લિક્ટેનસ્ટાઇન (Liechtenstein) : દક્ષિણ–મધ્ય યુરોપમાં આવેલો નાનો દેશ. તે દુનિયાના સૌથી નાના દેશો પૈકીનો એક છે. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 9° 34´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 160 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ ઑસ્ટ્રિયા તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ સ્વિટ્ઝર્લૅન્ડ આવેલા છે. તે બધી બાજુએથી ભૂમિબદ્ધ છે.

ભૂપૃષ્ઠ–આબોહવા : લિક્ટેનસ્ટાઇનની પશ્ચિમ સરહદને સમાંતર રહાઇન નદી પસાર થાય છે. તેના પૂર્વ કાંઠા તરફની સાંકડી કિનારા-પટ્ટી સમતળ ખેતરોનો વિભાગ રચે છે. દેશના પૂર્વ તેમજ દક્ષિણ ભાગો હિમાચ્છાદિત શિખરોવાળા છે. આ પર્વતોના ઢોળાવો પર પાઇનનાં જંગલો અને રળિયામણાં ગોચર મેદાનો આવેલાં છે. ઊંચા પર્વતોથી ઘેરાયેલા આ દેશની આબોહવા નરમ છે. વસંતઋતુના ગરમ હૂંફાળા પવનો ફળોને ઊગવા માટે જરૂરી હવામાન પૂરું પાડે છે. દેશનું સરેરાશ વાર્ષિક તાપમાન 8° સે. જેટલું રહે છે, જ્યારે સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 900 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર : 1950 અગાઉનો ખેતીપ્રધાન ગણાતો આ દેશ તે પછીથી ઉદ્યોગપ્રધાન દેશ બની ગયો છે. ઊંચું જીવનધોરણ ધરાવતા દેશો પૈકી હવે આ દેશની પણ ગણના થાય છે. અહીંની મુખ્ય પેદાશોમાં સિરૅમિક્સ, સુતરાઉ કાપડ, ઉષ્માજનક ઉપકરણો, ઔષધો અને ચોકસાઈવાળાં સાધનોનો સમાવેશ થાય છે. ઊંચાઈ પર આવેલા મેદાની પ્રદેશોમાં ખેડૂતો બીફ અને દૂધ માટે પશુપાલનનો વ્યવસાય કરે છે. ઢોળાવ પર દ્રાક્ષ અને અન્ય ફળો ઉગાડે છે. આ ઉપરાંત રહાઇન નદીની ખીણમાં ઘઉં, મકાઈ, બટાટા અને શાકભાજીનું વાવેતર પણ થાય છે.

લિક્ટેનસ્ટાઇન

દેશનાં જુદાં જુદાં મથકો ખાતે વિદેશીઓ દ્વારા નંખાયેલા ધંધાઓ પર અહીંની સરકાર કર નાખીને નાણાં મેળવે છે. સરકાર પોસ્ટની ટિકિટો તૈયાર કરી આપીને પણ નાણાં ઊભાં કરે છે. આવી ટિકિટો પરનાં ચિત્રો રાજ્યના કલાસંગ્રહમાંથી પસંદ કરવામાં આવે છે. અહીંથી ટપાલટિકિટો, માઇક્રોચિપ્સ, દાંતની પેદાશો, નાની યંત્રસામગ્રી અને પ્રક્રમિત ખાદ્યપેદાશોની નિકાસ થાય છે.

વીજઊર્જા-ઉપલબ્ધિ માટે બે જળવિદ્યુતમથકો આવેલાં છે. વધારાની વીજઊર્જા તે સ્વિટ્ઝર્લૅન્ડને વેચાતી આપે છે. સ્વિટ્ઝર્લૅન્ડથી ઑસ્ટ્રિયા જતા મુખ્ય રેલમાર્ગો લિક્ટેનસ્ટાઇનમાંથી પસાર થાય છે, પરંતુ તે પૈકીની બહુ જ ઓછી ગાડીઓ આ દેશમાં થોભે છે. આ દેશમાંથી સ્વિટ્ઝર્લૅન્ડ અને ઑસ્ટ્રિયા જતા સડકમાર્ગો પર નિયમિત બસોની અવરજવર રહે છે.

