લિબિયા : ઉત્તર આફ્રિકામાં ભૂમધ્ય સમુદ્રકાંઠે આવેલો આરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 20° ઉ. અ.થી 33° ઉ. અ. તથા 10° પૂ. રે.થી 25° પૂ. રે. વચ્ચેનો 17,59,540 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ –પશ્ચિમ અંતર 1,690 કિમી. અને ઉત્તર–દક્ષિણ અંતર 1,497 કિમી. જેટલું છે તથા તેને 1,685 કિમી. જેટલો દરિયાકિનારો મળેલો છે. તેની ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, પૂર્વમાં ઇજિપ્ત અને સુદાન, દક્ષિણે ચાડ અને નાઇજર તથા પશ્ચિમે અલ્જીરિયા અને ટ્યૂનિસિયા આવેલાં છે. ટ્રિપોલી લિબિયાનું પાટનગર અને મોટામાં મોટું શહેર છે.
ભૂપૃષ્ઠ–આબોહવા : ઉત્તર આફ્રિકામાં વિસ્તરેલું સહરાનું રણ લિબિયાના લગભગ 95 % ભાગને આવરી લે છે. કેટલાક છૂટાછવાયા રણદ્વીપો તથા ભૂમધ્ય સમુદ્રકાંઠા નજીક આવેલા ઉત્તર લિબિયાના ભૂમિભાગો માત્ર વસવા-યોગ્ય તેમજ ખેતીયોગ્ય બની રહેલા છે. લિબિયાનો બાકીનો અંતરિયાળ પ્રદેશ રેતીના વિશાળ ઢૂવાઓથી બનેલો છે. સહરાના રણના એક ભાગ તરીકે અહીં લિબિયાનું રણ વિસ્તરેલું છે. તે દેશનો અંદર તરફનો પૂર્વભાગ આવરી લે છે. રણવિસ્તાર ઉત્તરથી દક્ષિણ તરફ ક્રમે ક્રમે ઊંચો બનતો જાય છે. તેની દક્ષિણ સીમા તરફ પવનના ઘસારાથી અસમતળ બનેલા પર્વતો આવેલા છે. લિબિયાના અગ્નિકોણમાં આવેલું 2,286 મીટર ઊંચાઈ ધરાવતું ‘બીટ પીક’ (Bette Peak) આ દેશનું ઊંચામાં ઊંચું સ્થળ છે.
રણની આબોહવા ગરમી અને ઠંડીના વિષમ લક્ષણવાળી છે. અહીં દિવસે 38° સે. જેટલું અને રાત્રે 10° સે. જેટલું તાપમાન રહે છે. દિવસે ગરમ થઈ જતા રણના ભાગો રાત્રે એકદમ ઠંડા પડી જાય છે. તેથી અહીં દૈનિક તાપમાનનો ગાળો વધુ રહે છે.
અર્થતંત્ર : લિબિયા વિકાસશીલ દેશ છે, તેથી તેનું અર્થતંત્ર પણ વિકસતું જાય છે. તેના અર્થતંત્રનો લગભગ બધો જ આધાર પેટ્રોલિયમ પર રહેલો છે. તેલ-ઉદ્યોગક્ષેત્રે અહીંના બહુ જ ઓછા શ્રમિકો રોકાયેલા છે. તેઓ મોટેભાગે સેવાઉદ્યોગ અને ખેતીમાં કામ કરે છે. અહીંની મોટાભાગની આર્થિક ઉત્પાદનની પ્રવૃત્તિઓ પર સરકારનો કાબૂ છે.
ખાણઉદ્યોગ : અહીંના બધા જ ઉદ્યોગો પૈકી પેટ્રોલિયમ ઉત્પન્ન કરતો ખાણઉદ્યોગ પ્રથમ ક્રમે આવે છે. દેશના કુલ આર્થિક ઉત્પાદનમૂલ્યમાં તેનો 50 % હિસ્સો છે. તેની નિકાસથી દેશને ઘણો ફાયદો મળી રહે છે. આ ઉપરાંત લિબિયામાંથી લોહઅયસ્ક, ચિરોડી, ગંધક, ચૂનો અને કુદરતી વાયુ પણ મળે છે.
