લીંબડી : સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 15´ થી 23° 00´ ઉ. અ. તથા 71° 30´ થી 72° 15´ પૂ.રે. વચ્ચેનો 1,713 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામથક લીંબડી તાલુકાના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલું છે. તાલુકામાં 101 (3 વસ્તીવિહીન) ગામો આવેલાં છે.

લીંબડી તાલુકાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ લગભગ સમતળ અને નીચાણવાળું છે. ભાલકાંઠાની જમીન કાળી છે, ત્યાં ઘઉં અને કપાસનું વાવેતર થાય છે. નળકાંઠાની જમીન ઓછી ફળદ્રૂપ છે. સમગ્ર તાલુકા પૈકી નળકાંઠો વધુ નીચાણવાળો છે. તાલુકાનાં સમઢિયાળા, મોરવાડ, લીંબડી, ખંભલાવ, સોરાણિયા, પાણશીણા અને હડાળામાં થઈ પસાર થતી લીંબડી-ભોગાવો નદી ભાલપ્રદેશના નીચાણવાળા ભાગમાં ફેલાઈ જાય છે. સુકભાદર નદી પણ ગામડાંઓમાં થઈને ભાલમાં ફેલાઈ જાય છે. આ ઉપરાંત વઢવાણ-ભોગાવો અને વસાઈ જેવી નદીઓ પણ અહીં થઈને વહે છે.

ઉનાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક તાપમાન 41° સે. અને 26° સે. જેટલાં રહે છે, ઉનાળામાં મે માસ દરમિયાન ક્યારેક 45°–46´ સે. સુધી પણ પહોંચે છે. શિયાળામાં જાન્યુઆરી માસના સરેરાશ મહત્તમ અને લઘુતમ તાપમાન 28° સે. અને 13° સે. જેટલાં રહે છે, ક્યારેક લઘુતમ તાપમાન 5° સે. સુધી પણ પહોંચી જાય છે. વરસાદનું સરેરાશ પ્રમાણ 650થી 700 મિમી. જેટલું રહે છે. નળકાંઠા અને ભાલકાંઠાનો પ્રદેશ ચોમાસામાં પાણી ભરાઈ જવાથી જળબંબાકાર બની રહેલો દેખાય છે તથા ત્યાંનાં ગામડાં બેટ જેવાં બની જાય છે.

લીંબડી તાલુકાનાં ગામોમાં પાદરે અને ખેતરોને શેઢે વડ, પીપર, પીપળો, ખીજડો તથા બાવળ અને ગાંડી બાવળનાં વૃક્ષો છૂટાંછવાયાં જોવા મળે છે. તાલુકામાં જંગલવિસ્તાર નથી. તાલુકાની આશરે 1,20,000 હેક્ટર જમીન વાવેતર માટે તથા 4,700 હેક્ટર જમીન ચરિયાણ માટે ઉપયોગમાં લેવાય છે. ખાદ્ય કૃષિપાકોમાં ઘઉં, જુવાર, બાજરી અને કઠોળ તથા અખાદ્ય પાકોમાં કપાસ અને ઘાસચારો થાય છે. અહીં ખેતીની સિંચાઈનો મુખ્ય સ્રોત કૂવાઓ છે.

અહીંનાં પાલતુ પશુઓમાં ગીર ઓલાદની ગાયો, જાફરાબાદી ભેંસો તથા ઘેટાંબકરાં, ઘોડા, ઊંટ અને ગધેડાંનો સમાવેશ થાય છે.

2001ની વસ્તીગણતરી મુજબ આ તાલુકાની વસ્તી 1,57,958 જેટલી છે. તે પૈકી સ્ત્રી-પુરુષોનું સંખ્યાપ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું સંખ્યા પ્રમાણ અનુક્રમે 85 % અને 15 % જેટલું છે. તાલુકામાં સાક્ષરતાનું પ્રમાણ 47 % જેટલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. તાલુકામાં જોવા મળતી ઔદ્યોગિક વસાહતો મુખ્યત્વે લીંબડીમાં કેન્દ્રિત થયેલી છે. તાલુકામાં સાત સ્થળોએ વાણિજ્ય બૅંકો અને બે સ્થળે સહકારી બૅંકોની સગવડ છે. અહીં આશરે 400 કિમી.ના પાકા માર્ગો અને 40 કિમી.ના કાચા માર્ગો છે. મધ્યમ માપની (મીટરગેજ) રેલવે પર તાલુકામાં લીંબડી, વેજલડા, ચુડા અને હડાળા રેલમથકો આવેલાં છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા, વિનયન-વાણિજ્ય કૉલેજ, સંસ્કૃત પાઠશાળા, અધ્યાપન મંદિર, પ્રૌઢ શિક્ષણકેન્દ્રો તથા વાચનાલયો અને પુસ્તકાલયોની શ્રેષ્ઠ સગવડ છે.