લોકો : આ દેશની વસ્તી 2000 મુજબ આશરે 33,000 છે. પાંચમી સદી દરમિયાન, ઑસ્ટ્રિયા અને સ્વિસ લોકોની જેમ જ, આલ્પ્સમાં વસેલી જર્મન જાતિઓમાંથી અહીંના લોકો ઊતરી આવેલા છે. 1930ના દશકા સુધી તો અહીંના મોટાભાગના લોકો તેમના જીવનનિર્વાહ માટે ખેતી પર આધાર રાખતા હતા, પરંતુ હવે દેશના 50 % લોકો કારખાનાંઓમાં કામ કરે છે, કેટલાક હુન્નરકામ કરે છે અને માત્ર 10 % લોકો જ ખેતી પર નભે છે. અહીંના બધા જ લોકો રોમન કૅથલિક ધર્મ પાળે છે. તેઓ સ્વિસ પ્રજા જોડે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે, સ્વિસ નાણું ઉપયોગમાં લે છે. સ્વિટ્ઝર્લૅન્ડ તેમને પોસ્ટ, તાર અને ટેલિફોનની સેવાઓ પૂરી પાડે છે. સ્વિટ્ઝર્લૅન્ડ સાથે તેઓ રાજદ્વારી અને વેપારી સંબંધો પણ જાળવે છે, જરૂર પડ્યે અરસપરસ મદદરૂપ પણ બને છે. તેમની સત્તાવાર ભાષા જર્મન છે, દેશનું રાષ્ટ્રીય નામ ‘ફર્સ્ટેન્ટમ (Frstentum)’ છે. લિક્ટેનસ્ટાઇન પણ જર્મન છે. દેશમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નિ:શુલ્ક છે અને આઠ વર્ષની વય સુધીનાં બાળકો માટે શાળાએ જવું ફરજિયાત છે. દુનિયાનો શ્રેષ્ઠ ગણાતો ખાનગી કલાસંગ્રહ અહીંના પ્રિન્સની માલિકીનો ગણાય છે, તે વાડુઝ(Vaduz)માં રાખવામાં આવેલો છે; તેમાં પીટર બ્રુગેલ ધ ઍલ્ડર, સાન્દ્રો બૉત્તીચેલી, રેમ્બ્રાં અને પીટર પૉલ રુબેન્સ જેવા કલાકારોની કૃતિઓ જાળવેલી છે.

વાડુઝ [વસ્તી : આશરે 5000 (1000)] અહીંનું પાટનગર અને મોટામાં મોટું શહેર છે. વાડુઝ ઉપરાંત બેલ્ઝર્સ, શાન અને રગેલ અન્ય મહત્વનાં શહેરો છે.

વહીવટ : આ દેશનો વહીવટ બંધારણીય રાજાશાહી હસ્તક છે. સંસદના વડા તરીકે પ્રિન્સ શાસન સંભાળે છે અને તેના મૃત્યુ બાદ તેનો સૌથી મોટો પુત્ર ગાદી પર આવે છે. પ્રજા ચાર વર્ષ માટે સંસદના 15 સભ્યોને ચૂંટી કાઢે છે. સંસદ ધારાઓ પસાર કરે છે, રાષ્ટ્રનું અંદાજપત્ર અને કરવેરાના દરનું માળખું તૈયાર કરે છે. ધારાઓ પ્રિન્સ પાસે મંજૂર કરાવવા પડે છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળનું અંગભૂત મંડળ સરકારી વહીવટ ચલાવે છે. આ મંડળના પાંચ સભ્યોને સંસદ નક્કી કરે છે અને પ્રિન્સ તેને મંજૂરી આપે છે.

