લિગન્ના, કનિપકમ્ (જ. 16 જુલાઈ 1935, ચિત્તૂર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને નવલકથાકાર. તેમણે એસ. વી. યુનિવર્સિટીમાંથી તેલુગુમાં એમ.એ.ની પદવી મેળવી. તે ઉપરાંત હિંદી પ્રવીણની ડિગ્રી પણ મેળવી હતી. તેમણે અધ્યાપનકાર્ય કર્યું અને હિંદી પંડિત તરીકે નિવૃત્ત થયા.

તેમણે તેલુગુમાં 23 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પિલુપુ’ (1971), ‘શ્વેત્ચા ગાનમ્’ (1982), ‘નેનુ સૂર્યુદિના વેના’ (1989), ‘વેલુગુ’ (1990) અને ‘નીવુ નેનુ’ (1994) તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે; જ્યારે ‘શાન્તિચક્રમ્’ (1977), ‘કોટિન ડુલુ’ (1981); ‘લાઇફ પાર્ટનર’ (1990), ‘ચાયના-બાબુ’ (1993), ‘ચિત્ર’ (1996), ‘મોહનીયમ્’ (1997) એ બધી તેમની નોંધપાત્ર નવલકથાઓ છે.

આંધ્રપ્રદેશ સરકાર તરફથી તેમને બેસ્ટ ટીચર ઍવૉર્ડ અને ‘કુપ્પમ રેડ્ડુમા ઍવૉર્ડ’ તથા મેક્સા સ્ટેટ લિટરરી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા