લિગુરિયા (Liguria) : ભૂમધ્ય સમુદ્રકાંઠે આવેલો ઇટાલીનો વિકસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 44° 30´ ઉ. અ. અને 8° 50´ પૂ. રે.ની આજુબાજુનો 5,421 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ લિગુરિયન સમુદ્રને મથાળે તે ચાપ આકારે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલો છે. તેની પહોળાઈ સરેરાશ 24 કિમી. જેટલી છે. તેની ઉત્તરે  આલ્પ્સ અને એપેનાઇનનો પહાડી પ્રદેશ અને દક્ષિણે ભૂમધ્ય સમુદ્ર આવેલા છે. આખોય પ્રદેશ પશ્ચિમે ફ્રાંસની સરહદથી પૂર્વે ટસ્કની સુધી પથરાયેલો છે અને તે ઇમ્પિરિયા, સૅવોના, જિનોઆ અને લા સ્પેઝિયા પ્રાંતોનો બનેલો છે.

ભૂપૃષ્ઠ–જળપરિવાહ–આબોહવા : લિગુરિયાનો સમગ્ર વિસ્તાર અસમતળ ભૂપૃષ્ઠ ધરાવે છે. ઉત્તર તરફ આવેલાં આલ્પ્સ અને એપેનાઇન પર્વતશિખરો સ્થાનભેદે 1,200 મીટર; 1,500 મીટર અને 1,800 મીટરની ઊંચાઈનાં છે. તેમાંથી નાની પરંતુ વેગીલી નદીઓ નીકળે છે. પર્વતોને વીંધીને તેમણે સાંકડી ખીણોનું નિર્માણ કર્યું છે. સમુદ્રકાંઠો ખડકાળ તેમજ ખાંચાખૂંચીવાળો બની રહેલો છે. કિનારાથી ઉત્તરમાં પહાડી પ્રદેશ તરફ જતાં ઢોળાવનું પ્રમાણ ક્રમશ: વધતું જાય છે. કાંઠાના પ્રદેશમાં વચ્ચે આવેલા જિનોઆથી પૂર્વ અને પશ્ચિમ બંને બાજુઓ તરફ સાંકડી કંઠારપટ્ટીઓ પથરાયેલી છે. પૂર્વ તરફની પટ્ટી ખડકાળ અને ગીચ જંગલોવાળી છે. ત્યાં સરેરાશ વાર્ષિક 150થી 200 મિમી. વરસાદ પડે છે. પશ્ચિમ પટ્ટી આછી વનસ્પતિવાળી હોવાથી ત્યાંથી આબોહવા ભૂમધ્ય પ્રકારની પરંતુ પ્રમાણમાં નરમ અને શુષ્ક છે. આબોહવાની આ પ્રકારની વિશિષ્ટતાને કારણે અહીં ફૂલોનું ઉત્પાદન વધુ થતું હોવાથી, લિગુરિયાને ‘ફૂલોના બગીચા’ તરીકે ઓળખવામાં આવે છે.

અર્થતંત્ર : કંઠારપટ્ટીના બે છેડાઓ વચ્ચેનો જિનોઆનો વિસ્તાર ઔદ્યોગિક પ્રદેશ તરીકે જાણીતો બનેલો છે. ઓગણીસમી સદીથી અહીંના જંગલવિસ્તારનો વહીવટ કાળજીપૂર્વક થતો આવ્યો હોવાથી, લિગુરિયા ઇટાલીનો ઇમારતી લાકડાં ઉત્પન્ન કરતો પ્રદેશ બની રહ્યો છે. આખોય પ્રદેશ પહાડી હોવાથી ખેતી વિશેષ પ્રમાણમાં વિકસી શકી નથી, તેમ છતાં પહાડી ઢોળાવોને કોતરીને સીડી આકારનાં ખેતરો બનાવ્યાં છે. ખૂબ ઓછા લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા હોવા છતાં અહીં ફૂલો, શાકભાજી અને ફળોનું ઉત્પાદન લેવાય છે. ઑલિવ અને દ્રાક્ષ તે પૈકી મુખ્ય છે. ફૂલોની નિકાસમાંથી પ્રદેશને તેની કુલ આવકનો 33 % જેટલો હિસ્સો મળી રહે છે. પરિવહનક્ષેત્રે પણ વિકાસ થયેલો છે. આ ઉપરાંત અહીંના પહાડી પ્રદેશમાં મર્યાદિત પ્રમાણમાં પશુપાલન તેમજ સમુદ્રકાંઠાના વિભાગોમાં મત્સ્યપ્રવૃત્તિ પણ થાય છે.