લીંબડી (નગર) : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 34´ ઉ. અ. અને 71° 49´ પૂ. રે. પર, વઢવાણથી અગ્નિખૂણે 22 કિમી.ને અંતરે, લીંબડી-ભોગાવો નદીને ઉત્તર કાંઠે વસેલું છે. તેની વસ્તી 40,067 (2001) છે. સ્ત્રી-પુરુષોનું સંખ્યાપ્રમાણ લગભગ સમાન છે. સાક્ષરતાનું પ્રમાણ 60 % છે. લીંબડી તાલુકામાંનું કોઈ પણ ગામ પ્રાથમિક શિક્ષણ વિનાનું નથી. અહીં બે બાલમંદિરો, 15 પ્રાથમિક, 3 માધ્યમિક શાળાઓ, 4 કન્યાશાળાઓ, પ્રાથમિક શિક્ષકો માટેનું અધ્યાપન મંદિર, વિનયન-વાણિજ્ય કૉલેજ, 2 પુસ્તકાલયો, 1 મદરેસા, જૈન પ્રાચીન પુસ્તકભંડાર, જૈન, રાજપૂત, બ્રાહ્મણ અને પછાતવર્ગનાં છાત્રાલયો આવેલાં છે.

લીંબડીમાં 1958માં સહકારીક્ષેત્રે 25,000 ત્રાકો ધરાવતી કાંતણ-વણાટ મિલની સ્થાપના થયેલી. અહીં જિન-પ્રેસ, છીંકણી અને તાંબા-પિતળનાં વાસણોના ગૃહઉદ્યોગ આવેલા છે. અહીં ધાબળાનું વણાટકામ વણકરો કરે છે. નગરમાં વાણિજ્ય બૅંકો તથા સહકારી બૅંકોની શાખાઓ આવેલી છે.

શહેરમાં ગાંધીસ્મૃતિ મંદિર, ટાવર-બંગલો, જગદીશ આશ્રમ, ફૂલનાથ મહાદેવ જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે.

ભૂતકાળમાં લીંબડી ધોલેરા બંદર પુરાઈ ગયા પહેલાં અને ભાવનગર-વઢવાણ-વિરમગામ રેલવેની શરૂઆત થઈ તે અગાઉ ગુજરાત અને સૌરાષ્ટ્રનું વેપારનું મથક હતું. ગુજરાત, ખાનદેશ અને રાજસ્થાનનું રૂ અને અનાજ અહીં વેચાણ અને નિકાસ માટે આપવામાં આવતાં હતાં. લીંબડીના વેપારીઓની પેઢીઓની મુંબઈ, અમદાવાદ, કોલકાતા, કરાંચી અને રંગૂન ખાતે શાખાઓ હતી.

ઇતિહાસ : સૌરાષ્ટ્રમાં આવેલું 2જા વર્ગનું દેશી રાજ્ય. પહેલા અને બીજા વર્ગનાં રાજ્યોને અંગ્રેજ સરકાર તરફથી સલામી રાજ્યોનો દરજ્જો આપવામાં આવ્યો હતો એટલે એનો રાજા જ્યારે ગવર્નર કે ગવર્નર જનરલની મુલાકાત લેવા જાય ત્યારે એને નક્કી કરેલી તોપોની સલામી આપવામાં આવતી. લીંબડી રાજ્યના રાજાને 9 તોપોની સલામી આપવામાં આવતી હતી.

પાટડીના ઝાલા રાજવંશના સ્થાપક હરપાલદેવના બીજા પુત્ર માંગૂજી ઝાલાને ઈ. સ. 1130માં જાંબુની ચોરાશી વારસામાં મળતાં લીંબડી રાજ્યની સ્થાપના થઈ. ‘ચોરાશી’ એટલે 84 ગામોનો સમૂહ. પરંતુ એનાથી થોડાં વધારે કે ઓછાં ગામો હોય તોપણ એ વિસ્તાર ‘ચોરાશી’ તરીકે ઓળખાતો. આજના લગભગ એક તાલુકા જેટલો એનો વિસ્તાર ગણાય. 1130 થી 1593 સુધી જાંબુ ગામ(તા. લીંબડી)માં રાજધાની રહી. વચ્ચે થોડો સમય ધામળેજ (વેરાવળ પાસે) અને કોઠી-કુંદણી (જસદણ પાસે) રાજ્યનું મુખ્ય મથક રહ્યું. કુંદણીના ખેતોજી 2જા(1462–1486)ની કેસરબા સાથેની પ્રણયકથા લોકકથા તરીકે પ્રસિદ્ધ છે. આશકરણજી 2જા(1593–1625)ના સમયમાં રાજધાની જાંબુથી શિયાણી ગામ(તા. લીંબડી)માં લાવવામાં આવી.

