લિયો–I (અ. 3 ફેબ્રુઆરી 474) : પૂર્વીય રોમન સમ્રાટ (શાસનકાળ ઈ. સ. 457થી 474). લિયો થ્રેસ રાજ્યનો હતો. તેની લશ્કરી કારકિર્દીના આરંભમાં તે જનરલ અસ્પારનો આશ્રિત હતો. કૉન્સ્ટૅન્ટિનોપલમાં પૂર્વીય સમ્રાટ તરીકે લિયોને 7 ફેબ્રુઆરી, 457ના રોજ જાહેર કરવામાં આવ્યો ત્યારે અસ્પારે તેનો ઉપયોગ પૂતળા-સમ્રાટ તરીકે કરવાની આશા સેવી હતી.

લિયો–I

તેણે પશ્ચિમી રોમન સમ્રાટ તરીકે મેજૉરિયનને માન્ય રાખ્યો હતો, પરંતુ તેના વારસને માન્ય રાખ્યો નહિ અને એન્થેમિયસને પશ્ચિમના સમ્રાટપદે બેસાડ્યો. ઈ. સ. 468માં તેણે એન્થેમિયસ સાથે ઉત્તર આફ્રિકામાં વેન્ડાલોની વિરુદ્ધમાં આક્રમણ કર્યું. તે માટે તેણે 1,113 વહાણો અને એક લાખનું લશ્કર ભેગું કર્યું હતું; પરંતુ તેણે તેના સાળા બેસિલિસ્કસને સેનાપતિપદ સોંપ્યું. ત્યાંના રાજા ગેસેરિકે તેને હરાવી રોમન નૌકાકાફલાનો વિનાશ કર્યો. આના પરિણામે રોમન તિજોરી લાંબા સમય સુધી ખાલી રહી. ધાર્મિક બાબતોમાં સમ્રાટ લિયો રૂઢિચુસ્ત હતો. તેના શાસનનાં શરૂઆતનાં થોડાં વરસ માટે રાજ્યની આંતરિક નીતિ ઉપર અસ્પારનો પ્રભાવ રહ્યો. જનરલ અસ્પારના અંકુશમાંથી મુક્ત થવા તેણે દક્ષિણ ઍનેટોલિયાના ઇઝોરિયનોના બળ ઉપર આધાર રાખ્યો. ઈ. સ. 471માં અસ્પારનું ખૂન થયા બાદ, લિયો સ્વતંત્ર સત્તા ભોગવી શક્યો. તેણે ઑક્ટોબર, 473માં પોતાના સાથી અને વારસદાર તરીકે તેના પૌત્ર લિયો–IIની નિમણૂક કરી હતી.

જયકુમાર ર. શુક્લ