લિક ઑબ્ઝર્વેટરી, કૅલિફૉર્નિયા

January, 2004

લિક ઑબ્ઝર્વેટરી, કૅલિફૉર્નિયા : યુનાઇટેડ સ્ટેટ્સની એક પ્રમુખ પ્રાકાશિક (optical) વેધશાળા. યુનાઇટેડ સ્ટેટ્સમાં પહાડની ટોચ ઉપર બાંધવામાં આવેલી પહેલી વેધશાળા. તેના ટેલિસ્કોપ માઉન્ટ હૅમિલ્ટન શિખર પર આશરે 1,280 મીટર (4,200 ફૂટ) ઊંચાઈએ આવેલા છે. આ સ્થળ કૅલિફૉર્નિયામાં સાન હોઝેથી પૂર્વમાં આશરે 32 કિમી. (20 માઈલ) અંતરે આવેલું છે. હાલમાં આનો ઉપયોગ મુખ્યત્વે નિરીક્ષણ-મથક તરીકે જ થાય છે અને વેધશાળાનું સંચાલન સાન્ટાક્રૂઝ ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટી કરે છે.

આ વેધશાળા માટે કૅલિફૉર્નિયા યુનિવર્સિટીને ઈ. સ. 1874માં માતબર રકમનું દાન કરનાર જેમ્સ લિક(James Lick : 1796–1876)ના નામ પરથી આ વેધશાળાનું નામ ‘લિક ઑબ્ઝર્વેટરી’ પાડવામાં આવ્યું છે. વેધશાળાની સ્થાપના માટે વિવિધ સ્થળો ચકાસીને આખરે હાલનું સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું. સ્થળની પસંદગીમાં આરંભમાં લિકે પોતે પણ રસ લીધો હતો, પણ પાછળથી તેના એક સાથીએ આ કામગીરી ઉપાડી લીધી. સાન્ટા ક્લેરા પાસે લિકની મિલકત હતી અને તે કાળે ત્યાંથી આ સ્થળ જોઈ શકાય તેટલું નજદીક હતું. લિકના અવસાનનાં બાર વર્ષ પછી, એટલે કે ઈ. સ. 1888માં વેધશાળાની ઇમારતનું બાંધકામ પૂરું થયું. તેના મુખ્ય 0.9 મીટર(36 ઇંચ)ના વર્તક દૂરબીનનું બાંધકામ પણ એ જ અરસામાં પૂર્ણ થયું. પોતે જીવતો હતો ત્યારે તો લિક આ પહાડ પર ક્યારેય ગયો ન હતો, પરંતુ તેની વસિયતમાં વ્યક્ત થયેલી ઇચ્છાનુસાર તેના મૃતદેહને આ વેધશાળાના પાયામાં દાટવામાં આવ્યો છે અને બરાબર તેની ઉપર જ આ દૂરબીનનો મુખ્ય આધારસ્તંભ ખોડવામાં આવ્યો છે. તેની કબર ઉપર મૂકવામાં આવેલી કાંસાની સાદી તકતી આજે પણ વેધશાળાના મુલાકાતીઓ માટે એક વધારાનું આકર્ષણ છે. દાતાના નામ પરથી આ ટેલિસ્કોપને લિક રિફ્રૅક્ટર (Lick refractor) કહેવાય છે. દુનિયાના મોટામાં મોટા વર્તક દૂરબીનોમાં આજે લિક વર્તક દૂરબીનનું સ્થાન બીજું છે; પણ તેની સ્થાપનાના આરંભનાં નવ વર્ષ સુધી તે દુનિયાનું સહુથી મોટું વર્તક દૂરબીન હતું. આ ટેલિસ્કોપની મદદથી એડ્વર્ડ બર્નાર્ડ (Edward E. Barnard : 1857–1923) નામના અમેરિકાના ખગોળશાસ્ત્રીએ સન 1892માં એમાલ્થિયા (Amalthea) નામનો ગુરુનો (પાંચમો) ચંદ્ર શોધ્યો હતો. ઈ. સ. 1610માં ગૅલિલિયોએ શોધેલા ગુરુના ચાર ચંદ્ર પછી શોધવામાં આવેલો ગુરુનો આ પહેલો ચંદ્ર હતો. આ ટેલિસ્કોપના વસ્તુકાચની સપાટી પર વાતાવરણની અસરને કારણે ઘસારો થતાં 1987માં તેની મરામત કરવામાં આવી હતી.

