લિસ્ટન, સૉની (જ. 8 મે 1932, સેંટ ફ્રાન્સિસ, અરકૅનસસ, યુ.એસ.; અ. 30 ડિસેમ્બર 1970, લાસ વેગાસ; નેવાડા) : અમેરિકાના મુક્કાબાજ. અગાઉ થઈ ગયેલા કરતાં એક સૌથી ભયાવહ હેવી વેટ ચૅમ્પિયન. તેમની રીતભાત કઠોર અને નિર્દય હતી, તેમજ આંખો બિહામણી હતી. કિશોરાવસ્થામાં પોલીસ-કાર્યવહીનો પણ ઘણી વાર તેઓ ભોગ બન્યા હતા. તેમની વ્યવસાયી કારકિર્દીનાં પ્રારંભિક વર્ષોમાં હેવી વેટ ચૅમ્પિયનો તેમની સાથે મુક્કાબાજીમાં ઊતરવાનું ટાળતા. 1962માં 30 વર્ષની વયે છેવટે તેમને તક મળી. પ્રથમ રાઉન્ડમાં જ તેમણે ક્લૉઇડ પૅટર્સનને ‘નૉકઆઉટ’થી હરાવ્યા; એક વર્ષ પછીની આની વળતી (return) સ્પર્ધામાં પણ ‘નૉકઆઉટ’થી પૅટર્સનને હરાવ્યા. 1964માં કૅસિયસ ક્લૅ સામેની સ્પર્ધામાં રમતના જુગારીઓએ તેમની જીત પર જોરદાર જુગાર ખેલ્યો હતો, પણ ક્લૅ (પાછળથી અલી નામે ઓળખાયા)ની જીત થઈ, કારણ કે સાતમા રાઉન્ડ માટે લિસ્ટન ઊભા થઈ શક્યા ન હતા. આ મૅચની વળતી મૅચ પણ લિસ્ટન શંકાસ્પદ સંજોગોમાં હારી ગયા. એવું પણ મનાયું હતું કે એ સ્પર્ધા અગાઉથી નિશ્ચિત (fix) થઈ ચૂકી હતી. 1969 સુધી તેઓ મુક્કાબાજી ખેલતા રહ્યા. 1970માં તેમનું અત્યંત રહસ્યમય સંજોગોમાં અવસાન થયું. 6 દિવસ સુધી તેમનું શબ ખોળી શકાયું ન હતું.
કારકિર્દી-આલેખ : લડ્યા 50, હાર્યા 4, અનિર્ણીત શૂન્ય.
મહેશ ચોકસી