાય છે. તેથી તેમને કાઢી નાખીને નવેસરથી વાવણી કરવામાં આવે છે.
લીંડીપીપરમાં પાઇપરિન (4 %થી 5 %) અને પાઇપ્લર્ટિન અને બે પ્રવાહી આલ્કેલૉઇડ મળી આવ્યાં છે; તે પૈકી એકને આલ્કેલૉઇડ ‘એ’ તરીકે ઓળખાવાયું છે. તે પેલીટોરિન સાથે ગાઢ રીતે સંબંધિત છે, જે લાળરસના સ્રાવ અને મોંના શ્લેષ્મસ્તરમાં ચમચમાટવાળી ઉત્તેજના માટે જવાબદાર છે. આલ્કેલૉઇડ ‘એ’ Mycobacterium tuberculosis H-37 Rv પ્રભેદ સામે ક્ષયરોધી સક્રિયતા દાખવે છે. તે 20 માઇક્રોગ્રામ/મિલી.ની સાંદ્રતાએ આ બૅક્ટેરિયાની વૃદ્ધિ અવરોધે છે. સિસમિન (C20H18O6), ડિહાઇડ્રોસ્ટીગ્મેસ્ટૅરોલ અને પાઇપ્લેસ્ટૅરોલ નામના સ્ટૅરોલ લીંડીપીપરમાંથી પ્રાપ્ત થયા છે.
લીંડીપીપરના સૂકા ફળના બાષ્પનિસ્યંદનથી મરી અને આદુંના તેલની મસાલાયુક્ત સુગંધ સાથે સામ્ય ધરાવતું 0.7 % જેટલું બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. તેલમાં એન-હેક્ઝાડેકેન 0.7 %, એન-હેપ્ટાડેકેન 6.0 %, એન-ઑક્ટાડેકેન 5.3 %, એન-નોનાડેકેન 5.8 %, એન-એઇકોસેન 4.7 %, એન-હેનેઇકોસેન 2.5 %, યૂજિન 1.7 %, ટર્પિનોલિન 1.3 %, ઝીંજીબરિન 7.0 %, પી-સાયમિન 1.3 %, પી-મિથૉક્સિ એસિટોફેનોન અતિ અલ્પ, ડાઇહાઇડ્રોકાર્વિયોલ 4.3 %, ફિનિથાઇલ આલ્કોહૉલ 2.1 % અને બે મૉનોસાઇક્લિક સેસ્ક્વિટર્પિનો હોય છે.
લીંડીપીપરનો ઉપયોગ મરીમસાલા તરીકે અને અથાણાંઓમાં તેમજ અન્ય પરિરક્ષિત ખાદ્ય પદાર્થોની બનાવટોમાં થાય છે. તે મરી જેવો તીખો સ્વાદ ધરાવે છે.
ફળ ઉપરાંત, મૂળ અને પ્રકાંડના જાડા ભાગો કાપી અને સૂકવવામાં આવે છે; જેને પીપરીમૂળ કે ગંઠોડા કહે છે. આંધ્રપ્રદેશના વિશાખાપટણમ્ જિલ્લાના કેટલાક પહાડી વિસ્તારોમાં પીપરીમૂળ ઉગાડવામાં આવે છે. તેની વાવણી નાના પ્લૉટોમાં બહુવર્ષાયુ તરીકે કરવામાં આવે છે. તેનાં મૂળ 10થી 30 વર્ષ સુધી એકત્રિત કરી શકાય છે. વાવણી પછી પહેલી લણણી 18 માસે કરવામાં આવે છે. જમીનની નજીકના પ્રકાંડ કાપીને અને મૂળને ખોદીને સાફ કરી એક દિવસ માટે છાંયડામાં તેમનો ઢગલો કરી રાખવામાં આવે છે. ત્યાર પછી 2.5 સેમી.થી 5.0 સેમી. લાંબા ટુકડા કરી કોટિનિર્ધારણ (grading) કરવામાં આવે છે અને તેનું કોથળીઓમાં સંવેષ્ટન (packing) કરવામાં આવે છે. તેનું સરેરાશ-ઉત્પાદન 500 કિગ્રા./હેક્ટર થાય છે.