અદાજી 2જાના પુત્ર વેરાજી 2જાએ (1728–1737) ઈ. સ. 1728માં રાજધાની શિયાણીથી લીંબડીમાં ફેરવી. વેરાજી 2જાના પુત્ર હરભમજી 1લા (1737–1786) શૂરવીર રાજવી હતા. તેમણે લડાઈઓ કરીને અને ગામો ગીરવે રાખીને લીંબડી રાજ્યનો વિસ્તાર કર્યો. હરભમજી 1લા પછી ગાદીએ આવેલા હરિસિંહજી (1786–1825) પણ પરાક્રમી રાજવી હતા. એમના સમયમાં 1807માં ર્ક્ધાલ ઍલેક્ઝાન્ડર વૉકર સાથે કાયમી ખંડણીના અને સુલેહશાંતિ જાળવવાના કરાર થયા. હરિસિંહજી પછી અનુક્રમે ભોજરાજજી 4થા (1825–1837), હરભમજી 2જા (1838–1856), ફતેસિંહજી (1856–1862), જશવંતસિંહજી (1862–1907), દોલતસિંહજી (1908–1940), દિગ્વિજયસિંહજી (1940–1941) અને છત્રસાલજીએ (1941–1948) લીંબડી રાજ્યની ગાદી ભોગવી. 16મી માર્ચ 1948ના રોજ લીંબડી રાજ્યનું સૌરાષ્ટ્ર રાજ્યમાં વિલીનીકરણ થયું.

ઈસુની અઢારમી સદીમાં પેશ્વા અને ગાયકવાડનાં લશ્કરો ‘જમાબંદી’ ઉઘરાવવા લીંબડી રાજ્ય પર આક્રમણ કરતાં. જૂનાગઢ રાજ્યનું લશ્કર ‘જોરતલબી’ ઉઘરાવવા આવતું. મધ્ય સૌરાષ્ટ્રના કાઠીઓ અને બજાણાના જત લોકો લૂંટફાટ કરવા આવતા. વઢવાણ પડોશી રાજ્ય હોવાને લીધે એની સાથે પણ નાની લડાઈઓ થતી. 1807માં કર્નલ વૉકર સાથે કરાર થતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આંતરિક લડાઈઓ બંધ થઈ. દર વર્ષે નિયમિતપણે ગાયકવાડની વડોદરાની તિજોરીમાં નક્કી કરેલી ખંડણી ભરવાની શરૂઆત થઈ.

દેશી રાજ્યો પાસે આંતરિક વહીવટની સત્તા હતી. પરંતુ બાહ્ય સત્તા અંગ્રેજ સરકારની હતી. અંગ્રેજી શિક્ષણ અને વ્યવસ્થિત વહીવટની શરૂઆત થઈ. પ્રજાએ શાંતિ અને સલામતીનો અનુભવ કર્યો. લીંબડી રાજ્યને આધુનિક બનાવી એનો વિકાસ કરવામાં ઠાકોર જશવંતસિંહજી (1862–1907) અને ઠાકોર દોલતસિંહજી(1908–1940)નો મહત્વનો ફાળો હતો. શિક્ષણ, આરોગ્ય, વેપાર અને રમતગમતની સગવડોમાં વધારો થયો. ઈ. સ. 1880માં ભાવનગર–વઢવાણ રેલવે થતાં લીંબડી તે રેલવે સાથે જોડાયું. એ પહેલાં એનો વેપાર ધોલેરા બંદર મારફતે ચાલતો. 1908માં લીંબડી રાજ્યનો વિસ્તાર લગભગ 891 ચોકિમી. હતો અને એમાં 48 ગામોનો સમાવેશ થતો હતો. એ ઉપરાંત, બરવાળા–ખડોલ પરગણાનાં 34 ગામો ઉપર લીંબડી રાજ્યની માત્ર મહેસૂલી સત્તા હતી જ્યારે ફોજદારી સત્તા અંગ્રેજ સરકારની હતી. લીંબડી રાજ્યના રાજાનો ‘ઠાકોરસાહેબ’ અને રાજ્યના મુખ્ય વહીવટી અધિકારીનો ‘દીવાન’ અથવા ‘મુખ્ય કારભારી’ વિધિસરનો હોદ્દો હતો. રાજ્ય તરફથી ‘લીંબડી દરબારી ગૅઝેટ’ પ્રસિદ્ધ થતું હતું.

આઝાદીની રાષ્ટ્રીય ચળવળની અસર દેશી રાજ્યો પર પડી હતી. લીંબડી રાજ્યમાં નાગરિક અધિકારો અને આઝાદી માટેની લડત થઈ હતી. 1930ના ધોલેરા સત્યાગ્રહમાં લીંબડી રાજ્યના ઘણા સ્વાતંત્ર્યસેનાનીઓએ ભાગ લીધો હતો. 1939 થી 1943 સુધી ચાલેલો લીંબડી સત્યાગ્રહ પ્રસિદ્ધ છે. જાણીતા સ્વાતંત્ર્યસેનાનીઓ સરદારસિંહ રાણા, સ્વામી આનંદ, અમૃતલાલ શેઠ, મણિલાલ કોઠારી, ચિમનલાલ ચકુભાઈ શાહ, રસિકલાલ ઉમેદચંદ પરીખ વગેરે લીંબડી રાજ્યના વતની હતા. અમદાવાદમાં 1946માં કોમી હુલ્લડમાં શહીદ થનાર રજબઅલી લાખાણી લીંબડીના વતની હતા. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંનેએ લીંબડીની મુલાકાત લીધી હતી. આમ, આઝાદીની ચળવળમાં લીંબડીનું પ્રદાન નોંધપાત્ર હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી

શિવપ્રસાદ રાજગોર