લિપારી ટાપુઓ : સિસિલીના ઈશાન કાંઠાથી દૂર આવેલો સાત મોટા અને દસ નાના ટાપુઓથી બનેલો દ્વીપસમૂહ. ભૌગોલિક સ્થાન : તે 38° 29´ ઉ. અ. અને 14° 56´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલા છે. તેમનો વિસ્તાર 134 ચોકિમી. જેટલો છે. તે સિસિલીના મેસિના પ્રાંતના એક ભાગરૂપ ગણાય છે. જૂના વખતમાં તે એઓલિયન (વાતજન્ય) ટાપુઓના નામથી ઓળખાતો હતો. તેના મુખ્ય ટાપુઓમાં લિપારી, સેલીના અને વલ્કેનો તથા નાના ટાપુઓમાં ઍલિકુડી, ફિલિકુડી, પૅનારિયા અને સ્ટ્રૉમ્બોલીનો સમાવેશ થાય છે. આ બધા જ ટાપુઓ જ્વાળામુખીજન્ય હોવા છતાં માત્ર પૂર્વ છેડાના ટાપુઓ જ સક્રિય છે.
લિપારી દ્વીપસમૂહ પર જ્વાળામુખો અને ગરમ પાણીના ઝરા આવેલા છે. 1890 સુધી તો તેનાં પ્રસ્ફુટનો થતાં હતાં; જોકે સ્ટ્રૉમ્બોલી તો હજી પ્રસ્ફુટનની સ્થિતિમાં છે. અહીંના ટાપુઓ જળસપાટીથી એકદમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. સ્ટ્રૉમ્બોલીનું શિખર 915 મીટર ઊંચાઈ ધરાવે છે, સેલીનાની ઊંચાઈ 960 મીટરની છે. બાકીના નીચા છે. આ બધા ટાપુઓ, નેપલ્સ અને મિલાઝી વચ્ચે જહાજી સેવા ચાલે છે.
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. ખાસ કરીને લૉબ્સ્ટર (લેવટો) વિશેષ મેળવાય છે; આ ઉપરાંત પશુપાલન, પમિસ (pumice) પથ્થરનું ઉત્પાદન તેમજ દ્રાક્ષ, અંજીર અને ઑલિવની ખેતી થાય છે. અહીં માત્ર લિપારી અને સેલીના પર નગરો વસેલાં છે. ટાપુઓની 50 % વસ્તી એકલા લિપારી ટાપુ પર વસે છે.
પ્રાચીન સમયથી આ ટાપુઓ પર વસવાટ જોવા મળે છે. પ્રાચીન ગ્રીક લોકોએ આ ટાપુઓને ધાર્મિક દૃષ્ટિએ નિહાળેલા. વાયુના દેવને વધુ મહત્વ અપાતું, તેથી તે એઓલિયન ટાપુઓ કહેવાતા હતા. આ ટાપુઓ કાર્થેજિનિયનો, ગ્રીકો અને રોમનોએ જીતેલા; છેવટે ઈ. પૂ. 252માં તે રોમનોને હસ્તક ગયેલા. તે પછીનો અમુક સમયગાળો વીત્યા બાદ, તે સિસિલી અને ઇટાલીને હસ્તક બે રાજકીય ભાગોમાં વહેંચાયા. ફાસીવાદી શાસન દરમિયાન ઘણા રાજકીય કેદીઓને અહીં મોકલવામાં આવતા હતા. વસ્તી : આ ટાપુઓની વસ્તી મેસિનાની વસ્તી 2,61,134 (1998) પૈકીની છે.
ગિરીશભાઈ પંડ્યા