લિમિટ્સ ટુ ગ્રોથ, ધ : વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, વ્યાપારીઓ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વહીવટકર્તાઓ, રાષ્ટ્રોના વર્તમાન વડાઓ તથા પૂર્વ વડાઓના બનેલા વૈશ્વિક સંગઠન ક્લબ ઑવ્ રોમ દ્વારા 1972માં પ્રકાશિત કરવામાં આવેલ વિવાદાસ્પદ અહેવાલ. ઉપર્યુક્ત અહેવાલની કેન્દ્રસ્થ રજૂઆત એ હતી કે જે પ્રમાણમાં અને જે ગતિએ વૈશ્વિક સ્તર પર પ્રાકૃતિક સાધનોનો અતિરેકભર્યો ઉપયોગ થઈ રહ્યો છે તે સખત પગલાંઓ દ્વારા ત્વરિત અટકાવવામાં નહિ આવે તો વિશ્વનું અર્થતંત્ર ભયંકર સંકટમાં મુકાઈ જશે અને તેને પરિણામે માનવસંસ્કૃતિ અને સભ્યતાનો અંત આવી જશે.
ક્લબ ઑવ્ રોમ દ્વારા કરવામાં આવેલી ઉપર્યુક્ત આગાહી અમેરિકાની મૅસેચૂસેટસ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી (MIT) દ્વારા તૈયાર થયેલ ગણકયંત્ર-પ્રેરિત મૉડલ(computer model)ને આધારે કરવામાં આવી હતી. આ મૉડલની ગણતરી મુજબ ઈ. સ. 2000 સુધી વિશ્વની વસ્તી સાત અબજ જેટલી થઈ જશે, જેને લીધે ખોરાકનું ઉત્પાદન કરનાર ફળદ્રૂપ જમીન ઉપરાંત ખનિજ તેલ, તાંબું, કોલસો, ચાંદી, કલાઈ તથા તત્સમ ચીજવસ્તુઓની ભારે અછત ઊભી થશે જે વિશ્વના દેશોમાં ભાવવધારાને ઉત્તેજન આપશે અને સરવાળે આર્થિક વૃદ્ધિના દર પર વિપરીત અસર કરશે. ખાસ કરીને જે પ્રાકૃતિક સાધનોની પુનર્નિર્મિતિ થઈ શકતી નથી, જે માત્ર એક જ વાર વાપરી શકાતાં હોય છે તે સાધનોના પુરવઠામાં ઝડપથી ઘટાડો થતો જશે અને તેને લીધે એકવીસમી સદી દરમિયાન આર્થિક વિકાસ સ્થગિત થઈ જશે. આવી પરિસ્થિતિ માનવજાતિના અસ્તિત્વની દૃષ્ટિએ જોખમકારક નીવડી શકે.
ક્લબ ઑવ્ રોમના ઉપર્યુક્ત અહેવાલમાં આ સંભવિત પરિસ્થિતિના ઉકેલ તરીકે સાર્વત્રિક સરકારી નિયંત્રણો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
જોકે ક્લબ ઑવ્ રોમના અહેવાલમાં કરવામાં આવેલી ઉપર્યુક્ત આગાહીઓ સાચી પડી નથી; દા.ત., વર્ષ 2000માં વિશ્વની વસ્તી માંડ છ અબજ જેટલી થઈ હતી, ખેડાણ હેઠળની જમીનમાં વધારો નોંધાયો હતો, ટૅકનૉલૉજિકલ પ્રગતિને લીધે અર્થતંત્રનો વિકાસ 1972–2000ના ગાળામાં બમણો થયો હતો, પ્રાકૃતિક વાયુ તથા ખનિજ તેલના ઉત્પાદનમાં વધારો થયો હતો; એટલું જ નહિ, પરંતુ તેના ઉત્પાદનખર્ચમાં ઘટાડો નોંધાયો હતો. આ અરસામાં વિશ્વના મોટાભાગના વિકાસશીલ દેશોમાં સાક્ષરતાના દરમાં વધારો થયો હતો. બાળમૃત્યુના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો અને જન્મ સમયે અપેક્ષિત આયુની સીમામાં વધારો થયો હતો. ટૂંકમાં, સંભવિત આપત્તિને બદલે વિશ્વનું અર્થતંત્ર વધુ ને વધુ મજબૂત થતું જાય છે.
કેટલાક અર્થશાસ્ત્રીઓએ આ અહેવાલની ટીકા કરતાં એમ પણ કહ્યું હતું કે વિશ્વની વસ્તીમાં વધારો થતો જાય તો લોકો આપમેળે આર્થિક સાધનોનો કરકસરયુક્ત ઉપયોગ કરશે, સાધનોની સાચવણી અને તેમના સંવર્ધન પ્રત્યે સભાનતા વધશે અને તેથી નજીકના ભવિષ્યમાં કોઈ આપત્તિ ઊભી થાય તેવું માનવા માટે કોઈ સબળ કારણો દેખાતાં નથી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
રક્ષા મ. વ્યાસ