લિમ્પોપો (નદી) : અગ્નિ આફ્રિકામાં આવેલી નદી. તે ટ્રાન્સવાલના ઊંચાણવાળા ભાગમાંથી નીકળે છે, દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલ પ્રાંતને બૉત્સ્વાના અને ઝિમ્બાબ્વેથી અલગ પાડે છે અને મોઝામ્બિકમાંથી પસાર થઈને, માપુટોથી ઈશાનમાં આવેલા ક્સાઈ-ક્સાઈ નજીક હિન્દી મહાસાગરને મળે છે. તેની લંબાઈ 1,600 કિમી. જેટલી છે.

રડ્યાર્ડ કિપલિંગે તેની ‘The Elephant’s Child’ની વાર્તામાં આ નદીને ‘the great grey-green greasy Limpopo’ તરીકે રજૂ કરી છે. તેને Crocodile River પણ કહે છે. તેના હેઠવાસનો 97 કિમી.નો વહનપથ ભરતીનાં પાણીથી ભરેલો રહે છે, પરંતુ ત્યાંથી ઉપરવાસનો પટ સૂકી ઋતુમાં સૂકો રહે છે અને વર્ષાઋતુમાં તેમાં ઘોડાપૂર આવે છે. ઑલિફૅન્ટ્સ નદી તેની મુખ્ય સહાયક નદી છે.

ગિરીશભાઈ પંડ્યા