આ વેધશાળાના પ્રથમ નિયામક અમેરિકાના ખગોળવિદ એડ્વર્ડ હોલ્ડન (Edward S. Holden : 1846–1914) હતા. આ પદ પર તે 1888થી 1897 સુધી રહ્યા.

માઉન્ટ હૅમિલ્ટનની ટોચ ઉપર આ ઉપરાંત કેટલાક અન્ય ટેલિસ્કોપ પણ છે. આવું એક જાણીતું ટેલિસ્કોપ 0.9 મીટર(36 ઇંચ)નું ક્રોસ્લે પરાવર્તક (Crossley Reflector) છે. આ ટેલિસ્કોપ કૉમોન (Andrew Common : 1841–1903) નામના ઇંગ્લિશ ઇજનેર અને મોટા ટેલિસ્કોપ બનાવવામાં માહિર એક ખગોળરસિયાએ બનાવ્યું હતું અને તેને એડ્વર્ડ ક્રૉસ્લી (Edward Crossley) નામના એક અંગ્રેજને વેચ્યું હતું. ઈ. સ. 1895માં ક્રૉસ્લીએ આ ટેલિસ્કોપ લિક વેધશાળાને ભેટ આપ્યું હતું. આ દૂરબીનની સહાયથી નિહારિકાઓનું ફોટોચિત્રણ અને વર્ણપટીય નિરીક્ષણ થાય છે. ગુરુના છઠ્ઠા, સાતમા અને નવમા ચંદ્રો(ઉપગ્રહો)ની શોધ આ ઉપકરણથી કરવામાં આવેલી. આંતરતારકીય દ્રવ્યનું અસ્તિત્વ પણ આ દૂરબીન વડે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું.

બે નળીઓ ધરાવતું 50 સેન્ટિમિટર(20 ઇંચ)નું ડબલ ઍસ્ટ્રોગ્રાફ (ખગોલરેખા ચિત્રક) નામનું એક વિશિષ્ટ ઉપકરણ (વાઇડ ઍન્ગલ ફોટોગ્રાફ લઈ શકતું ખગોલીય ટેલિસ્કોપ) પણ અહીં છે. ઈ. સ. 1940ના અરસામાં તે ગોઠવવામાં આવેલું. આ ઉપકરણ વર્ણપટના નીલા અને પીળા પ્રદેશના એકસાથે ફોટોગ્રાફ લઈ શકવાની ક્ષમતા ધરાવે છે.

1983માં કામ કરતું થયેલું 1 મીટર(39 ઇંચ)નું નિકલ પરાવર્તક (nickel reflector) પણ અહીં છે. લિક વેધશાળાના સહુથી મોટા દૂરબીનનું નામ સી. ડૉનાલ્ડ શેન (C. Donald Shane) છે. 1959માં કામ કરતું થયેલું આ ટેલિસ્કોપ 3.05 મીટર(120 ઇંચ)નું છે અને વેધશાળાના એક પૂર્વ નિયામક પરથી તેનું નામ પાડવામાં આવ્યું છે.

આ વેધશાળામાં તેના આરંભકાળથી જ ખગોળનાં ઘણાં ક્ષેત્રોમાં પાયાનું સંશોધન થયું છે. યુગ્મતારાનું નિરીક્ષણ અને મંગળ ગ્રહનાં નિરીક્ષણ આનાં ઉદાહરણ છે. 1894માં મંગળ ગ્રહ પૃથ્વીની ઘણો નજદીક આવ્યો હતો, ત્યારે આ તકનો લાભ લઈને એડ્વર્ડ બર્નાર્ડ જેવા એક ઉત્તમ નિરીક્ષકે વેધશાળાના 91 સેન્ટિમિટર(36 ઇંચ)ના વર્તક દૂરબીનમાંથી તેને નિહાળીને ઘણાં રેખાચિત્રો (સ્કેચ) દોર્યાં હતાં. મોંઘી મિરાત જેવાં આ રેખાચિત્રો આજે પણ ત્યાં જોઈ શકાય છે.

સુશ્રુત પટેલ