લિબરવિલ : આફ્રિકા ખંડના પશ્ચિમ કિનારે આવેલા ગેબનનું પાટનગર અને મોટામાં મોટું શહેર. તે ગેબનના એસ્ત્વાયર પ્રાંતનું પણ વહીવટી મથક છે. ભૌગોલિક સ્થાન : 0° 23´ ઉ. અ. અને 9° 27´ પૂ. રે. તે ઍટલૅન્ટિક મહાસાગરના ભાગરૂપ ગિનીના અખાતને કિનારે ગેબન નદીના નાળપ્રદેશ પર વસેલું છે. ગેબનનું તે બંદર, વાણિજ્ય તેમજ સાંસ્કૃતિક મથક પણ છે. આ શહેરમાં તેલ, ખનિજો, લાકડાં, રાચરચીલું, કાપડ તેમજ ખાદ્યપેદાશોનું ઉત્પાદન લેવાય છે. અહીં શિક્ષણ અને સંશોધનને લગતી જુદા જુદા પ્રકારની સંસ્થાઓ આવેલી છે. તે પૈકી ઓમર બૉંગો યુનિવર્સિટી (1976) ઉલ્લેખનીય છે. ગેબનના પ્રમુખ ઓમર બૉંગોની યાદમાં તે નામ અપાયેલું છે. આ ઉપરાંત અહીં કથીડ્રલ તથા ફ્રેન્ચ સાંસ્કૃતિક મથક પણ છે.

લિબરવિલનો અર્થ થાય છે મુક્તનગર. આ શહેર લિબ્રેવિલ નામથી પણ ઓળખાય છે. 1849માં ફ્રાન્સમાંથી મુક્ત બનેલા ગુલામોને આશ્રય આપવાના હેતુથી ફ્રેન્ચ નૌકા-અધિકારીઓ દ્વારા તેની સ્થાપના કરવામાં આવેલી. 1883માં અહીં ફ્રેન્ચ વસાહતો હતી ત્યારે તેને આ પ્રદેશનું પાટનગર બનાવવામાં આવેલું. 1888થી 1904 દરમિયાન તે ફ્રેન્ચ ઇક્વેટૉરિયલ ગિનીનું પાટનગર રહેલું. 1960માં ગેબન સ્વતંત્ર બન્યું ત્યારે પણ તે પાટનગર રહ્યું. 1970ના દશકામાં આ શહેરમાં કન્વેન્શન-સેન્ટર તથા બીજી ઘણી ઇમારતોનું નિર્માણ થયું તથા તેલનો વેપાર વધવાથી તેનો ઝડપી વિકાસ પણ થયો છે. 1999 મુજબ 5,23,000 જેટલી તેની વસ્તી છે.

ગિરીશભાઈ પંડ્યા