લિબર્ટી બેલ : અમેરિકન સ્વાતંત્ર્યના પરંપરાગત પ્રતીક સમો મોટો ઘંટ. પેન્સિલવેનિયા પ્રાંતની વિધાનસભાના આદેશથી 1751માં તેને નવા સ્ટેટ હાઉસ(નવું નામાભિધાન ઇન્ડિપેન્ડન્સ હૉલ, ફિલાડેલ્ફિયા)માં મૂકવામાં આવેલો. લંડનમાં તેને વ્હાઇટ ચૅપલ બેલ ફાઉન્ડ્રી દ્વારા ઢાળવામાં આવેલો. તેની કિંમત તે વખતે 100 પાઉન્ડની રાખવામાં આવી હતી. 1751માં તેને અમેરિકા લાવવામાં આવેલો. અવાજની ચકાસણી કરતી વખતે તેના લોલકના અથડાવાથી તેમાં તિરાડ પડેલી અને તેને સમી કરતાં બે વાર ફિલાડેલ્ફિયામાં પુન: ઢાળવામાં આવ્યો હતો. 1753ના જૂન માસમાં તેને સ્ટેટ હાઉસમાં લટકાવવામાં આવ્યો હતો. તેનું વજન લગભગ 2,080 પાઉન્ડ (943 કિગ્રા.) અને તેનો ઘેરાવો 12 ફૂટ(3.7 મી.)નો અને નીચેથી ઉપર સુધી તે 23 ફૂટ(લગભગ 10 મી.)નો છે. તેનો મુદ્રાલેખ ‘Proclaim liberty throughout all the land unto all the inhabitants there-of’ (સમગ્ર ધરતીના સર્વ રહેવાસીઓ માટે સ્વતંત્રતાની ઉદઘોષણા કરો) બાઇબલના લૅવિટિક્સ 25 : 10માંથી લેવામાં આવ્યો છે.

લિબર્ટી બેલ

1776ના જુલાઈની 4થી તારીખે અમેરિકાની ‘કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસે’ સ્વાતંત્ર્યના ઢંઢેરા (Declaration of Independence) વખતે તેને વગાડેલો તેમ કહેવાય છે. પણ તે સાચું નથી. જોકે 8મી જુલાઈએ તે ઢંઢેરાના પ્રથમ જાહેર વાચન વખતે, તેની ઉજવણીના નિમિત્તે, તેને રણકાવવામાં આવેલો. 1777માં જ્યારે બ્રિટિશ લશ્કરની ટુકડીઓએ ફિલાડેલ્ફિયામાં પ્રવેશ કર્યો, ત્યારે તેને પેન્સિલવેનિયાના એલન-ટાઉનના એક દેવળમાં સંતાડીને મૂકવામાં આવેલો. પાછળથી ‘ઇન્ડિપેન્ડન્સ હૉલ’માં તેની પુન:પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે તેમાં તિરાડ પડી હતી, કારણ કે અમેરિકાના સર્વોચ્ચ ન્યાયાધીશ જસ્ટિસ માર્શલની 1835ની અંત્યેષ્ટિની યાત્રાના સમયે તેને સાથે રાખવામાં આવ્યો હતો. 1839માં એક ચોપાનિયામાં સૌપ્રથમ વાર તેનું ‘લિબર્ટી બેલ’ એવું નામાભિધાન કરવામાં આવેલું. સૌથી છેલ્લી વાર તેને 1846માં જ્યૉર્જ વૉશિંગ્ટનના જન્મ-દિવસની ઉજવણી વખતે વગાડવામાં આવ્યો હતો. ત્યારથી તેમાં પડેલી તિરાડને સમી કરી શકાઈ નથી. 1976ની 1લી જાન્યુઆરીએ ઇન્ડિપેન્ડન્સ હૉલથી લગભગ 100 વાર દૂર નવી જગ્યામાં તેની સ્થાપના કરવામાં આવી છે. સેંકડો લોકો અને પ્રવાસીઓ આજે પણ તેની પ્રદક્ષિણા કરે છે.

વિ. પ્ર. ત્રિવેદી