લિટર્જિકલ નાટક (liturgical drama) : મધ્યયુગમાં, બાઇબલની કથાઓના આધારે લખાયેલ અને સંતપુરુષોના જીવન વિશેની વાત રજૂ કરતું ચર્ચમાં અથવા તો ચર્ચની નજીક ક્યાંક ભજવવામાં આવતું નાટક. અલબત્ત, આનાં મૂળ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓના કર્મકાંડમાં હતાં; આમ છતાં આવાં નાટકો ચર્ચની સેવાઓના અનિવાર્ય અંગ તરીકે ભજવાતાં ન હતાં. લિટર્જિકલ નાટકની ભાષા સામાન્યત: લૅટિન રહેતી અને સંવાદ મોટાભાગે સાદા, હળવા, એકસૂરા સંગીતથી મઢેલા રહેતા. પ્રસંગોચિત નૃત્ય સાથે સંગીતનો સાથ રહેતો અને સંગીતમાં ક્યારેક સરઘસ કે વિજયયાત્રાને અનુરૂપ ધૂન વગાડવામાં આવતી.

દસમી સદીમાં અને ત્યારબાદ લખાયેલ હસ્તપ્રતોના આધારે લિટર્જિકલ નાટકોના મૂળનો ખ્યાલ આવે છે. તેનો પ્રારંભ કદાચ ‘ક્વેમ કોરિટિસ’ની અર્થાત્ ‘હૂમ ડુ યુ સીક ?’ની તર્જમાં, તેના રણકારમાં છે. દસમી સદીના મધ્ય ભાગમાં લખાયેલ ‘રેગ્યુલરિઝ કૉન્કૉર્ડિયા’માં વિન્ચેસ્ટરના બિશપ એઇથલવૉલ્ડે ‘ક્વેમ કોરિટિસ’ નાટકના એક નાના દૃશ્ય તરીકે ઈસ્ટરની ઉજવણીની સવારે કર્મકાંડની વિધિ દરમિયાન કઈ રીતે ભજવાતું તેનો થોડો ખ્યાલ આપ્યો છે. આ દૃશ્યના સંવાદો દ્વારા જિસસ ક્રાઇસ્ટની કબર સમક્ષ થતી ત્રણ મેરીની ઉપસ્થિતિ દર્શાવી છે. બારમી અને તેરમી સદી દરમિયાન લિટર્જિકલ નાટકનો ભજવવાનો સમય ક્રમશ: વધતો ગયો અને તેના સ્વરૂપનો વિકાસ થયો. આ નાટકના અત્યંત પ્રચલિત બનેલા મુખ્ય વિચારો બાઇબલની કથાઓમાંથી લેવામાં આવ્યા હતા. (જેમ કે, સિંહની ગુફામાં ડૅનિયલ, મૂર્ખ કન્યાઓ, જિસસનાં ધૈર્ય અને શહીદીની કથા વગેરે.) કેટલાક વિચારો સંતોની પરંપરાગત કથાઓમાંથી પણ લેવામાં આવતા. (જેમ કે, કુંવારી મેરી અને સંત નિકોલસ.) સંજોગોવશાત્ નાટકો બિનસાંપ્રદાયિક સમુદાયોના આશ્રય હેઠળ આવવા લાગ્યાં અને સમય જતાં નાટકો કેટલાક વર્ગ દ્વારા પુરસ્કૃત થવા લાગ્યાં અને ક્રમશ: નાટ્ય-દિગ્દર્શકો અને રચયિતાઓએ નાટકને રસપ્રદ અને લોકભોગ્ય બનાવવા તેમાં લોકભોગ્ય બોલીનો વપરાશ વધારી દીધો; તેથી લિટર્જિકલ નાટક અને ચર્ચ વચ્ચેનો સંપર્ક અને સંબંધ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયો.

અનંત ર. શુક્લ