લિયોનાર્ડ, રે (જ. 17 મે 1956, વિલમિગ્રૉન, નૉર્થ કૅરોલિના, યુ.એસ.) : અમેરિકાના નામી મુક્કાબાજ. મૂળે તો તેઓ ગાયક થવાના હતા, પણ કુસ્તીબાજ બની ગયા. તેઓ 1974–75 દરમિયાન નૉર્થ અમેરિકાના ઍમેટર ચૅમ્પિયન અને એએયુ (AAU) ચૅમ્પિયન હતા. 1973–74 દરમિયાન તેઓ ગોલ્ડન ગ્લવ્ઝ ચૅમ્પિયન રહ્યા, 1975ની પૅન-અમેરિકન ગૅમ્સમાં તેઓ સુવર્ણચન્દ્રકના વિજેતા નીવડ્યા અને મૉન્ટ્રિયલના 1976ના ઑલિમ્પિક રમતોત્સવ ખાતે સહેલાઈથી સુવર્ણચન્દ્રક જીતી ગયા.

ઑલિમ્પિક પછી તેઓ વ્યવસાયી ખેલાડી બની રહ્યા અને સહસા તેઓ વેલ્ટરવેટના અગ્રણી ખેલાડી બની રહેવા ઉપરાંત સુંદર આંખો, સહજ સ્મિત અને મોહક વ્યક્તિત્વના કારણે સમૂહ માધ્યમમાં લોકપ્રિય બની રહ્યા. 1980માં તેઓ એ વિજયપદક રૉબર્ટો ડુરાં સામે હારી ગયા અને એક વ્યવસાયી મુક્કાબાજ તરીકે એ તેમની એકમાત્ર હાર હતી; પરંતુ ટીકેઓ (TKO) તરફથી એ મૅચ ફરીથી રમાતાં આઠમા રાઉન્ડમાં તેમણે એ વિજયપદક મેળવ્યો.

1981માં તેમણે અય્યૂબ કાલુલેને હાર આપી અને ડબ્લ્યૂબીએ જુનિયર-મિડલવેટ વિજયપદકના તેઓ વિજેતા બન્યા અને ત્યારબાદ ટૉમી, હિયર્ન્સને હરાવી ડબ્લ્યૂબીએનો વેલ્ટરવેટ તાજ જીતી ગયા. એ પ્રસંગે તેમને જે આવક થઈ તે કોઈ પણ વ્યવસાયી મુક્કાબાજને મળેલી (એ સમયે) સૌથી મોટી રકમ એટલે કે અંદાજે રૂ. 100 લાખ હતા.

ત્યારબાદ 1988માં 9 રાઉન્ડમાં ડૉની લૅલૉન્ડને હરાવી લિયોનાર્ડ એક જ સ્પર્ધામાં ડબ્લ્યૂબીસીની સુપર મિડલવેટ તથા લાઇટ હેવીવેટ ચૅમ્પિયનશિપના વિજેતા બન્યા.

અગાઉ થઈ ગયેલા મુક્કાબાજોમાં તેઓ સૌથી વધુ ઝડપી હતા. તેમનું કૌશલ્ય તત્વત: અદ્વિતીય રહ્યું છે.

મહેશ ચોકસી