પીપરીમૂળના ત્રણ ક્રમ આપવામાં આવ્યા છે. ગ્રેડ-I જાડાં મૂળ અને ભૂમિગત પ્રકાંડ ધરાવે છે અને તેની કિંમત ગ્રેડ-II અને ગ્રેડ-III કરતાં ઊંચી હોય છે. ગ્રેડ-II અને III પાતળાં મૂળ, પ્રકાંડ કે તૂટી ગયેલા ટુકડાઓ ધરાવે છે. વ્યાપારિક ઔષધ તરીકે વપરાતા ટુકડાઓની લંબાઈ 5 મિમી.થી 25 મિમી. અને વ્યાસ 2 મિમી.થી 7 મિમી. જેટલો હોય છે. આ ટુકડાઓ નળાકાર, સીધા કે સહેજ વાંકા હોય છે. કેટલાકમાં ફૂલેલી ગાંઠો જોવા મળે છે. તેની સપાટીનો રંગ આછો બદામી હોય છે. પીપરીમૂળની વિશિષ્ટ સુગંધી હોય છે અને ખૂબ તીખો સ્વાદ હોય છે. જેથી જીભ ઉપર લાગણીશૂન્યતા ઉત્પન્ન થાય છે. તે પાઇપરિન (0.15 %થી 0.18 %), પાઇપ્લર્ટિન (0.13 %થી 0.20 %) અને એક પીળા રંગનું સ્ફટિકમય તીખું આલ્કેલૉઇડ ધરાવે છે. ઔષધના અન્ય ઘટકોમાં ટ્રાઇએકોન્ટેન, ડાઇહાઇડ્રૉસ્ટીગ્મોસ્ટૅરોલ, અપચાયક શર્કરાઓ અને ગ્લાયકોસાઇડોનો સમાવેશ થાય છે. પાઇપ્લર્ટિન સાથે સામ્ય દર્શાવતું પાઇપરલૉન્ગુમિન (C17H19O5N), પાઇપરલૉન્ગુમિનિન (C16H19O3N) અને પાઇપરોલેક્ટમ ‘સી’ નામનાં નવાં આલ્કેલૉઇડોનું અલગીકરણ કરવામાં આવ્યું છે.
પાઇપરિન (25.0થી 100 μm) γ-ગ્લુટેમિલ ટ્રાન્સપેપ્ટિડેઝ નામના ઉત્સેચકની સક્રિયતામાં વધારો કરે છે. તે લ્યુસિન, આઇસોલ્યુસિન અને વેલાઇનના શોષણની પ્રક્રિયા અને ઉંદરના મધ્યાંત્ર(jejunum)ના તાજા અલગ કરેલા અધિચ્છદીય કોષોમાં લિપિડ પૅરૉક્સિડેશનની પ્રક્રિયાને ઉત્તેજે છે. તેથી આંતરડામાં કોષોની પારગમ્યતામાં વધારો થાય છે.
P. retrofractumમાં પાઇપરિન, પાઇપર્નોનેલિન અને ગ્વિનિન્સીન ઉપરાંત, પાઇપરોક્ટેડેકાલીડિન અને પાઇપરીકોસેલીડિન નામનાં બે નવાં પાઇપરિડિન આલ્કેલૉઇડો મળી આવ્યાં છે.
લીંડીપીપર અને પીપરીમૂળ અનેક ઔષધીય ઉપયોગો ધરાવે છે. તેઓ કફ, શ્વસનીશોથ (bronchitis) અને દમ જેવા શ્વસનના રોગોમાં અને પ્રત્યુત્તેજક (counter-irritant) અને પીડાહારી (analgesic) તરીકે ઉપયોગી છે. સ્નાયુઓના દુખાવાઓ અને શોથ ઉપર લગાડવામાં આવે છે. મૂર્છા અને સુસ્તી(drowsiness)માં છીંકણી તરીકે અને વાતહર (carminative) તરીકે, અનિદ્રા (insomnia) અને વાઇ(epilepsy)માં શામક (sedative) તરીકે તે ઉપયોગી છે. તે બલ્ય અને રક્તવર્ધક (haematinic) છે, તેમજ પિત્તાશય અને પિત્તનળીના અવરોધ સામે પિત્તવર્ધી (cholagogue) તરીકે વપરાય છે. તેનો આર્તવજનક (emmenagogue) અને ગર્ભપાતી (abortifacient) તરીકે તેમજ કૃમિઘ્ન (anthelmintic) તરીકે ઉપયોગ થાય છે. તે મરડામાં અને કુષ્ઠ (leprosy) રોગમાં ઉપયોગી છે.
