લિયો (મહાન) (જ. ?, ટસ્કની, ઉત્તર ઇટાલી; અ. 10 નવેમ્બર 461, રોમ) : 440થી 461 સુધી પોપ. પોપની સર્વોચ્ચતાનો આગ્રહ સેવનાર ચર્ચના વડા. પોપના સર્વોપરીપણા હેઠળ પાશ્ર્ચાત્ય ચર્ચની એકતા તેમણે પ્રાપ્ત કરી હતી. પોપનું પદ સ્વીકાર્યા પછી તરત જ તેમણે પાખંડ દૂર કરવાના ઉપાયો કર્યા. તેમની સૌથી મહત્વની સિદ્ધિ સનાતની રીતને વિધેયાત્મક સ્વરૂપ આપવાની આવડત હતી. રૂઢિચુસ્ત ચર્ચના ધર્મશાસ્ત્રનું રક્ષણ કરવા વાસ્તે તેઓ પ્રખ્યાત છે. અગાઉના પોપ કરતાં તેઓ રોજિંદા કાર્યમાં વધુ સત્તા વાપરતા. ઇટાલી, ગૉલ, સ્પેન અને ઉત્તર આફ્રિકાના ધર્માધ્યક્ષો ઉપર તેમની સત્તા તથા અંકુશ વધારવા માટે તેમણે તેમનો ઘણો સમય વાપર્યો હતો. ઈ. સ. 451માં કાઉન્સિલ ઑવ્ ચાલ્સીડૉનમાં લિયોના કાર્ય દ્વારા જિસસ ક્રાઇસ્ટ વિશે પાયાના સિદ્ધાંતો જાહેર કરવામાં આવ્યા. હૂણોના રાજા અટિલાને ઈ. સ. 452માં રોમ ઉપર હુમલો ન કરવા સમજાવવા માટે, તેમના શાસનકાળ દરમિયાન લિયોને ઘણી પ્રતિષ્ઠા મળી. વૅન્ડાલ જાતિના સરદાર જેન્સેરિક સાથે પણ લિયોએ કરાર કરવાથી તેણે લશ્કર મર્યાદિત કર્યું. તેના પરિણામે 455માં રોમ પર થયેલા વૅન્ડાલોના હુમલાથી તેની વિનાશકતા સીમિત રહી હતી.
લિયોને પ્રભાવક લખાણ કરવાની કુદરતી દેન હતી. તેમણે 123 પ્રમાણભૂત પત્રો લખ્યા હતા અને 96 ધાર્મિક પ્રવચનો આપ્યાં હતાં. તેઓ આદ્ય ચિંતક ન હતા, પરંતુ અગાઉના પોપના વિચારો સરસ રીતે સમજાવી શકતા હતા. વળી તેમનામાં સંગઠન સાધવાની મહાન શક્તિ હતી.
જયકુમાર ર. શુક્લ