ઉત્પાદનક્ષેત્ર : ખનિજતેલ-શુદ્ધીકરણ, પેટ્રોરસાયણો એ ખનિજતેલ-આધારિત મહત્વના ઉદ્યોગો છે. સિમેન્ટ, પ્રક્રમિત ખાદ્ય પેદાશો અને પોલાદ જેવી અન્ય ઉત્પાદન-પેદાશો પણ લેવાય છે. દેશના કુલ આર્થિક ઉત્પાદન-મૂલ્યમાં તેનો હિસ્સો માત્ર 4 % જેટલો જ છે. આ ચીજોનાં ઉત્પાદન-મથકો ઉત્તર તરફનાં શહેરોમાં આવેલાં છે.
ખેતી : દેશની માત્ર 5 % ભૂમિ જ ખેતીયોગ્ય છે. દેશના આશરે 18 % લોકો ખેડૂતો છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં બટાટા, ટામેટાં, ખાટાં ફળો, ઑલિવ, ઘઉં, જવ અને ખજૂરનો સમાવેશ થાય છે. ખેડૂતો અને પશુપાલકો ઢોર, ઘેટાં-બકરાં અને મરઘાંનો ઉછેર કરે છે. અહીં ખોરાકી પાકો પ્રમાણમાં ઓછા લેવાતા હોવાથી જરૂરી અનાજ કે ખાદ્ય સામગ્રીની આયાત થાય છે.
અહીંનાં નિવાસી કુટુંબો પોતે ખેતરોની માલિકી ધરાવે છે. તેમનાં ખેતરોનાં સરેરાશ કદ 11 હેક્ટર જેટલાં હોય છે. કેટલાક લોકો પરંપરાગત પદ્ધતિ અને ઓજારોનો જ ઉપયોગ કરે છે. મોટાં ખેતરોમાં યાંત્રિક સાધનોનો ઉપયોગ થાય છે.
વસ્તી–લોકો : 2000 મુજબ લિબિયાની વસ્તી 64 લાખ જેટલી છે. અહીં દર ચોકિમી. દીઠ માત્ર 3 વ્યક્તિઓનું પ્રમાણ છે. દેશમાં 70 % શહેરી અને 30 % ગ્રામીણ લોકો વસે છે. કુલ વસ્તી પૈકીના આશરે 80 % લોકો ભૂમધ્ય સમુદ્રકાંઠે અથવા 320 કિમી. લાંબા ફળદ્રૂપ પ્રદેશમાં વસે છે.
લિબિયાની 90 %થી વધુ વસ્તી આરબો અને બર્બરોની મિશ્રવંશીય છે. આશરે સાતમી સદીમાં જ્યારે અહીં આરબો આવ્યા ત્યારે લિબિયામાં બર્બરો રહેતા હતા.
અરબી અહીંની સત્તાવાર ભાષા છે, લિબિયાના લગભગ બધા જ લોકો તે બોલે છે, પરંતુ અહીંના શિક્ષિતો અંગ્રેજી કે ઇટાલિયન(ભાષા)નો બીજી ભાષા તરીકે ઉપયોગ કરે છે.
70 % લોકો શહેરોમાં અને 30 % ગામડાંમાં રહે છે. કેટલાક લોકો તેમનાં ઘેટાં-બકરાં અને ઊંટોને લઈને ગોચરોની શોધમાં વિચરતું જીવન ગાળે છે. વીસમી સદીના મધ્યકાળથી લિબિયાએ તેનું અર્થતંત્ર દેશના વિકાસાર્થે વિસ્તાર્યું હોવાથી કેટલાક ગ્રામીણ લોકો શહેરો તરફ વળ્યા છે, પરંતુ તેમની પરંપરાગત ટેવો અને રહેણીકરણી શહેરી લોકોની રહેણીકરણી સાથે મેળ ખાતી નથી.
અગાઉના સમયમાં શિક્ષણ ન લેતી સ્ત્રીઓ માત્ર ઘર સાચવીને બેસી રહેતી અને સંતોષ માનતી હતી, પરંતુ હવે સ્ત્રીઓ શિક્ષિત બની છે. તેમનો મોભો બદલાયો છે; તેમને તેમના અધિકારોનું ભાન થયું છે અને તેમની સામાજિક સ્થિતિ પણ સુધરી છે.
