લિગુરિયન સમુદ્ર : પશ્ચિમ ભૂમધ્ય સમુદ્રમાં આવેલો ઉત્તર તરફનો જળવિભાગ. ઇટાલીના વાયવ્ય કોણમાં આવેલો ભૂમધ્ય સમુદ્રનો ફાંટો. તે ખુલ્લા ભૂમધ્ય સમુદ્ર અને જેનોઆના અખાતની વચ્ચેનો ભાગ આવરી લે છે. ભૌગોલિક સ્થાન : 43° 30´ ઉ. અ. અને 9° 00´ પૂ. રે. આ સમુદ્ર અને જેનોઆના અખાતની ઉત્તરે ઇટાલીનો લિગુરિયા વિસ્તાર તથા તેની દક્ષિણે કૉર્સિકાનો ટાપુ આવેલા છે. તેનો સમગ્ર કિનારો ફ્રાન્સના અગ્નિ છેડાથી શરૂ થઈને ઇટાલીના ટસ્કની સુધી લંબાયેલો છે. તેના ખાંચાખૂંચીવાળા કિનારા પર ફ્રાન્સનું નાઇસ, ઇટાલીનાં જેનોઆ (મુખ્ય બંદર અને શહેર), સાન રેમો, લા સ્પેઝિયા, લિવૉર્નો જેવાં મહત્ત્વનાં સ્થળો આવેલાં છે. એપેનાઇન્સમાંથી નીકળીને વહેતી ઘણી નદીઓ આ સમુદ્રમાં ઠલવાય છે. તેની ઊંડાઈ કૉર્સિકાની વાયવ્યમાં 2,850 મીટર જેટલી છે. અગ્નિ તરફ ટસ્ક્ધા દ્વીપસમૂહ આવેલો છે. આ દ્વીપસમૂહ મારફતે તે તિરહેનિયન સમુદ્ર સાથે સંકળાયેલો છે; જ્યારે નૈર્ઋત્ય તરફ તે ખુલ્લા ભૂમધ્યમાં ભળી જાય છે.

ગિરીશભાઈ પંડ્યા