શુષ્ક ફળોના આલ્કોહૉલીય નિષ્કર્ષ અને પર્ણોના જલીય નિષ્કર્ષ micrococcus pyogenes var. aureus અને Escherichia coli સામે તે સક્રિયતા દર્શાવે છે. ફળનો ઈથર-નિષ્કર્ષ ઇયળનાશક (larvicidal) ગુણધર્મ ધરાવે છે.
છોટા નાગપુરમાં ઓખામાંથી બનાવાતા બિયરના આથવણમાં તે વપરાય છે. આંદામાનના ટાપુઓમાં તેનાં પાન નાગરવેલના પાનની જેમ ઉપયોગમાં લેવાય છે.
આયુર્વેદ અનુસાર લીંડીપીપર સ્નિગ્ધ, ઉષ્ણ, વૃષ્ય, તીખી, કડવી, અગ્નિદીપન, રસાયન, ભેદક, લઘુ, હૃદયને પ્રિય, પચનકારક, પિત્તહર્ત્રી તથા તીક્ષ્ણ છે અને વાત, દમ, ઉધરસ, કફ, ક્ષય, તાવ, અરુચિ, કોઢ, ગુલ્મ, મૂળ વ્યાધિ, પ્રમેહ, બરોળ, ઉદરરોગ, ત્રિદોષ, તૃષા, આમાંશ, કૃમિ, અજીર્ણ, પાંડુરોગ, કમળો અને શૂળની નાશક છે. તે તાજી હોય ત્યારે સ્નિગ્ધ, શીત કરનાર, મધુર, ગુરુ, કફકર અને પિત્તનાશક છે. સિંહલી પીપર તીખી, ઉષ્ણ, અગ્નિદીપક અને કોષ્ઠશુદ્ધિકારક છે તથા કૃમિ, કફ, વાત અને શ્ર્વાસનો નાશ કરનાર છે. વાનર પીપર કડવી, તૂરી અને મીઠી છે અને મૂત્રકૃચ્છ્ર, અશ્મરી, વિસ્ફોટક તથા યોનિશૂળનો નાશ કરે છે. રાન પીપર ઉષ્ણ, તીક્ષ્ણ, રુચિકર અને દીપન છે. તે લીલી હોય ત્યારે વધારે ગુણવાળી હોય છે. સૂકી અલ્પગુણી અને અતિ તીક્ષ્ણ હોય છે. પીપરીમૂળ અગ્નિદીપન, રુચિકર, પિત્તલ, પાચક, રુક્ષ, ભેદક, તીક્ષ્ણ, તીખાં, ઉષ્ણ અને લઘુ છે. તેઓ આમ, પ્લીહા, શૂળ, ગુલ્મ, ઉદરરોગ, વાયુ, કફ, દમ, ઉધરસ, આનાહ, કૃમિ, ક્ષય, કફોદર અને વાતોદરનો નાશ કરે છે.