ઇતિહાસ : બર્બરો લિબિયાના સર્વપ્રથમ વસાહતીઓ હતા એમ માનવામાં આવે છે. ઈ. પૂ.ની સાતમી સદીમાં ગ્રીક વસાહતીઓ ઈશાન ભાગમાં જઈને વસેલા. જ્યાં તે વસેલા તે સાયરેનિકા પ્રાંત નામથી જાણીતો થયો હતો. ઈ. પૂ.ની પાંચમી સદીમાં, અહીંના વાયવ્ય ભાગમાં જ્યાં આજે ટ્યૂનિસિયા છે ત્યાં કાર્થેજનું પ્રાચીન શહેર વેપારી મથક તરીકે સ્થપાયેલું. આ પ્રાંત ટ્રિપોલી-તાનિયા નામથી જાણીતો બનેલો. ઈ. પૂ. 146માં રોમનોએ કાર્થેજનો નાશ કર્યો. ટ્રિપોલી-તાનિયા આફ્રિકા નોવા રોમન પ્રાંતનો એક ભાગ બન્યું. તે પછી આશરે ત્રણ સો વર્ષ બાદ, ઈ. સ. 431માં વેંડાલ (Vandals) નામથી ઓળખાતી જર્મન જાતિના લોકોએ આ પ્રદેશ કબજે કર્યો. છઠ્ઠી સદીમાં બાયઝેન્ટાઇન દળોએ તે જીતી લીધો. તે વખતે બર્બરોના બળવાઓમાંથી અસ્થિરતા ઊભી થઈ. પરિણામે આરબોને અહીં આવવાની અનુકૂળતા મળી ગઈ. આરબોએ અહીં આવીને ઇસ્લામ ધર્મ પ્રસાર્યો. તેમના સૈનિકો 642માં સાયરેનિકામાં પ્રવેશ્યા અને 643માં ટ્રિપોલી કબજે કર્યું. તે પછીથી તો આરબો અને બર્બરોના વંશજોએ લિબિયા નામથી ઓળખાતા આજના પ્રદેશમાં શાસન કર્યું.
વાયવ્ય લિબિયાની સંસ્કૃતિ તેની પશ્ચિમ તરફના રાજકીય એકમોની અસરથી વિકસતી ગઈ; જ્યારે પૂર્વ તરફનો વિસ્તાર તેના પડોશી દેશ ઇજિપ્તની અસર હેઠળ રહ્યો. 1551માં ઑટોમન તુર્કોએ ટ્રિપોલી કબજે કર્યું. તેમના એશિયા માઇનોર(હવે ટર્કી)ના વિશાળ સામ્રાજ્યમાં ટ્રિપોલી-તાનિયા, સાયરેનિકા અને ફેઝાન તરીકે ઓળખાતા નૈર્ઋત્યના પ્રદેશને સમાવી લેવામાં આવ્યો; પરંતુ તેમના સામ્રાજ્યકાળ દરમિયાન અહીંના સ્થાનિક શાસકોને પૂરી સ્વતંત્રતા હતી. સોળમી સદીથી ઓગણીસમી સદીની શરૂઆત સુધી બર્બર ચાંચિયાઓએ ભૂમધ્ય સમુદ્રમાં આવતાં-જતાં યુરોપ અને યુ.એસ.નાં જહાજોને લૂંટવા માંડેલાં. આ કારણે યુનાઇટેડ સ્ટેટ્સે ઓગણીસમી સદીના પ્રારંભે તેમની સામે યુદ્ધ પણ કરેલું.
ઇટાલિયન વર્ચસ્ : 1911માં ઇટાલીએ અહીંના ભૂમધ્ય સમુદ્રકાંઠાના વિસ્તાર પર આક્રમણ કરી 1912માં ત્રણે પ્રાંતોનો કબજો મેળવી લીધો. 1920 અને 1930ના દાયકાઓ દરમિયાન, ઇટાલિયનોએ અહીં નગરો-શહેરો અને સિંચાઈની નહેરો દ્વારા વિકાસ અને સુધારા થાય તે માટે ઘણા પ્રકલ્પો (projects) મૂક્યા. આ કારણે અહીં હજારો યુરોપિયનો આવ્યા.
