લિડિયા (Lydia) : લઘુ એશિયા (આજના ટર્કી પ્રદેશ, પશ્ચિમ ઍનેટોલિયા)માં આવેલો એક વખતનો પ્રાચીન ભાગ. ભૌગોલિક સ્થાન : તે 38° 40´ ઉ. અ. અને 27° 30´ પૂ. રે.ની આજુબાજુના પ્રદેશને આવરી લેતો હતો. તે પશ્ચિમે ઈજિયન સમુદ્ર, દક્ષિણે ભૂમધ્ય સમુદ્ર, પૂર્વે મેસોપોટેમિયા અને ઉત્તરે કાળા સમુદ્રની વચ્ચે વિસ્તરેલો હતો. તે તેની ફળદ્રૂપ જમીનો, સમૃદ્ધ ખનિજસંપત્તિ તથા ત્યાંની પૅક્ટોલસ નદીના સુવર્ણ-નિક્ષેપો માટે ખૂબ જ જાણીતો હતો. તેના મૂળ પ્રદેશમાં હરમૂસ નદી અને સાર્ડિસના મેદાનનો સમાવેશ થતો હતો. તેની સરહદ એજિયન સમુદ્ર તથા હરમૂસ અને કેઇસ્ટર નદીઓની ખીણો સુધી વિસ્તરેલી હતી.
ઇતિહાસ : ગિજીસ ઈ. પૂ. 680થી 648 સુધી લિડિયાનો રાજા હતો. તેણે લિડિયામાં મર્મનાદ વંશ સ્થાપ્યો અને તેના રાજ્યને લશ્કરી સત્તા બનાવ્યું. સર્વ પ્રાચીન સ્રોતો અનુસાર રાજા કૅન્ડોલિસની હત્યા કરીને અને તેની રાણી સાથે લગ્ન કરીને ગિજીસ ગાદીએ બેઠો હતો. ઉત્તર ઍનેટોલિયામાં સિમેરિયનોને હરાવી, ક્રિગિયા જીતવામાં એસિરિયાના રાજા અશુરબનિપાલે ગિજીસને સહકાર આપ્યો હતો. તે પછી ગિજીસે આયોનિયા ઉપર ચડાઈ કરી અને ગ્રીક નગરરાજ્ય કોલોફોન કબજે કર્યું. ઇજિપ્તમાં થયેલ બળવો દબાવી દેવા તેણે પોતાનું લશ્કર મોકલ્યું હતું, તે તકનો લાભ લઈને સિમેરિયનોએ ચડાઈ કરી, ગિજીસને મારી નાખ્યો.
એલિએટિસ ઈ. પૂ. 619થી 560 સુધી લિડિયાનો રાજા હતો. તેના વિજયોથી લિડિયાનું શક્તિશાળી પરંતુ અલ્પજીવી સામ્રાજ્ય સ્થપાયું. તેના પિતા રાજા સેડિયેટિસ (અ. ઈ. પૂ. 619) પછી તે રાજા બન્યો. તેણે શરૂઆતનાં પાંચ વર્ષ ચડાઈઓ કરીને ગ્રીક નગર મિલેટ્સની આસપાસનો પ્રદેશ વેરાન કર્યો. તેણે પૂર્વ તરફ મીડીઝ સામે પણ પાંચ વર્ષ લડાઈઓ કરી. દક્ષિણમાં કેરિયનો સામે લડાઈ કરીને તેણે જીત મેળવી. પૂર્વમાં વિચરતી સિમેરિયન જાતિના લોકોને તેણે હરાવ્યા અને પશ્ચિમ ઍનેટોલિયામાંથી હાંકી કાઢ્યા. ગ્રીક ઇતિહાસકાર હેરૉડોટસના વર્ણન મુજબ રાજા એલિયેટિસની કબર લિડિયાના પાટનગર સાર્ડિસના અવશેષોની ઉત્તરે આશરે 11 કિલોમીટર દૂર મધ્ય ઍનેટોલિયામાં આવેલી છે.
પ્રાચીન લિડિયાના છેલ્લા રાજા ક્રિસસે ઈ. પૂ. 560થી 546 સુધી શાસન કર્યું. મર્મનાદ વંશના તેના પિતા એલિયેટિસની ગાદીનો તે વારસ બન્યો. ક્રિસસે ગ્રીસના કિનારાનાં નગરરાજ્યો જીતીને તથા મધ્ય એશિયા માઇનરમાં તેનું સામ્રાજ્ય હેલિસ નદી (હાલની કિઝિલ નદી) સુધી વિસ્તારીને લિડિયાની સત્તા પરાકાષ્ઠાએ પહોંચાડી. તેના શાસનકાળમાં સોનું ઉત્ખનન કરીને તથા વેપાર વિસ્તારીને લિડિયાએ વિપુલ સમૃદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેથી પોતાની વિપુલ સંપત્તિ માટે તે પ્રસિદ્ધ થયો હતો. ઈ. પૂ. 549માં ક્રિસસે પર્શિયા વિરુદ્ધ બૅબિલોનિયા, ઇજિપ્ત તથા સ્પાર્ટા સાથે સંગઠન કર્યું. આશરે ઈ. પૂ. 545માં તેણે તેનાં સાથી રાજ્યોની મદદની આશા રાખીને પર્શિયા ઉપર આક્રમણ કર્યું; પરંતુ તેને કોઈની મદદ મળી નહિ અને તે પાટનગર સાર્ડિસ પાછો ફર્યો. પર્શિયાનો રાજા સાયરસ તેની પાછળ પડ્યો, ક્રિસસને હરાવ્યો અને લિડિયા પોતાના સામ્રાજ્યમાં જોડી દીધું.
લિડિયનો વેપારી લોકો હતા. હેરૉડોટસના જણાવ્યા મુજબ, તેમના રિવાજો ગ્રીક લોકો જેવા હતા. છૂટક માલ વેચવાની કાયમી દુકાનો સ્થાપનાર તેઓ પ્રથમ હતા. તેમણે ધાતુના સિક્કાની શોધ કરી અને ગ્રીક લોકોએ તે તુરત જ અપનાવી લીધી. તેનાથી ઈ. પૂ. છઠ્ઠી સદીમાં ગ્રીક સભ્યતામાં વેપારી ક્રાંતિ થઈ. લિડિયનો તેમનાં સંગીત તથા શારીરિક તાલીમ માટે જાણીતા હતા. આયોનિયન નગરરાજ્યોની સંસ્કૃતિ ઉપર તેમનો ઘનિષ્ઠ પ્રભાવ પડ્યો હતો.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