ઇતિહાસ : ઈ. સ. 500ના અરસામાં જર્મનભાષી ઍલેમની જાતિ અહીં વસતી હતી. આઠમી સદીના ઉત્તરાર્ધ કાળમાં આજે જ્યાં લિક્ટેનસ્ટાઇન છે ત્યાં ફ્રૅન્કોના રાજા શાર્લમેને (Charlemagne) કબજો જમાવેલો. નવમી સદીની શરૂઆતમાં તેના મૃત્યુ બાદ આ વિસ્તાર બે રાજ્યોમાં વહેંચાઈ ગયો : વાડુઝ અને શૅલેનબર્ગ. આ બંને રાજ્યો પછીથી પવિત્ર રોમન સામ્રાજ્યના ભાગ બની રહ્યાં. 1342માં તે સાર્વભૌમ રાજ્ય બન્યું. 1434માં તેની આજની સીમાઓ સ્થાપિત થઈ. જોહાન-ઍડમ લિક્ટેનસ્ટાઇને 1699માં શૅલેનબર્ગ અને 1712માં વાડુઝ લઈ લીધાં. તેના વંશજો હજી આજે પણ લિક્ટેનસ્ટાઇન પર શાસન કરી રહ્યા છે. 1719થી આજદિન સુધી (ઓગણીસમી સદીના પ્રારંભમાં થોડાક વખત માટે ફ્રાન્સના નેપોલિયન પહેલાએ તેના પર કબજો મેળવેલો તેને બાદ કરતાં) લિક્ટેનસ્ટાઇન એક સ્વતંત્ર રાજ્ય રહ્યું છે. 1815માં લિક્ટેનસ્ટાઇન જર્મન શાસકોની લીગમાં  જર્મન સમવાયતંત્રમાં – જોડાયેલું, તેમ છતાં તેણે પોતાની સ્વતંત્રતા જાળવી રાખેલી. 1866માં સાત અઠવાડિયાંના યુદ્ધ બાદ આ સમવાયતંત્ર વિખેરી નંખાયું. આ તેને માટેનું છેલ્લું યુદ્ધ હતું, જેમાં તેણે ભાગ લીધો હતો. સ્વિટ્ઝર્લૅન્ડની માફક, લિક્ટેનસ્ટાઇન તદ્દન તટસ્થ રહ્યું છે; એટલું જ નહિ, 1866 પછીથી તેણે પોતાનું કોઈ લશ્કર પણ રાખેલ નથી.

1852માં લિક્ટેનસ્ટાઇન ઑસ્ટ્રિયન સામ્રાજ્ય સાથે આર્થિક સંઘમાં જોડાયું, પરંતુ પહેલા વિશ્વયુદ્ધ (1914–18) બાદ તે આ સંઘમાંથી નીકળી ગયું. 1924માં તેણે સ્વિટ્ઝર્લૅન્ડ સાથે એ જ પ્રકારનો કરાર કર્યો છે. 1938માં ફ્રાન્ઝ જોસેફ બીજા તેના પ્રિન્સ બન્યા છે. 1984 સુધી આ દેશમાં માત્ર પુરુષોને જ મતાધિકાર હતો, પરંતુ તે વર્ષે સ્ત્રીઓને પણ મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 1984માં પ્રિન્સ જૉસેફ બીજાએ તેમની સરકારના સંચાલનનો અધિકાર તેના પુત્ર પ્રિન્સ હૅન્સ ઍડમને સત્તાવાર રીતે આપ્યો છે. 1989માં પ્રિન્સ ફ્રાન્ઝ જૉસેફ મૃત્યુ પામ્યા અને પ્રિન્સ હૅન્સ ઍડમ ગાદી પર આવ્યા છે. 1990માં લિક્ટેનસ્ટાઇન યુનાઇટેડ નેશન્સનું સભ્ય પણ બન્યું છે. 1991માં તે યુરોપિયન ફ્રી ટ્રેડ ઍસોસિયેશનનું સાતમું સભ્ય બન્યું છે. 1993માં મારિયો ફ્રિક માત્ર 28 વર્ષની નાની વયે, બે સામાન્ય ચૂંટણીઓ બાદ, સરકારી વડા બન્યા છે.

ગિરીશભાઈ પંડ્યા