સાયરેનિકામાં ‘સાનુસી બ્રધરહુડ’ નામના એક મુસ્લિમ ધાર્મિક અને સામાજિક સુધારક જૂથે ઇટાલિયન શાસન સામે વિરોધ રજૂ કર્યો. બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન, ઇટાલીની વિરુદ્ધમાં ઇજિપ્ત ખાતે બ્રિટિશરો સાથે સહકાર કેળવ્યો. 1942માં ગ્રેટ બ્રિટને ઉત્તર લિબિયામાં એક લશ્કરી વહીવટની સ્થાપના કરી. ફ્રેન્ચ દળોએ તે વખતે ફેઝાન લઈ લીધું અને ત્યાં કબજો જમાવી દીધો.
રાજકીય સ્વાતંત્ર્ય : 1951ના ડિસેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે સમગ્ર લિબિયા માટે સ્વતંત્રતાની માગણી મૂકી. યુનાઇટેડ કિંગ્ડમે તેમાં સાથ આપ્યો. સાનુસી પ્રતિકાર જૂથના અગ્રણી મુહમ્મદ ઇદ્રીસ અલ-મહેદી અસ-સાનુસીને રાજા તરીકે નિયુક્ત કર્યા. અહીંના ત્રણેય પ્રાંતો જે સ્વાયત્ત હતા, તેમને પોતાની રીતે શાસન કરવાની સત્તા મળી. તેમના દરેકના અલગ અલગ ભૌગોલિક–સાંસ્કૃતિક–રાજકીય માહોલમાંથી સ્થાનિક સત્તા-સ્પર્ધા ઊભી થઈ, રાષ્ટ્રનિર્માણમાં અવરોધો આવ્યા. આથી 1963માં પ્રાંતોને રદ કર્યા. આમ લિબિયા એક મધ્યસ્થ સરકારી વહીવટ દ્વારા ચાલતી રાજાશાહીમાં પરિણમ્યું.
1959માં લિબિયામાં ખનિજતેલ મળી આવતાં આ ગરીબ ગણાતો દેશ એકાએક ધનાઢ્ય બની ગયો. શાસકોએ આ કુદરતી સંપત્તિ પર કાબૂ જમાવી દીધો તેથી દેશમાં ઘણો અંસતોષ વ્યાપી ગયો. 1969ના સપ્ટેમ્બરમાં ‘રેવલૂશનરી કમાન્ડ કાઉન્સિલ’(RCC)ના અધિકારીઓના એક જૂથે રાજા ઇદ્રીસને સત્તા પરથી ઉથલાવ્યા અને સત્તા હાંસલ કરી. બળવાની આગેવાની લેનાર નેતા કર્નલ મુઅમ્મર મુહમ્મદ અલ-ગદાફી સરકારના વડા બન્યા. તેમણે દેશની મોટાભાગની બધી જ પ્રવૃત્તિઓ પોતાને હસ્તક રાખી. તેમણે ઘણાં આરબ રાજ્યો સાથે એક સંઘ રચવાના નિષ્ફળ પ્રયાસો પણ કર્યા. 1970ના દસકા દરમિયાન, તેલની આવક આર્થિક-સામાજિક વિકાસમાં વાપરવામાં આવી. રાજકીય સંસ્થાઓને લોકપ્રિય બનાવી. લોકશાહી હોવા છતાં ગદાફીએ રાજકીય વિરોધોને ગણકાર્યા નહિ. 1969માં રાજા ઈદરીસને પદભ્રષ્ટ કરી લિબિયન ક્રાંતિકારી નેતા કર્નલ મોમર-અલ-ગદ્દાફીએ સત્તા હસ્તગત કરી અને આ પ્રજાસત્તાકનો પ્રમુખ બની ગયો તથા દેશની અંદરના વિરોધને કચડી નાંખ્યો. લિબિયાએ દુનિયાભરમાં બદલાતા જતા સંજોગોને સાથ આપ્યો. ગદ્દાફીએ ઘરઆંગણે ભૌગોલિક રીતે વિસ્તારવાદી નીતિની હિમાયત કરી. પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશન(PLO)ને સમર્થન આપ્યું. ચાડ અને મોરૉક્કોમાં બળવાઓ થયા તેની અસર લિબિયા પર પણ થઈ. લિબિયાએ 1979માં ઇસ્લામિક પ્રજાસત્તાકની ઈરાનની જાહેરાતને ટેકો આપ્યો. ઈ. સ. 1980માં ઉત્તર ચાડ સાથે યુદ્ધ થયું. પરિણામે અમેરિકાએ ગદ્દાફીને આતંકવાદી જાહેર કર્યા. ઈ. સ. 1986માં અમેરિકાએ વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા. ગદ્દાફી પર આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ હોવાનો આરોપ મૂકી અમેરિકાએ તેમના નિવાસસ્થાન પર બૉમ્બમારો કર્યો. આતંકવાદમાંથી સંડોવણીને કારણે 1980થી ઓછે વત્તે અંશે અને 1990 પછી તીવ્રતાપૂર્વક લિબિયા મુત્સદ્દીગીરીના ક્ષેત્રે અલગતાવાદ ભોગવી રહ્યું છે. 1988માં ચાડ સાથે વિદેશસંબંધોનું પુન:સ્થાપન થયું છતાં 1992માં સંયુક્ત રાષ્ટ્રસંઘે તેના પર પ્રતિબંધક જોગવાઈઓ લાદી અને ઘણા દેશોએ તેના હવાઈમાર્ગો સાથેનું તેમનું જોડાણ રદ કરવા ઉપરાંત વિદેશસંબંધોમાં તંગદિલી ઊભી કરી. 1995માં લડાયક ઈસ્લામવાદીઓએ ત્યાં સરકાર વિરુદ્ધ હિંસાનો દોર જારી કરતાં ગદ્દાફી સરકાર વિરુદ્ધ મોટો પડકાર ઊભો થયો. આથી ત્યાં સ્થાયી થયેલા પૅલેસ્ટિનિયનો અને વિદેશીઓને મોટાપાયે હાંકી કાઢવામાં આવ્યા.
વિશ્વ રાજકારણના કેટલાક અભ્યાસીઓ માને છે કે લિબિયા પાસે પ્રતિબંધિત શસ્ત્રો છે. સદ્દામ હુસેનની જેમ ગદ્દાફી પણ તેમના પરનો આ આક્ષેપ સ્વીકારતા નહોતા તેમજ પ્રતિબંધિત શસ્ત્રો હોવાની બાબતને ઇન્કાર કરતા હતા. જૂન, 2003થી લિબિયાના અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે પ્રતિબંધિત શસ્ત્રો અંગે ચર્ચા ચાલતી હતી. 2003માં વર્ષ દરમિયાન અમેરિકી અધિકારીઓએ લિબિયાની મુલાકાત વેળા તેની પાસે રાસાયણિક શસ્ત્રો, જૈવિક શસ્ત્રોના કાર્યક્રમો તેમજ અણુ હુમલાના કાર્યક્રમો હોવાની વાત વિશ્વ સમક્ષ મૂકી હતી.
ડિસેમ્બર, 2003માં ઈરાકનો શાસક સદ્દામ હુસેન પકડાયા બાદ ગદ્દાફીએ લિબિયા પાસે મહાવિનાશક શસ્ત્રો હોવાની વાત સ્વીકારી એટલું જ નહીં પરંતુ કોઈ પણ પૂર્વ શરત વિના લિબિયામાં શસ્ત્રો અંગેની તપાસ કરવા દેવાની તૈયારી બતાવી છે. સામૂહિક શસ્ત્રો જેવાં કે મસ્ટર્ડ ગૅસ, નર્વ ગૅસ અને લાંબા અંતરના પ્રક્ષેપાસ્ત્રો તેની પાસે હોવાની વાતનો તેણે સ્વીકાર કર્યો છે.
લિબિયાના આ હકારાત્મક પગલાંની અમેરિકાના પ્રમુખ બુશ અને બ્રિટનના વડાપ્રધાન ટોની બ્લેરે પ્રશંસા કરી અને જણાવ્યું કે લિબિયા હવે શાંતિની દિશામાં કદમ મૂકે છે, વિશ્વશાંતિમાં સહકાર આપવા તત્પર છે. વિશ્વને વિનાશક શસ્ત્રોથી મુક્ત કરવાની અમેરિકા-બ્રિટનની ઝુંબેશને મળેલી આ નોંધપાત્ર સફળતા છે. 34 વર્ષથી લિબિયા પર શાસન કરતા ગદ્દાફીએ વિશ્વશાંતિ સાથે કદમ મિલાવ્યા એમ કહી શકાય.
ગિરીશભાઈ પંડ્યા
રક્ષા મ. વ્યાસ