લિમ્કા બુક ઑવ્ રેકર્ડ્ઝ

January, 2004

લિમ્કા બુક ઑવ્ રેકર્ડ્ઝ : જુદા જુદા ક્ષેત્રમાં ભારતીય નાગરિકોએ હાંસલ કરેલ સર્વોચ્ચ સિદ્ધિઓનું વર્ગીકરણ કરી દર વર્ષે પ્રકાશિત કરાતો ગ્રંથ. તેમાં સર્વપ્રથમ મેળવાયેલી સિદ્ધિઓ ઉપરાંત સંશોધન દ્વારા જાણવા મળેલી વિવિધ ક્ષેત્રોની અવનવી શોધખોળો, દેશવિદેશમાં ભારતીયોને પ્રાપ્ત થયેલા માનસન્માનો કે ઍવૉર્ડ વગેરેની વિગતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. કોઈ કૃત્ય કે ઘટના જે તે ક્ષેત્રમાં વિક્રમરૂપ છે કે નહિ તે સાબિત કરવાની જવાબદારી જેના નામે તે વિક્રમ બોલાય છે તે વ્યક્તિની કે તે મોકલનારની હોય છે અને તે માટે જરૂરી પુરાવા બીડવાના હોય છે, જેના વગર તેની નોંધ લેવાતી નથી. વિક્રમ જે સ્થળે સ્થપાય છે તે સ્થળે લિમ્કા વતી કોઈએ હાજર હોવું જ જોઈએ એવું જરૂરી હોતું નથી. બીડેલ પુરાવા અધિકૃત હોય, જો તે પુરાવા દાવાની પ્રમાણભૂતતા સાબિત કરે તેવા હોય તો તેના પર સંપાદક મંડળ દ્વારા વિચાર કરવામાં આવે છે. વિક્રમ પ્રસ્થાપિત કરનાર વ્યક્તિએ કે સંસ્થાએ ઓછામાં ઓછા એક મહિના અગાઉ લિમ્કાના સંબંધિત કાર્યાલયને તેની જાણ કરવાની હોય છે. કોઈ સિદ્ધિ કે વિક્રમનો લિમ્કા બુક ઑવ્ રેકર્ડ્ઝમાં ઉલ્લેખ કરવો કે નહિ તે અંગેનો અંતિમ નિર્ણય લિમ્કાના સંપાદક મંડળને હસ્તક હોય છે અને તેનો નિર્ણય અંતિમ ગણાય છે. વર્ષ 2004થી સિદ્ધિઓ અને વિક્રમોની યાદીમાં ચાર નવાં ક્ષેત્રો ઉમેરવામાં આવ્યા છે : જાહેર ખબરો, ક્લબો, આતંકવાદ અથવા રાષ્ટ્રીય સલામતી અને વિકાસ.

સિદ્ધિઓ અને વિક્રમોને પ્રકાશિત કરતો લિમ્કા એ ભારતમાં એકમાત્ર ગ્રંથ છે. તેના પ્રકાશનમાં ‘લિમ્કા’ નામ ધરાવતા હળવા પીણાના ઉત્પાદન માટે જાણીતા કોકા કોલા  ઇન્ડિયાનો સક્રિય સહયોગ હોય છે. ‘લિમ્કા’ એ આ કંપનીનું વ્યાપારચિહન (Trade mark) છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે