લિગડે, જયદેવીતાઈ (જ. 1912, સોલાપુર, મહારાષ્ટ્ર; અ. 1986) : દ્વિભાષી કવયિત્રી. બાળપણથી જ કીર્તનો અને પુરાણોના શ્રવણને લીધે તેમનાં ચિત્ત અને હૃદય બારમી સદીના કર્ણાટકના સંત શિવશરણ પ્રત્યે અત્યંત ભક્તિભાવમાં તરબોળ થઈ ગયાં. 12મા વર્ષે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. તેમનો જન્મ અને ઉછેર ખૂબ જ સંસ્કારી અને ધાર્મિક પરિવારમાં થયા હતા. તેઓ ફક્ત મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી શક્યાં હતાં.
તેમણે કન્નડ અને મરાઠી બોલતા લોકોની સંસ્કૃતિ વચ્ચે સેતુ બાંધવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો. જયદેવીએ 1952માં પ્રગટ થયેલા 40 કાવ્યોના ‘જયગીતા’ નામક કાવ્યસંગ્રહથી તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો. તે કાવ્યો અત્યંત ભક્તિભાવસભર છે. 1959માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘તાયિયા પદગલુ’ પ્રગટ થયો. તેમાં વિવિધ વિષયોને સ્પર્શતી 1,000 પદત્રયીનો સમાવેશ કરાયો છે. આ પદત્રયીઓમાં 63 પુરાતન શૈવધર્મના પ્રચારકોનાં ચરિત્રો જોવા મળે છે. ‘તારક તંબૂરી’ નામનો તેમનો ત્રીજો કાવ્યસંગ્રહ 1968માં પ્રગટ થયો હતો.
તેમને તેમના ચિરસ્મરણીય મહાકાવ્ય ‘સિદ્ધરામ પુરાણ’થી ખૂબ પ્રસિદ્ધિ મળી. તે 600 પૃષ્ઠ અને 4,100 પદત્રયી ધરાવતો મહાન ગ્રંથ છે. તેમાં તેમણે પદત્રયી કાવ્યસ્વરૂપને અને અસરકારક પરંપરાગત જનપદ-શૈલીને સમૃદ્ધ બનાવ્યાં છે. આ ગ્રંથમાં બારમી સદીના કર્ણાટકના એક મહાન સંત શરણ સિદ્ધરામના જીવનનું ચિત્રાંકન કરાયું છે. આ મહત્વાકાંક્ષી કૃતિમાં જયદેવીના અત્યંત પ્રિય દેવ સિદ્ધરામ પ્રત્યેના તેમના શુદ્ધ પ્રેમની પ્રતીતિ થાય છે.
મરાઠી સાહિત્યમાં ‘સિદ્ધવાણી’, ‘બસવદર્શન’, ‘મહાયોગિની’, ‘સિદ્ધરામચે ત્રિપદી’ અને ‘સમૃદ્ધ કર્ણાટકચી રૂપરેષા’ નામની કૃતિઓ રચીને તેમણે નામના મેળવી હતી.
જયદેવી હુબલી અને તુમકુર ખાતે યોજાયેલ અખિલ ભારત વીરશૈવ મહિલા પરિષદનાં પ્રમુખ તરીકે બે વખત ચૂંટાયાં હતાં. ઉડીપી ખાતેની વિશ્વ હિંદુ પરિષદની મહિલાગોષ્ઠિઓમાં તેમણે પ્રમુખસ્થાન સંભાળ્યું હતું. 1950માં મુંબઈમાં ભરાયેલ 32મા સાહિત્યસંમેલનની મહાગોષ્ઠિ પ્રસંગે પણ તેઓ પ્રમુખ નિમાયાં હતાં. મૈસૂર રાજ્ય સાહિત્ય અકાદમીએ તેમનું સન્માન કર્યું હતું. સાહિત્ય અને સિદ્ધિઓ અંગેના તેમના પ્રશંસાપાત્ર પ્રદાન બદલ તેમનું 1974માં માંડ્ય ખાતે યોજાયેલ 48મા સાહિત્યસંમેલનનું પ્રમુખપદ આપી બહુમાન કરાયું હતું.
બળદેવભાઈ કનીજિયા