લિથગો (Lithgow) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલું ઔદ્યોગિક નગર. ભૌગોલિક સ્થાન 33° 29´ દ. અ. અને 150° 09´ પૂ. રે.. તે સિડનીથી પશ્ચિમે આશરે 150 કિમી. અંતરે બ્લૂ પર્વતોમાં સમુદ્રસપાટીથી 975 મીટરની ઊંચાઈએ આવેલું છે.

દક્ષિણ ગોળાર્ધના દેશો પૈકી મોટામાં મોટું ગણાતું, નાનાં શસ્ત્રોનું ઉત્પાદન કરતું પ્રિસિશન એન્જિનિયરિંગ વર્કસ નામનું કારખાનું લિથગો ખાતે આવેલું છે અને તે સમવાયતંત્રીય સરકારને હસ્તક છે. વૉલરવાગ અને માઉન્ટ પાઇપર ખાતેનાં ઊર્જામથકો અહીંના સ્થાનિક કોલસાનો ઇંધન તરીકે ઉપયોગ કરે છે. તેમાં આ શહેરના ઘણા લોકો કામ કરે છે. પોલાદનાં માળખાં, કાપડ અને પોશાકોનું ઉત્પાદન કરતા અન્ય ઉદ્યોગો પણ અહીં આવેલા છે.

અહીંનો તેમજ આજુબાજુના આશરે 3,470 ચોકિમી.ના વિસ્તારનો વહીવટ સિટી ઑવ્ ગ્રેટર લિથગોની કાઉન્સિલ કરે છે.

1824માં સર્વપ્રથમ યુરોપિયન ઍન્ડ્રૂ બ્રાઉન ગ્રેટ વેસ્ટર્ન ધોરી માર્ગ પરના બોવેનફેલ્સ ખાતે ગયેલો અને નિવાસી બનેલો. પછીથી તેણે કૂરવુલ (coorwull) હાઉસ બાંધેલું. અહીંની ન્યૂ સાઉથ વેલ્સની વસાહતના ઑડિટર જનરલ વિલિયમ લિથગોના નામ પરથી આ સ્થળનું નામ લિથગો પડેલું છે. એ જ રીતે જેણે અહીં કોલસાની સ્તરપટ્ટીઓ શોધી આપેલી તે ટૉમસ બ્રાઉન માટે 1841માં ઇઝબક (Esbank) હાઉસ બાંધવામાં આવેલું.

1900માં વિલિયમ સૅન્ડફર્ડે ઑસ્ટ્રેલિયામાં લિથગો ખાતે સર્વપ્રથમ વાર પોલાદ બનાવેલું. 1912માં અહીં નાનાં શસ્ત્રોનું કારખાનું સ્થાપવામાં આવ્યું. 1889માં લિથગો ખાતે મ્યુનિસિપલિટીની રચના થઈ. 1977માં લિથગો સિટી કાઉન્સિલ અને બ્લૅક્સલૅન્ડશાયર કાઉન્સિલને ભેળવી દેવાઈ, જેમાંથી ગ્રેટર લિથગો સિટી કાઉન્સિલની રચના થયેલી છે.

લિથગોની વસ્તી 1991 મુજબ 12,369ની છે.

ગિરીશભાઈ પંડ્યા