લિસિસ્ટ્રાટા (ઈ. પૂ. 411) : મહાન ગ્રીક નાટ્યકાર ઍરિસ્ટોફેનિસ કૃત, જૂની કૉમેડી(old comedy)ના ઉત્તમ નમૂનારૂપ ઉત્કૃષ્ટ પ્રહસન, જેને વિવેચકો ‘સૌથી વધુ લોકપ્રિય અને સશક્ત એવી ગ્રીક કૉમેડી’ તરીકે ઓળખાવે છે. ઍરિસ્ટોફેનિસના પેલોપોનીશિયન યુદ્ધવિરોધી પ્રહસનોમાં નોખું સ્થાન ધરાવતા આ નાટકમાં ઍથેન્સ અને સ્પાર્ટા વચ્ચે છેલ્લાં વીસ વીસ વર્ષથી ચાલી રહેલા યુદ્ધથી ત્રસ્ત અને ગ્રીસ દેશના ભાવિથી ચિંતિત લિસિસ્ટ્રાટા ઍથેન્સના એક મૅજિસ્ટ્રેટની પત્ની – સમગ્ર દેશમાંથી સ્ત્રીઓને એકઠી કરી પુરુષો યુદ્ધ બંધ ન કરે ત્યાં સુધી પુરુષ સાથે સહશયનનો ત્યાગ કરવાનું એલાન આપે છે. વૃદ્ધ સ્ત્રીઓનું કોરસ, એથીનિયન રાષ્ટ્રીય ભાવનાના કેન્દ્રરૂપ એવું મંદિર, એક્રૉપોલિસ કે જ્યાં ઍથેન્સનો કોશાગાર પણ છે, તેના ઉપર કબજો જમાવે છે અને પ્રતિસ્પર્ધી એવા વૃદ્ધ પુરુષોના કોરસને મા’ત કરે છે. વૃદ્ધ પુરુષો મદદ માટે ચીસો પાડે છે, ત્યાં એક બૂઢો મૅજિસ્ટ્રેટ પોલીસ સાથે પ્રવેશી રાજકોશ ઉપર અધિકાર જમાવીને બેઠેલા સ્ત્રીવૃન્દને પડકારે છે. અહીં લિસિસ્ટ્રાટા અને મૅજિસ્ટ્રેટ વચ્ચે જામતું વાગ્યુદ્ધ પુરુષોના યુદ્ધખોર માનસ ઉપરના તીખા વ્યંગ્ય અને દાહક કટાક્ષને લીધે સમગ્ર પ્રહસનનો ઉત્તમ અંશ બની રહે છે. સ્ત્રીના અધિકારોનો ખુમારીપૂર્વક બચાવ કરતી અને યુદ્ધ તેમજ રાજકારણ સાથેની સ્ત્રીઓની નિસબતને વાજબી ઠેરવતી લિસિસ્ટ્રાટાના તેજસ્વી વ્યક્તિત્વને ઉત્તમ રીતે ઉપસાવનાર, માનવમનના ઊંડા અભ્યાસી એવા ઍરિસ્ટોફેનિસ અહીં સ્ત્રીઓની સ્વભાવગત જાતીય નબળાઈ પણ ખૂબીપૂર્વક નિરૂપે છે. પુરુષના સહવાસ માટે ઝૂરતી કેટલીક સ્ત્રીઓ એક યા બીજા બહાને સ્વગૃહે પાછી ફરવા મથે છે, પણ લિસિસ્ટ્રાટાની નારીસેનાની કૅપ્ટન એવી મિરહાઇન કામાવેગથી વિવશ એવા તેના પતિની હડતાલ સમેટી લેવા માટેની કાકલૂદીભરી આજીજીઓનો જોરદાર પ્રતિકાર કરી, સહનશક્તિની હદ આવી જાય એ રીતે જૂઠી આશાઓ આપી, ટટળાવ્યાં કરે છે. આ સમગ્ર દૃશ્ય ઍરિસ્ટોફેનિસનાં પ્રહસનોમાં અનિવાર્યપણે આવતા દ્વિઅર્થી સંવાદ અને સ્ત્રીપુરુષ-યૌનસંબંધને નિરૂપતા ઉઘાડા અશ્લીલ નિર્દેશોનું પરિચાયક બની રહે છે. તે પછીના દૃશ્યમાં સ્પાર્ટાનો અગ્રદૂત પ્રવેશે છે અને એલાન કરે છે કે ત્યાંની સ્ત્રીઓએ પણ પુરુષ સાથેના જાતીય સંબંધનો, યુદ્ધનો અંત ન આવે ત્યાં સુધી ત્યાગ કર્યો છે અને તેમની આ હડતાળ સફળ નીવડી છે, સ્પાર્ટાના કામવિવશ બનેલા પુરુષો યુદ્ધ બંધ કરવા તત્પર બન્યા છે. ઍથેન્સ અને સ્પાર્ટાના રાજદૂતો એક થઈ લિસિસ્ટ્રાટાને સંધિ માટે વીનવે છે. લિસિસ્ટ્રાટા સ્ત્રીશક્તિનો અને બે રાષ્ટ્રો વચ્ચે શાંતિસ્થાપનાનો મહિમા કરે છે અને હર્ષોલ્લાસભર્યા નાચગાન સાથે પડદો પડે છે. ઍરિસ્ટોફેનિસનું આ યુદ્ધવિરોધી નાટક તેના વિશિષ્ટ કથાનક, લિસિસ્ટ્રાટા જેવા તેજસ્વી સ્ત્રીપાત્રના નિરૂપણ તથા કાવ્યતત્વ અને નર્મ-મર્મથી સભર સંવાદોને લીધે એક અવિસ્મરણીય પ્રહસન બની રહે છે. ભારતમાં દિલ્હી ખાતે જાણીતી નાટ્યસંસ્થા ‘અભિયાન’ના નેજા હેઠળ, વિખ્યાત દિગ્દર્શક રાજેન્દ્રનાથના નિર્દેશનમાં આ નાટકની હિન્દી પ્રસ્તુતિએ પણ આઠમા દશકમાં ધૂમ મચાવી હતી.

મહેશ ચંપકલાલ શાહ