લિગુરિયા

ઉત્પાદનલક્ષી ઉદ્યોગો અને વાણિજ્ય આ પ્રદેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. જિનોઆ અને લા સ્પેઝિયાના કિનારા પર ધાતુગાળણ અને ઇજનેરી ઉદ્યોગો, જહાજવાડો, લોખંડ-પોલાદના એકમો અને કોક બનાવવાના એકમો વિકસેલા છે. અહીં ઑલિવ તેલ, ખાંડનાં કારખાનાં, સિરેમિક ઉદ્યોગ, ખનિજતેલ-પેદાશો અને રસાયણ-ઉદ્યોગો આર્થિક દૃષ્ટિએ અગત્યનાં છે. તાજેતરમાં વધુ આવક આપતો પ્રવાસન-ઉદ્યોગ પણ વિકસ્યો છે, તે માટે કિનારે વિહારધામો ઊભાં કરવામાં આવ્યાં છે. જિનોઆ ખાતે જહાજોની મરામતનું મથક વિકસ્યું છે, તે ઉપરાંત જિનોઆ જહાજકંપનીઓનું મથક પણ છે. જિનોઆ બંદરેથી ઇટાલીના ઘણા માલસામાનની હેરફેર થતી રહે છે. આ બંદરનો વ્યવહાર ઉત્તર ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ અને દક્ષિણ જર્મની સાથે વિશેષ પ્રમાણમાં થાય છે. પ્રદેશના સમુદ્રકાંઠાને સમાંતર વીજસંચાલિત રેલમાર્ગની સુવિધા છે, તેમજ ત્યાંથી અંદરના ભૂમિભાગ તરફ સૅવોનાથી ટુરિન, જિનોઆથી મિલાન અને લા સ્પેઝિયાથી પર્મા જતા રેલમાર્ગો પણ આવેલા છે. આખાય પ્રદેશમાં ધોરી માર્ગોનું જાળું પથરાયેલું છે.

વસ્તી : 1998 મુજબ લિગુરિયાની કુલ વસ્તી 16,32,536 જેટલી છે. વસ્તીની ગીચતાની સરેરાશ દર ચોકિમી. દીઠ 301ની છે. જિનોઆ, સૅવોના અને લા સ્પેઝિયા અહીંનાં મુખ્ય શહેરો છે, તેમાં વસ્તીનું પ્રમાણ વિશેષ છે. લા સ્પેઝિયા ખાતે મહત્વનું નૌકામથક પણ છે.

ઇતિહાસ : પ્લાયસ્ટોસીન કાલખંડ દરમિયાન પ્રવર્તેલા છેલ્લા આંતરહિમકાળ વખતે (આશરે 20,000 વર્ષ વ.પૂ.નો કાળગાળો) અહીંની ગુફાઓ અને તેની આજુબાજુ લોકો વસતા હતા એવી માહિતી ઉપલબ્ધ થાય છે. ઈ.પૂ.ના પાંચમા સૈકા સુધીમાં, જિનોઆ આ પ્રદેશનું મુખ્ય નગર ગણાતું થયું હતું. પ્રથમ પ્યુનિક યુદ્ધ (ઈ.પૂ. 264–241) દરમિયાન અહીં રોમનો આવ્યા અને બીજા પ્યુનિક (અથવા હેનિબાલિક) યુદ્ધ (ઈ.પૂ. 218–201) પછીથી તેમણે વસાહતો શરૂ કરી. ગૉથિક, બાયઝેન્ટાઇન, લૉમ્બાર્ડ અને ફ્રેન્કિશ (જર્મન) વસાહતો વિશેની માહિતી ઉપલબ્ધ થતી નથી. મધ્ય યુગના ગાળાની શરૂઆતમાં સિસિલી અને ઉત્તર આફ્રિકામાંથી પણ ઓચિંતા હુમલાઓ થતા રહેતા હતા.

પછીના કાળ દરમિયાન સ્થાનિક ધર્મગુરુઓની આપખુદશાહી ક્રમે ક્રમે ઘટતી ગઈ અને નાગરિક સ્વાતંત્ર્યનો વિકાસ થતો ગયો. બારમી સદી સુધીમાં જિનોઆએ પોતાની સ્થિતિ મજબૂત બનાવી તથા વેપાર અને સંસ્થાઓનો વિકાસ વધાર્યો. આ રીતે લિગુરિયામાં જિનોઆનું વર્ચસ્ જામતું ગયું. વળી જિનોઆનું પૂર્વ તરફ વિસ્તરણ થવાથી તેને લ્યુક્કા અને ફ્લોરેન્સ સાથે પંદરમી સદીની શરૂઆતમાં સીધા સંઘર્ષમાં આવવું પડ્યું. સોળમી સદી સુધીમાં, જિનોઆનું વર્ચસ્ આ પ્રદેશમાં છવાઈ ગયું હતું. નેપોલિયનના સમયગાળાની શરૂઆતમાં લિગુરિયા પ્રજાસત્તાક તરીકે જાહેર થયું, પરંતુ 1805માં તે ફ્રેન્ચ સામ્રાજ્ય સાથે જોડાયું. તે પછી 1814માં તે સાર્ડિનિયાના સામ્રાજ્યમાં ભળ્યું. 1861માં તે ઇટાલીના સામ્રાજ્યનો એક ભાગ બન્યું. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ, 1947માં પૅરિસ ખાતેની સંધિને કારણે ઇટાલીએ લિગુરિયાનો કેટલોક પટ્ટીવિસ્તાર ફ્રાંસને સુપરત કર્યો. ત્યારબાદ કોઈ ફેરફાર નોંધાયો નથી.

નીતિન કોઠારી