લિબરાલે દા, વેરોના (Liberale Da Verona)

January, 2004

લિબરાલે દા, વેરોના (Liberale Da Verona) (જ. આશરે 1445, વેરોના, ઇટાલી; અ. 1526થી 1529, વેરોના) : રેનેસાંસના પ્રારંભિક લઘુચિત્રકાર, પોથીચિત્રો તેમજ હસ્તલિખિત પુસ્તકોમાં પ્રસંગચિત્રો કરવામાં નિષ્ણાત. માદરે વતન વેરોનામાં લઘુચિત્રકાર (miniaturist) જિરોલામો દા ક્રેમોના પાસે લઘુચિત્રકલાની તાલીમ લીધી. ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાની અસર પણ લિબરાલેએ ઝીલી. સંગીતલિપિની પોથીઓ–કૉયરબુક્સમાં તેમણે 1467થી 1474 સુધી પોથીચિત્રો-પ્રસંગચિત્રો ચીતર્યાં. સિયેના કથીડ્રલ માટે તેમનાં કરેલાં (પોથી)ચિત્રો ધરાવતી સંગીતલિપિપોથીઓ આજે પિકોલોમીની લાઇબ્રેરીમાં સંગૃહીત છે. એમના જમાનામાં ઇટાલીમાં ચીતરાયેલાં શ્રેષ્ઠ પોથીચિત્રોમાં એ પોથીઓનાં ચિત્રોની ગણના થાય છે. એ ચિત્રોના પ્રભાવ નીચે ચિત્રકારો માતિયો દા જિયોવાની અને ફ્રાન્ચેસ્કો દી જ્યૉર્જિયો આવ્યા. એ પછી સેંટ એનેસ્તેસિયા કથીડ્રલના બોનાવેરી દેવળમાં લિબરાલેએ થોડાં ભીંતચિત્રો ચીતર્યાં; પણ એમાં એમનાં પોથીચિત્રોમાં જોવા મળતાં ઉન્મેશ અને લાવણ્યનો અભાવ દેખાય છે.

અમિતાભ મડિયા