લિમરિક : ટૂંકું, રમૂજી, વૃત્તબદ્ધ, હળવી શૈલીનું પાશ્ચાત્ય કાવ્યસ્વરૂપ. તે ઘણુંખરું અર્થહીન કે વાહિયાત અને ક્યારેક બીભત્સ કે અશ્લીલ ભાવ પણ રજૂ કરતું હોય છે. અંગ્રેજી કાવ્યમાં પ્રચલિત આ કાવ્યનો મુખ્ય છંદ ઍનેપેસ્ટિક છે. તે પાંચ પંક્તિઓમાં પૂરું થાય છે. તે aabba રીતિમાં પ્રાસાનુપ્રાસમાં રચાય છે. તેની પ્રથમ, દ્વિતીય અને પાંચમી પંક્તિઓ ટ્રિમીટર્સમાં અને ત્રીજી અને ચોથી ડિમીટર્સમાં હોય છે. ટ્રિમીટર્સમાં તેના માપનાં પદ 3 મેટ્રિકલ ફીટ હોય છે. ડિમીટર્સની પંક્તિઓમાં બે પદ હોય છે. લિમરિકનું મૂળ ચોક્કસપણે જડતું નથી. એક ગણતરી મુજબ ફ્રાન્સના યુદ્ધમાંથી પરત થતા સૈનિકોએ 1700માં તેની રચના કરેલી. અન્ય મત મુજબ ‘મધર ગૂઝિઝ મેલડી’નાં બાળજોડકણાંમાં તે હતું. કદાચ તે ધ્રુવપદ કે ટેક – ‘વિલ યુ કમ અપ ટુ લિમરિક ?’માંથી તે લેવાયું હોય. 18મી સદીમાં આઇરિશ સૈનિકોનું તે કૂચગીત હતું. પછીની પંક્તિઓ કોઈ પણ જાતની પૂર્વતૈયારી વિનાની, પરંતુ તત્ક્ષણે સ્ફુરતી હતી. આમાં અશક્ય બનાવ કે કટાક્ષ કે વક્રોક્તિ આવતી. લિમરિકનો સવિશેષ ઉપયોગ ‘નૉનસેન્સ’ કાવ્યપ્રકારમાં થાય છે.
અંગ્રેજીમાં લિમરિકનો પ્રથમ સંગ્રહ 1820માં પ્રકાશિત થયેલો. કવિ એડ્વર્ડ લિયરે ‘બુક ઑવ્ નૉનસેન્સ’(1846)માં સચિત્ર લિમરિક આપ્યાં છે. બાલગીતોમાં તેનું પગેરું મેળવી તેમણે લિમરિક લખેલાં. ‘ધેર વૉઝ ઍન ઓલ્ડ મૅન ઑવ્ ટોબેગો’માંથી એમને લિમરિક લખવાની પ્રેરણા થયેલી.
19મી સદીના અંતે મોટા ગજાના કવિઓએ આ કાવ્યપ્રકાર અજમાવ્યો હતો. ડબ્લ્યૂ. એસ. ગિલ્બર્ટે શ્રેણીબદ્ધ, અખંડિત માલિકાની ગૂંથણીવાળાં લિમરિક રચેલાં. સર આર્થર સલિવને ‘ધ સૉર્સરર’(1877)માં એક જાણીતા ગીત તરીકે લિમરિકને ટાંક્યું છે.
20મી સદીની શરૂઆતમાં આ સ્વરૂપ અત્યંત લોકપ્રિય બન્યું હતું. લિમરિક માટે સામયિકો અને વ્યાપાર-ઉદ્યોગગૃહો દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાતી. લિમરિકના બંધાણીઓ અર્થમાં વધુ ને વધુ ગૂંચવાડા કરે તેવા કાવ્યની શોધમાં રહેતા.
ફ્રેન્ચ અને લૅટિન ભાષામાં લિમરિકની રચના થતી. અંગ્રેજી જોડણીની વિલક્ષણતા અને જોરદાર સારગર્ભના અવલોકનવાળી ગંભીર પ્રકારની તત્વદર્શી વિચારણાવાળાં લિમરિક પણ રચાયાં હતાં.
વિ. પ્ર. ત્રિવેદી