લિનલિથગો, વિક્ટર ઍલેક્ઝાન્ડર જૉન હોપ (લૉર્ડ)

January, 2004

લિનલિથગો, વિક્ટર ઍલેક્ઝાન્ડર જૉન હોપ (લૉર્ડ) (જ. 24 સપ્ટેમ્બર 1887, એબરકૉર્ન, વેસ્ટ લોથિયન, સ્કૉટલૅન્ડ; અ. 5 જાન્યુઆરી 1952, એબરકૉર્ન) : ભારતમાં સૌથી લાંબો સમય (1936–43) વાઇસરૉયનો હોદ્દો ભોગવનાર બ્રિટિશ મુત્સદ્દી.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પશ્ચિમના મોરચે સેવા બજાવી હતી. તેમણે રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર ઇન ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે 1926–28 દરમિયાન અને ત્યારબાદ ભારતના બંધારણીય સુધારાની પસંદગી સમિતિના સભ્ય તરીકે સેવા બજાવી હતી. લૉર્ડ વિલિંગ્ડન પછી ભારતના વાઇસરૉયનો હોદ્દો તેમણે 1936માં સંભાળ્યો. 1935ના ભારતની સરકારના કાયદા મુજબ ચૂંટાયેલી ધારાસભાઓને જવાબદાર પ્રધાનો દ્વારા, પ્રાંતોનો વહીવટ કરવાનો હતો. ભારતના 11 પ્રાંતોમાંથી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને પાંચ પ્રાંતોમાં સ્પષ્ટ બહુમતી મળી હતી; પરંતુ કૉંગ્રેસે માગણી કરી કે ગવર્નરો ખાતરી આપે કે તેઓ પ્રધાનોનાં રોજબરોજનાં કાર્યોમાં દખલ કરીને તેમની ખાસ સત્તાઓનો ઉપયોગ કરશે નહિ. એવી ખાતરી આપવામાં આવી અને તે પછી, કૉંગ્રેસે પ્રધાનમંડળોની રચના કરી. પ્રાંતિક સ્વાયત્તતા ઘણુંખરું નિર્વિઘ્ને ચાલી, પરંતુ રાજાઓની સંમતિ ન મળવાથી કેન્દ્રમાં સમવાયતંત્રનો અમલ થઈ શક્યો નહિ.

વિક્ટર ઍલેક્ઝાન્ડર જૉન હોપ લિનલિથગો (લૉર્ડ)

સપ્ટેમ્બર, 1939માં ભારતના રાજકીય પક્ષોનો અભિપ્રાય પૂછ્યા વિના, લિનલિથગોએ જર્મની સામે યુદ્ધ જાહેર કરી દીધું. તેનાથી કૉંગ્રેસી નેતાઓનું મન દુભાયું અને તેમણે પ્રાંતોનાં પ્રધાનમંડળોને રાજીનામાં આપવા જણાવ્યું.

લિનલિથગોએ તેમની કારોબારી સમિતિમાં તેમને પ્રતિનિધિત્વ આપવા જણાવ્યું, પરંતુ તેનો પણ કૉંગ્રેસે ઇનકાર કર્યો. તેમ છતાં, પોતાની કારોબારી સમિતિમાં તેમણે ભારતના સભ્યોની સંખ્યા વધારી. દ્વિતીય વિશ્વયુદ્ધ (1939 –45) દરમિયાન ભારત ઉપર જાપાનના આક્રમણનો ભય વધતો હતો ત્યારે, ભારતને સ્વતંત્રતા આપવાનો બ્રિટને ઇનકાર કરવાથી કૉંગ્રેસ પક્ષે ઑગસ્ટ, 1942માં જોરદાર ચળવળ શરૂ કરવા ઠરાવ કર્યો. તેથી લિનલિથગોએ કૉંગ્રેસ પક્ષના હજારો નેતાઓની ધરપકડ કરીને અટકાયતમાં રાખ્યા અને સરકાર સામેની લડત કચડી નાંખી. 1943માં તેઓ સ્વદેશ પાછા ફર્યા ત્યારે, બે લાખથી વધારે સૈનિકો બ્રિટિશ લશ્કરમાં જોડાયા હતા. ત્યારબાદ 1944માં તેમની નિમણૂક એડિનબરો યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે થઈ હતી.

જયકુમાર ર. શુક્લ