સર્વ વાતવિકાર અને શ્વાસકાસ ઉપર ચૌષષ્ઠી પીપર આપવામાં આવે છે. અપસ્માર અને વાયુગોળા ઉપર લીંડીપીપર બે ભાગ, મરી ત્રણ ભાગ અને સિંધવ એક ભાગ લઈ તેની ભૂકી કરીને છાશના પાણીમાં આપવામાં આવે છે. પીપરનું ચૂર્ણ કરી ગોળ સાથે ખાવાથી અરુચિ, હૃદયરોગ, શ્વાસ, કાસ, ક્ષય, કમળો, અગ્નિમાંદ્ય, પાંડુરોગ, સાધારણ મૃગી અને જીર્ણ જ્વરનો નાશ થાય છે. તેનું ચૂર્ણ મધ સાથે લેવાથી તે મેદ, કફ, શ્વાસ, કાસ, જ્વર, પાંડુ રોગ અને પ્લીહાનો નાશ કરે છે. અનિદ્રા ઉપર પીપરીમૂળનું ચૂર્ણ ગોળ સાથે આપવામાં આવે છે. સ્તનમાં ધાવણ વધારવા ગરમ કરેલા દૂધમાં પીપરીમૂળનું ચૂર્ણ અને મરી નાખી પિવડાવવામાં આવે છે. ઊલટી, કાસ, શ્વાસ અને હેડકી ઉપર લીંડીપીપરનું ચૂર્ણ અને મોરનાં પીંછાંની રાખ મધમાં કાલવી વારંવાર ચટાડવામાં આવે છે. આમાતિસારમાં શૂળ થાય તો લીંડીપીપર અને હરડેનું ચૂર્ણ ગરમ પાણી સાથે આપવામાં આવે છે. રતાંધળાપણા ઉપર લીંડીપીપર ગોમૂત્રમાં ઘસી તેનું અંજન કરવામાં આવે છે. તે વ્યક્તિને અગથિયાની ભાજી દરરોજ આપવામાં આવે છે. બરોળ ઉપર લીંડીપીપર અને મધ નાખી છાશ પિવડાવાય છે. સર્વ ઉદરરોગ ઉપર ગોમૂત્રની કે થોરિયાના દૂધની ભાવનાઓ આપેલી લીંડીપીપર ખવરાવાય છે. ગાયનું દૂધ 50 ગ્રા., પાણી 200 ગ્રા. અને લીંડીપીપર 3થી 4 એકત્રિત કરી કલાઈ કરેલા વાસણમાં કઢવી, પાણી બળી જાય એટલે તેમાં લીંડીપીપર (વર્ધમાન પીપર) ચાવી તેના ઉપર દૂધ પિવડાવવાથી જીર્ણજ્વર શ્વાસ, કાસ, પાંડુ, ગુલ્મ, અર્શ, પ્રમેહ, પ્લીહોદર, ઉદરરોગ, અગ્નિમાંદ્ય અને વાતરોગ દૂર થાય છે.
લીંડીપીપર અન્ન પચતું ન હોય તે ઉપર, વમન થવા માટે, આમશૂળ, બાળકના તાવ, ઉધરસ, અતિસાર અને ઊલટી ઉપર, ઉદાવર્ત, સર્વ પ્રકારના શિરોરોગ, ધાતુગત જ્વર, ધાતુક્ષય વગેરે ઉપર ઉપયોગી હોય છે. રક્તપિત્તમાં સાત દિવસ સુધી પીપરના ચૂર્ણને અરડૂસીના રસની ભાવના આપી આ ચૂર્ણ મધ સાથે ચાટવાથી રક્તપિત્ત મટે છે. કમળામાં વાવડિંગ અને પીપરનું નસ્ય લેવામાં આવે છે અને અંજન કરવામાં આવે છે. ખારી પીપર દ્વારા અજીર્ણવિકાર મટે છે અને મોંમાં રુચિ આવે છે. પીપરીમૂળ ઠંડા પાણીમાં ઘસી ખવડાવવાથી વાળો મટે છે. લીંડીપીપર અને સૂંઠ લગભગ બસો બસો ગ્રામ, સરસિયું 1.8 કિગ્રા., દહીં 1.8 કિગ્રા., છાશ 14.4 કિગ્રા. લઈ વિધિ પ્રમાણે બનતા તેલને અષ્ટકલર તૈલ કહે છે, જે ચોળવાથી ગૃધ્રસી અને સાથળ ઝલાઈ જવાનો વાયુવિકાર દૂર થાય છે.
લીંડીપીપરમાંથી બનતાં પ્રસિદ્ધ ઔષધોમાં પિપ્પલી-રસાયન કલ્પ, પિપ્પલ્યાસવ, પિપલ્યાદિ લોહ, 64 પ્રહરી પીપરચૂર્ણ, પિપ્પલ્યાદિ લેહન, પિપલ્યાદિ તેલ અને ઘૃતનો સમાવેશ થાય છે.
ભાલચન્દ્ર હાથી
બળદેવભાઈ પટેલ